નવસારી31 મિનિટ પહેલા
નવસારીના કાંઠા વિસ્તારના 52 ગામડાઓમાંથી પસાર થતી પાવર ગ્રીડ હાઈ ટેન્શન લાઇનનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, જેમાં આજે જલાલપોર તાલુકાના અસરગ્રસ્ત 36 માંથી 18 ગામોના ખેડૂતોએ મરોલી કાંઠા વિભાગ સંઘર્ષ સમિતિ હેઠળ સંગઠિત થઈ એક સૂરમાં હાઈ ટેન્શન લાઈન ખાંજણ જમીનમાંથી લઈ જવાની માંગ ઉઠાવી છે. જો સરકાર દ્વારા યોગ્ય નિર્ણય ન લેવામાં આવે તો આંદોલનને ઉગ્ર બનાવવાની તૈયારી પણ દર્શાવી છે.

નવસારી જિલ્લાના જલાલપોર અને ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારમાંથી પાવરગ્રીડ કોર્પોરેશન ઇન્ડિયા પ્રા. લિ. કંપની દ્વારા 765 કેવી ડી/સી ન્યુ નવસારીથી પડઘે સુધીની ટ્રાન્સમિશન લાઈન અને 400 કેવી એમ/સી ન્યુ નવસારીથી મગરવાડા ટ્રાન્સમિશન લાઈન નાંખવા જમીન સંપાદન શરૂ થયું છે. જેમાં બંને તાલુકાઓના 52 ગામોના અસરગ્રસ્ત ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. દરમિયાન 18 ગામડાઓના અસરગ્રસ્ત ખેડૂતોએ શ્રી મરોલી કાંઠા વિભાગ સંઘર્ષ સમિતિની રચના કરી, આજે પોતાની એકતા બતાવી હતી. મરોલી સ્થિત કોળી પટેલ સમાજની વાડીમાં વિસ્તારના આગેવાનો સાથે ખેડૂતોએ બેઠક કરી એક સૂરમાં પાવર ગ્રીડ હાઈ ટેન્શન લાઈન ખેતી અને બાગાયતી વિસ્તારમાંથી નહીં, કાંઠાના કોસ્ટલ રેગ્યુલેટરી ઝોન (CRZ) વિસ્તારમાંથી લઈ જવાની માંગ કરી છે. ખાસ કરીને અગાઉ પ્રાંત અને એજન્સીના અધિકારીઓ સાથેની બેઠકમાં હાઈ ટેન્શન લાઈન ખાંજણ વિસ્તારમાંથી લઈ જવા પર વિચારણા કરવાનું નક્કી થયુ હતું, પણ એજન્સી દ્વારા ફરી એજ જગ્યાએ કામગીરી શરૂ કરતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જો સરકાર યોગ્ય નિર્ણય ન લે તો આવનારા દિવસોમાં નવસારી બંધ તેમજ હાઇવે પર ચક્કાજામના કાર્યક્રમો આપતા પણ ખેડૂતો ખચકાશે નહીંની ચીમકી ઉચ્ચારી હતી.

પાવર ગ્રીડ હાઈ ટેન્શન લાઈન જલાલપોર અને ગણદેવી તાલુકાના ગામડાઓમાંથી અપસાર થવાની હોય ગત સપ્ટેમ્બર 2022 માં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ એમાં અસરગ્રસ્ત ખેડૂતોના નામ કે એમની જમીનના બ્લોક નંબર પણ આપવા આવ્યા ન હતા. જાહેરનામામાં ફકત ગામોના જ નામ હતા, જેથી ખેડૂતો સરકારની નીતિરીતિ સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે. જેથી સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય ન લે, તો ખેડૂતો હાઇકોર્ટમાં જવા પણ તૈયાર છે. જ્યાં જાહેરનામાને હાઇકોર્ટમાં પડકારવામાં આવે તો એ રદ્દ થાય એવી સંભાવના વધુ રહેલી છે. જેથી ખેડૂતો હવે સંપૂર્ણ પણે લાઈન CRZ વિસ્તારમાંથી જ પસાર થાય એવી માંગ ઉઠાવી રહ્યા છે.
પાવર ગ્રીડના બે પ્રોજેક્ટ હેઠળ કુલ 12 લાઈન નવસારી જિલ્લામાંથી પસાર થશે, જેનાથી ખેતીને અસર થશે, સાથે જ પર્યાવરણ પર પણ મોટી અસર થવાની સંભાવના ખેડૂતો સેવી રહ્યા છે. ત્યારે સરકાર હાઈ ટેન્શન લાઇનનો રૂટ બદલે છે કે નહીં એ જોવું રહ્યુ…