સાબરકાંઠા (હિંમતનગર)2 કલાક પહેલા
- કૉપી લિંક
સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ બાદ 6 દિવસના સર્વે પૂર્ણ થયા બાદ 982 હેક્ટરમાં 545 ગામોમાં 33 ટકાથી વધુ નુકશાન તમાકુના પાકને થયું છે. જેને લઈને ખેતીવાડી વિભાગ દ્વારા 1948 ખેડૂતોને 132 લાખના વળતર સાથેનો રીપોર્ટ રાજ્ય સરકારમાં મોકલી આપ્યો છે.
જિલ્લામાં માર્ચ મહિનામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને લઇને ખેતરમાં તૈયાર ઘઉંનો, તમાકુ અને બટાકાના પાકને નુકસાન થવાની વકી જણાઈ હતી. જેને લઈને ખેતીવાડી વિભાગે વરસાદ બાદ પ્રાથમિક સર્વેમાં 52,450 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત હોવાનું સામે આવ્યું હતું. જેથી ખેતીવાડીના અધિકારી, વિસ્તરણ અધિકારી અને ગ્રામ સેવકોની 102 ટીમોએ આઠ તાલુકાના ગામોમાં 6 દિવસ સર્વે કરવા ખેડૂતોના ખેતરે પહોંચી ગયા હતા. છ દિવસમાં સર્વે પૂર્ણ થયા બાદ ખેતીવાડી વિભાગે નુકસાની વળતરનો રીપોર્ટ બનાવીને દરખાસ્ત સરકારમાં મોકલી આપી છે.
આ અંગે મદદનીશ ખેતીવાડી અધિકારી હર્ષ પટેલે જણાવ્યું હતું કે, છ દિવસના સર્વેમાં હિંમતનગર, ઇડર, તલોદ અને પ્રાંતિજના 545 ગામોમાં 1948 ખેડૂતોના 982 હેક્ટરમાં 33%થી વધુ નુકસાન તમાકુના પાકને થયું હોવાનું સામે આવ્યું હતું. જેથી ખેતીવાડી વિભાગે હેક્ટરના રૂ. 13,500 પ્રમાણે 132.05 લાખના વળતર ચૂકવવાનું થાય છે. જેની દરખાસ્ત સાથેનો રીપોર્ટ રાજ્ય સરકારમાં મોકલી આપ્યો છે.
જિલ્લામાં રવિ સિઝનમાં 1 લાખ 44 હજાર 582 હેક્ટરમાં રવિ સિઝનના પાકોનું જેમાં ઘઉં, બટાકા, તમાકુ, શાકભાજી, ઘાસચારો સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ વાવેતર ઘઉંનું 86 હજાર હેક્ટરમાં થયું હતું. ત્યારબાદ 25 હજાર હેક્ટરમાં બટાકાનું તો 5200 હેક્ટરમાં તમાકુનું વાવેતર થયું હતું. તૈયાર થયેલા પાકને લેવાના સમયે જ કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને લઈને ખેડૂતોને નુકસાન થયું હતું. ત્યારબાદ ખેતીવાડી વિભાગે સર્વે હાથ ધર્યો હતો. આઠ તાલુકામાં 52,450 હેક્ટર અસરગ્રસ્ત પૈકી ચાર તાલુકામાં 982 હેક્ટરમાં 33%થી વધુ નુકસાન સામે આવ્યું હતું. જેમાં ઇડર તાલુકામાં 673 હેક્ટર, હિંમતનગર તાલુકામાં 145 હેક્ટર, પ્રાંતિજ તાલુકામાં 110 હેક્ટર અને તલોદ તાલુકામાં 54 હેક્ટરમાં નુકસાન સામે આવ્યું છે. તો આમ આઠમાંથી ચાર તાલુકામાં તમાકુના પાકને નુકસાન થયું છે.