સાબરકાંઠા (હિંમતનગર)25 મિનિટ પહેલા
અમદાવાદ-ઉદેપુર રેલવે લાઈન બ્રોડ ગેજ થયા બાદ ધીમી ધીમે નવી ટ્રેનો શરુ થઈ રહી છે. જેને લઈને વારંવાર રેલવે ફાટક બંધ થઈ રહ્યો છે તો બીજી તરફ રેલવે સ્ટેશન નજીક આવેલ ફાટક પરથી વધુ ટ્રેન પસાર થતાં ત્યાં પણ વારંવાર ફાટક બંધ કરવો પડે છે. અવારનવાર રોડ બંધ થતાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા રેલવે ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે. તેનું કામ હોળી બાદ શરુ થઈ શકે છે. જેના માટે તૈયારીઓ પણ શરુ થઈ ગઈ છે.

હોળી બાદ પુલનું કામ શરૂ થશે
હિંમતનગરના સિવિલ સર્કલથી પાંચ બત્તી અને ત્યાંથી દુર્ગા અને છાપરીયા તરફની ટ્રાફિક સમસ્યા ઓવરબ્રિજ બનતા દૂર થશે. અંદાજીત 18 કરોડના ખર્ચે આ રેલવે ઓવરબ્રિજ દોઢ વર્ષમાં તૈયાર થશે. તેનું કામ હોળી બાદ શરુ થઈ શકે છે. જોકે તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. જીયુડીસી વિભાગ દ્વારા બની રહેલ રેલવે ઓવરબ્રિજમાં અંદાજીત 15થી વધુ પિલર આવશે.

દબાણ દૂર કરવામાં આવ્યા
હાલમાં કામગીરી શરુ કરવા માટે હિંમતનગરના સિવિલ સર્કલથી પાંચ બત્તી તરફ જવાના રોડની એક સાઈડ પર બંધ કરી દેવાશે. બીજી તરફ એસબીઆઈ બેન્ક અને મૈત્રી હોસ્પિટલ તરફ અંદાજીત 20 ફૂટ જેટલી જગ્યા છોડવામાં આવી છે. જેથી અવર જવર કરી શકાય. ઈમરજન્સીમાં હોસ્પિટલમાં વાહન આવી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે હિંમતનગર નગરપાલિકાના ઓએસ રાજેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, રોડની બંને તરફથી નગરપાલિકા દ્વારા 10થી વધુ ગલ્લાં અને બે છાપરા હટાવી દેવામાં આવ્યા છે. જેથી કામગીરીમાં અડચણ પેદા ના થાય.












