વિસનગર2 કલાક પહેલા
- કૉપી લિંક
વિસનગરમાં પતિના અવસાન બાદ પિયરમાં રહેતી મહિલાને સાસરીયા એ બાધા કરવાનું કહી બોલાવી તેની પાસેથી 18 માસનું બાળક લઈ લેતા મહિલાએ વિસનગરના વિવિધલક્ષી મહિલા કેન્દ્રનો સંપર્ક કર્યો હતો. મહિલા કેન્દ્ર દ્વારા પોલીસની મદદ દ્વારા 18 માસના બાળકને સાસરીયા પાસેથી કબ્જો લઈ મહિલાને સોંપવામાં આવ્યો હતો.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કડોલી ગામમાં રહેતા સોનલબેન દેવીપુજક નામની મહિલાના લગ્ન ચાર વર્ષ પહેલાં વિસનગરના કડા દરવાજા વિસ્તારમાં રહેતા દેવીપુજક અશોક સાથે થયા હતા. જેમાં લગ્ન જીવન દરમિયાન તેમને 18 માસનો દીકરો છે. જ્યાં પાંચ માસ અગાઉ સોનલબેનના પતિનું અકસ્માતમાં મોત થતાં સોનલબેન તેમના પિયરમાં રહેતા હતા.
જેમાં પિયરમાં રહેતા સોનલબેનને સાસરી પક્ષમાંથી ફોન આવતા કહ્યું કે, દીકરાની વિસનગરમાં બાધા કરવાની છે. જેથી સોનલબેન દીકરાને લઇ વિસનગર આવ્યા હતા. જેમાં સાસરીયા વાળાએ દીકરાને રમાડવા લીધો હતો. જેમાં દીકરો રડતા સોનલબેને પરત માગતા સાસરીયાએ આ દીકરો મારો છે. પાછો મળશે નહીં તેમ કહી બાળકને સોનલબેન પાસેથી લઇ લીધો હતો.
આ અંગે સોનલબેને વિસનગર શહેરમાં આવેલા વિવિધલક્ષી મહિલા કેન્દ્રનો સંપર્ક કરતા મહિલા કેન્દ્ર દ્વારા પોલીસની મદદ લઈ સોનલબેનના સાસરીયા પાસેથી દીકરાનો કબ્જો સોનલબેનને સોંપવામાં આવ્યો હતો. આમ દીકરો પરત મળતા સોનલબેનના આંખમાંથી ખુશીના આંસુ નીકળી ગયા હતા. વિવિધલક્ષી મહિલા કેન્દ્રનો આભાર વ્યક્ત કર્યો હતો.