આણંદ31 મિનિટ પહેલા
- કૉપી લિંક
આંકલાવના આસોદર ગામે રહેતા આધેડે વેપાર માટે અમદાવાદના બે શખસ પાસે 15 લાખ રૂપિયા વ્યાજે લીધાં હતાં. જે પેટે તેમણે 55 લાખ રૂપિયા આપ્યા છતાં વ્યાજખોરો વધુ દોઢ લાખ માંગતાં હતાં અને નાણાં ન આપે તો પુત્રને ઉઠાવી જવાની ધમકી આપી હતી. આખરે આ અંગે આધેડે આંકલાવ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
આંકલાવ તાલુકાના આસોદર ગામે આવેલી આધારશીલા સોસાયટીમાં રહેતા બળદેવ કરશનભાઈ વણોલ (રાજપુત)એ પાંચેક વર્ષ પહેલા અમદાવાદ નજીક આવેલા કુહા ગામે ભાડાના મકાનમાં રહેતા હતા અને ડ્રાઈવીંગ કરતા હતાં તે વખતે કુહા ગામે મકાન લેવાનું હોવાથી બેન્કમાંથી રૂ.33 લાખની લોન લીધી હતી. જોકે, રૂપિયા ખુટતાં હોવાથી તેઓએ અમદાવાદના નિકોલ તથા વસ્ત્રાલમાં રહેતા હરપાલસિંહ જાડેજા, મનહરસિંહ ચાવડા પાસેથી 2018માં રૂ. બે લાખ માસીક સાત ટકાના વ્યાજે લીધાં હતાં. તે રકમ વ્યાજ સાથે પરત કરી ફરી વાર ચાર લાખ સાત ટકાના વ્યાજે લીધાં હતાં. જોકે, આ વખતે વ્યાજ ભરવામાં મોડુ થાય તો દિવસના રૂ. એક હજાર પેનલ્ટી વસુલતાં હતાં. આમ છતાં બળદેવભાઈએ કટકે કટકે રૂ.15 લાખ સાત ટકા લેખે વ્યાજે લીધાં હતાં. આ રકમનું વ્યાજ તેઓ નિયમિત ભરતાં હતાં.
આમ છતાં વ્યાજખોર મુડી અને વ્યાજ પરત લેવા અતિશય દબાણ કરતાં હતાં. વ્યાજખોરો વારંવાર બળદેવભાઇને ઘરે તેમજ ફોન પર ધમકીઓ આપતા હતા. આથી, કંટાળી તેઓ કુહાથી સાવલી પરિવાર સાથે રહેવા આવી ગયાં હતાં. જ્યાં કાપડની દુકાન ચાલુ કરી હતી. આમ છતા આ બન્ને શખસ કડક ઉઘરાણી કરી ધમકીઓ આપવા લાગ્યાં હતાં. અપહરણ કરવાની ધમકી આપતાં હતાં. આથી, જેમ તેમ કરી બળદેવભાઈએ વ્યાજખોરોથી છુટકારો મેળવવા રૂ.15 લાખ મૂડી અને વ્યાજ પેટે રૂ.40 લાખ આપ્યાં હતાં. આમ છતાં તેઓ ઘરે આવી ધમકી આપી કાર લઇ ગયાં હતાં. આથી, બળદેવભાઈએ ખોટ ખાઇને પણ કાપડનો માલ વેચી દીધો હતો. જેમાંથી 1.80 લાખ મનહરસિંહ ને આપી કાર છોડવી લીધી હતી. આ સમયે પણ બન્ને વ્યાજખોરે પુત્રની હત્યા કરી નાંખવાની ધમકી આપી હતી.
આથી, બળદેવભાઈએ આત્મહત્યાની ધમકી આપી હતી. તો બન્ને નફ્ફટ વ્યાજખોરોએ તેના પુત્ર પાસેથી નાણા વસુલવા ધમકી આપી હતી. તેઓએ 15 લાખ સામે 55 લાખ વસુલ્યા બાદ પણ વધુ દોઢ લાખ માંગતાં હતાં. આખરે આ અંગે બળદેવભાઈ વણોલે આંકલાવ પોલીસ મથકે હરપાલસિંહ જાડેજા અને મનહરસિંહ ચાવડા (બન્ને રહે. અમદાવાદ) સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.