એક કલાક પહેલા
- કૉપી લિંક
રાજ્યમાં જમીનો, સ્થાવર મિલકતોના જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) 2011ના ભાવોમાં 15 એપ્રિલથી થનાર ભાવવધારા લાગુ થશે. ત્યારે સંદર્ભે દસ્તાવેજોમાં વાપરવા પાત્ર સ્ટેમ્પ ડ્યૂટી અંગેની સ્પષ્ટતાઓ-સમજૂતી કરી હતી. મહેસૂલ વિભાગના એસીએસ કમલ દયાણીએ જણાવ્યું હતું કે, કાયદામાં જોગવાઈ છે કે જ્યારે સહી થાય તે પછીના ચાર મહિના સુધી તેનો લાભ લઈ અને એક્ઝિક્યુટ કરી શકાય છે.
કયા કિસ્સામાં લાભ મળશે
તા.15/04/2023 પહેલાં પક્ષકારો વચ્ચે મિલકતના વેચાણનો બાનાખતનો દસ્તાવેજ કરવામાં આવેલા હશે. અને તા.15/04/2023 પછી આવા બાનાખતમાં સમાવેશ થયેલી મિલકતનો તે જ પક્ષકારો વચ્ચે વેચાણ દસ્તાવેજ કરવામાં આવશે, તો તેવા કિસ્સામાં વેચાણ દસ્તાવેજ થયાની તારીખે અમલી જંત્રીના (એટલે કે વધારેલા) ભાવ મુજબ થતી મિલકતની બજારકિંમત મુજબની સ્ટેમ્પ ડ્યૂટીની રકમમાંથી બાનાખત ઉપર રૂ.300- થી વધુ રકમની વાપરેલા સ્ટેમ્પ ડ્યૂટી વેચાણ દસ્તાવેજ ઉપર ભરવાની થતી સ્ટેમ્પ ડ્યૂટીની રકમમાં મજરે ગણવામાં આવશે.
સબ રજિસ્ટારની કચેરીઓ રજાના દિવસે ચાલુ રહેશે
4 એપ્રિલ, 7 એપ્રિલ તથા 8 એપ્રિલે જાહેર રજાના દિવસોમાં સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 32-કના અસરકારક અમલ માટે રાજ્યની જમીનો/સ્થાવર મિલકતોના જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ) 2011ના ભાવોમાં 15 એપ્રિલથી વધારો અમલમાં આવનાર છે. જેથી 15 એપ્રિલ કે તે પછી નોંધણી અર્થે રજૂ થતાં દસ્તાવેજો માટે કેટલીક સ્પષ્ટતા કરાઈ છે.
તા.15/04/2023 કે તે પછી નોંધણી માટે રજૂ થતો દસ્તાવેજ તા.15/04/2023 પહેલાં કરી આપેલ હશે એટલે કે દસ્તાવેજમાં તા.15/04/2023 પહેલાં (તા.14/04/2023 સુધીમાં) પક્ષકારોની સહી થઈ નોંધણી માટે તૈયાર હશે અને આવા દસ્તાવેજ ઉપર પક્ષકારોની સહી થયાની તારીખ પહેલાં અથવા સહી થયાની તારીખના પછીના તરતના કામકાજના દિવસ સુધીમાં જરૂરી હોય તે રકમનો પૂરેપૂરો સ્ટેમ્પ લગાડેલ હશે તો આવો દસ્તાવેજ સહી કર્યાની તારીખથી ચાર માસમાં નોંધણી માટે રજૂ થશે તો તેવા દસ્તાવેજમાં તા.15/04/2023થી વધારેલ જંત્રી ભાવ લાગુ પડશે નહીં, પરંતુ, તે પહેલાંના ભાવવધારા સિવાયના અમલી જંત્રી ભાવ (જૂની જંત્રીના ભાવ) મુજબ દસ્તાવેજમાં મિલકતની બજારકિંમત તથા સ્ટેમ્પ ડ્યૂટી ગણવામાં આવશે.
રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓ ખાતે દસ્તાવેજ નોંધણી કામગીરીના પ્રમાણ તથા જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખી તા.04/04/2023, તા.07/04/2023 તથા તા.08/04/2023ના જાહેર રજાના દિવસોએ રાજ્યની તમામ 287સબ રજિસ્ટ્રાર કચેરીઓ ખાતે દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. જેથી, 04/04/2023, તા.07/04/2023 તથા તા.08/04/2023ના રોજ રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓ ખાતે નિયમિત દિવસની જેમ જ ઓન લાઇન એપોઈન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે.