અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક

અમદાવાદમાં વાહન ચોરીના અનેક ગુનાઓ નોંધાય છે. બીજી તરફ રેન્ટલ કાર સંદર્ભે થયેલો ગુનો લોકોને વિચારતા કરી દે તેવો છે. અમદાવાદમાં ઝૂમ કાર એપમાં રેન્ટલ કાર બુક કરીને લઈ ગયા બાદ પરત નહીં આપીને છેતરપિંડી આચરતા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
કાર ઝૂમ કાર સેલ્ફ ડ્રાઈવ માટે મુકી
અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સ્મીતાબેન પરમાર નામની મહિલાએ ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેમણે બેંક લોન પર કાર ખરીદી હતી અને ગત 21 ફેબ્રુઆરીના રોજ તેમણે ઝૂમ કાર પ્રા. લિ. કંપનીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને ઝૂમકાર સેલ્ફ ડ્રાઈવ માટે મુકી હતી. આ માટે તેમના દીકરાએ ઓનલાઈન જાહેરાત પણ મુકી હતી. તેમની ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત ચોથી માર્ચના રોજ તેમના દીકરાના મોબાઈલ પર ઓનલાઈન કાર રેન્ટ પર લેવા માટેની ઈન્કવાયરીનો ફોન આવ્યો હતો.
પાંત માર્ચે ઓનલાઈન કાર બૂક કરાવી
પાંચમી માર્ચે મોહમ્મદ ઝબીર શેખ નામના વ્યક્તિએ કાર બુક કરી હતી. ત્યારબાદ બબલુ નામના ઈસમે કારનું ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું. બાદમાં મોહમ્મદ ઝબીર નામના વ્યક્તિનો ફોન આવ્યો અને કારની આરસી બુક અને વીમાની નકલો માંગી હતી. જેથી ફરિયાદીના દીકરાએ તેને વોટ્સએપ મારફતે મોકલી આપી હતી. આ કાર પરત મુકી જવાનો સમય 10 માર્ચ સવારે 10 વાગ્યાનો હતો.
કાર બૂક કરાનારનું લોકેશન અને ફોન બંધ
દસ માર્ચે ઝૂમકાર કંપનીમાંથી ફરિયાદીના દીકરાને ફોન આવ્યો અને કહ્યું હતું કે, તમારી કાર લઈ જનાર હજી કાર લઈને પરત આવ્યો નથી અને તેનું લોકેશન અને ફોન બંધ આવે છે. તેનું છેલ્લુ લોકેશન ભુજનું આવે છે. ત્યાર બાદ ઝૂમકાર કંપનીના કર્મચારીએ કાર માલિકને કાર લઈ જનારની ફોટો કોપી અને ડોક્યુમેન્ટ આપ્યા હતાં.
ફરિયાદીની એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
ફરિયાદીએ એરપોર્ટ પોલીસમાં એક ફરિયાદ લેખિતમાં આપી હતી. 11 માર્ચે કાર લઈ જનારનો ફરિયાદી પર ફોન આવ્યો હતો કે, હું ભુજમાં છું અને 14 માર્ચે સાંજ સુધીમાં તમને તમારી ગાડી આપી જઈશ. પરંતુ આજ દીન સુધી તેણે કાર પાછી આપી નથી અને તેનો સંપર્ક થઈ શક્યો ન હોવાથી ફરિયાદીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
0 comments:
Post a Comment