ભરૂચએક કલાક પહેલા
- કૉપી લિંક
ભરૂચ પાલિકાનો બાકીવેરો ભરી પ્રોત્સાહન યોજનાનો લાભ લેવા હવે 3 દિવસ જ બાકી છે, ત્યારે જૂની 4 કરોડ અને નવી 2 કરોડ જેટલી રકમ ભરપાઈ કરવા બાકીદારોને ટકોર કરાઈ છે. ભરૂચ નગર પાલિકાના 68 હજાર મિલકતધારકો પૈકી 6 થી 8 હજાર જુના બાકીદારોના લીધે રૂપિયા 4 કરોડથી વધુની વસુલાત હજી સુધી આવી નથી. પાલિકાનો સફાઈ, પાણી, લાઈટ સહિતના વેરાનો કુલ લક્ષ્યાંક 21 કરોડનો હતો. જે પૈકી અત્યાર સુધી 15 કરોડ જેટલી વસુલાત આવી ચુકી છે. જેમાં નવી વેરા વસુલાતના 2 કરોડ મળી કુલ 6 કરોડ હજી પણ પાલિકા ચોપડે બાકી છે.
પાલિકા પ્રમુખ, મુખ્ય અધિકારી અને કારોબારી અધ્યક્ષે નગરજનોને તેમનો બાકી જૂનો વેરો 31 માર્ચ સુધીમાં ભરી દંડ અને વ્યાજમાફીનો લાભ લેવા સૂચન કર્યું છે. જ્યારે નવા વેરા માટે પણ એક એપ્રિલથી 30 મેં સુધી વેરો ભરી કાઉન્ટ પરથી 20 અને ઓનલાઈન 25 ટકા ડિસ્કાઉન્ટ લેવા અનુરોધ કરાયો છે. બાકીદારો સામે પાલિકાની ટીમોની કડક વેરા વસુલાતમાં વર્ષો જુના બાકીદારોની 60 મિલકતો સીલ કરાઈ છે. જ્યારે 40 થી વધુ નળ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. પાલિકાએ 31 માર્ચને હવે ત્રણ દિવસ જ બાકી હોય રામ નવમીની રજામાં પણ લોકો બાકી વેરો ભરી શકે તે માટે કેશ કાઉન્ટરો કાર્યરત રાખ્યા છે.