વિસનગરએક કલાક પહેલા
- કૉપી લિંક
વિસનગરમાં વિવિધ વેપારી એસોસિએશન દ્વારા પાલિકાને 15 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જેમાં પાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં દુકાનોના ભાડામાં કરેલા ભાવ વધારા મુદ્દે ત્રણ દરવાજા ટાવરથી નગરપાલિકા સુધી વેપારીઓએ રેલી કાઢી પાલિકા પ્રમુખને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં પાલિકા દ્વારા દુકાનોમાં થયેલા ભાડા વધારાને પાછો ખેંચવામાં આવે તેવી માગ સાથે સમસ્ત વેપારી દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. જેમાં પાલિકા પ્રમુખે આવેદનપત્ર લઈ વેપારીઓમાં હિતમાં નિર્ણય કરીશું તેવું જણાવ્યું હતું.

વિસનગર નગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ ગત તારીખ 3/3/2023 ના રોજ મળી હતી. જેમાં ઠરાવ નંબર 137થી વિસનગર નગરપાલિકાની દુકાનોમાં ભાડા રૂપિયા 4 કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જે એજન્ડા જનરલ સભામાં બહુમતીથી ઠરાવ કર્યો હતો. જે ભાવ વધારા અંગે વિસનગરના વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને વિસનગર નગરપાલિકાએ વેપારીઓનું કોઈપણ જાતનું હિત વિચાર્યા વગર 266% ના વધારાનો નિર્ણય કરતા વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને આ ભાડા વધારો પાછો ખેંચવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.

પાલિકામાં આવેદનપત્ર આપી નિમેષ શાહે રજૂઆત કરી હતી કે અત્યારે ઑનલાઇનના જમાનામાં જે રીતે અમારા ધંધા પડી ભાંગે છે. મોલ અને ઓનલાઇન બિઝનેસે અમારા ધંધા તોડી નાખ્યાં છે. હવે આ બધા સામે વેપારી ઝઝૂમી રહ્યો છે. જે સવારથી સાંજ સુધી કાળી મજૂરી કરી કામ કરી રહ્યો છે. જેના પર ભાડા વધારો આવશે, વેરાનો વધારો આવશે. જેથી વેપારી છેલ્લા ત્રણ ચાર વર્ષથી બેકારી, મોઘવારી, કોરોના જેમાં વેપારી એ વેપારી તરીકેનું બિરુદ ખોઈ રહ્યો છે. જેમાં આ ભાડા વધારો પાછો ખેંચવામાં આવે તેવી અમારા બધા વેપારીઓની માગ છે.

વેપારી મનુભાઈ (લાછડીવાળા)એ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, વિકાસ કરવો હોય તો વિસનગરમાં એક હજાર ભૂતિયા કનેક્શન છે. એમના પર રેડ કરી માથે 50 હજારનો દંડ નાખો એવી રીતે આવક ઊભી કરો અને ખોટી રીતે વેપારીઓને હેરાન કરવાનું બંધ કરો. આ ભાવ વધારો પાછો ખેંચવામાં નહિ આવે તો 15 દિવસ પછી વિસનગરમાં જલદ આંદોલન થશે. આ નગરપાલિકાને 15 દિવસનું અલ્ટીમેટમ છે.

આ અંગે ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે, વિસનગર નગરપાલિકાએ 1200થી વધુ દુકાન ધારકોના ભાડા વધારાના વિરોધમાં વિસનગર વેપારી મંડળ, કોપર સિટી મર્ચન્ટ એસોસિએશન તેમજ તમામ ભાડુઆત મળી આવેદનપત્ર આપી અમે ભાડા વધારો પાછો ખેંચવા માટે રજૂઆત કરી છે. જો આ ભાડા વધારો પાછો નહિ ખેંચાય તો અમે જલદ આંદોલન કરીશું અને કોર્ટ સમક્ષ જઈ ન્યાય મળે તે રીતે અમે કરવા માંગીએ છીએ.

પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલે જણાવ્યું હતું કે, તમારા બધાનો પ્રશ્ન છે જે મિટિંગમાં બધાને સાથે રાખી સંકલન આવશે. જેમાં સાથે રાખી ચર્ચા કરી મારાથી બનતા તમામ પ્રયત્ન કરી તમારા હિતમાં આવશે તેવું આશ્વાસન આપુ છું.

