ડાંગ (આહવા)એક કલાક પહેલા
- કૉપી લિંક

ડાંગ જિલ્લાના કોઈ પણ પ્રશ્ન બાબતે જિલ્લાના અધિકારી/પદાધિકારીઓ પરસ્પર સંકલન અને સહયોગ સાથે, પ્રથમ પ્રભારી મંત્રી કક્ષાએ ધ્યાન દોરે તે આવશ્યક છે. તેમ જણાવતા આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી-વ-ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ સ્પષ્ટ પણે જણાવ્યું હતું.
ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં સને 2023/24ની ન્યુ ગુજરાત પેટર્ન યોજનાની રૂ. 945.24ની સંભવિત જોગવાઈ સામે, રૂ. 1149.44 કરોડના ખર્ચે હાથ ધરાનારા 265 કામોના કુલ આયોજનને મંજૂરીની મહોર મારતા આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિએ, સને 2021/22 અને 2022/23ના મંજૂર થયેલા કામો પૈકી, શરૂ ન થઈ શકેલા કે પ્રગતિ હેઠળના કામોની ભૌતિક અને નાણાકીય સિદ્ધિની સમીક્ષા પણ હાથ ધરી હતી. તેમણે ગત બેઠકની કાર્યવાહી નોંધને પણ આ વેળા બહાલી આપી હતી.

આગામી દિવાળી પહેલા જ નવા મંજૂર થયેલા કામો પૂર્ણ કરી પ્રજાર્પણ કરવાની હિમાયત કરતાં પ્રભારી મંત્રીએ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ખૂબ જ ઉદારભાવ રાખી, ડાંગ જેવા વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતી ધરાવતા જિલ્લાના ખેડૂતો માટે, બોર સાથે સોલારની સુવિધા આપવાની તત્પરતા દર્શાવી છે. ત્યારે ખેડૂતો ખેતીક્ષેત્રે વધુ ઉત્પાદન મેળવી આર્થિક રીતે પગભર બને તેવા રાજ્ય સરકારના ઉદ્દેશને ધ્યાને લઈને, આયોજન/ફેર દરખાસ્ત કરવાની પણ સૂચના આપી હતી.
અમલીકરણ અધિકારીઓને કોઈ પણ યોજના કે લાભાર્થીઓનું ડુપ્લિકેશન ન થાય તેની તકેદારી દાખવવાની સૂચના આપતા મંત્રીએ, સૌ અધિકારી/પદાધિકારીઓને બિન વિવાદાસ્પદ રીતે કામગીરી કરવાની તાકીદ કરી હતી. વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહૂર્ત કે શુભારંભ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓની સૂચક હાજરી જરૂરી છે તેમ જણાવતા, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક-વ-ડાંગના ધારાસભ્ય વિજય પટેલે, વિકાસ કામોમાં અવરોધ સર્જતા સ્થાનિક પ્રશ્ને, પદાધિકારીઓનું ધ્યાન દોરવાની પણ અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવીતે પણ, સ્થાનિક પ્રશ્ને જિલ્લાના પદાધિકારીઓ સાથે પરામર્શ કરવાથી ઘણા પ્રશ્નોનું નિરાકરણ મળી શકે, તેવો મત વ્યક્ત કર્યો હતો. સ્થાનિક પદાધિકારીઓએ જિલ્લામાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનનો રિસર્વે કરવાની પણ હિમાયત કરી હતી.
બેઠક સમિતિ સભ્યો સર્વ દશરથ પાવર, ગોવિંદ પટેલે પણ ઉપસ્થિત રહી પૂરક વિગતો રજૂ કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર વતી નિવાસી અધિક કલેક્ટર પી.એ. ગાવીતે પ્રભારી મંત્રી તરફથી મળેલી સૂચના મુજબ, જિલ્લાના સૌ અમલીકરણ અધિકારીઓએ કાર્યવાહી પૂર્ણ કરશે તેવી બાંહેધરી આપી હતી. બેઠકની કાર્યવાહી ઇન્ચાર્જ પ્રાયોજનના વહીવટદાર એમ.એલ. નલવાયાએ સંભાળી હતી.