નડિયાદ43 મિનિટ પહેલા
- કૉપી લિંક
ખેડા જિલ્લામાં દારૂ-જુગારના દુષણોને ડામવા જિલ્લા પોલીસ નિષ્ક્રિય હોય તેમ લાગતાં એક પછી એક સ્ટેટની વિજલન્સ ટીમે દરોડા પાડતાં જિલ્લા પોલીસનુ નાક કપાયું છે. આજે વધુ એક વખત ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાંથી સ્ટેટ વિજિલન્સ પોલીસે જંગી માત્રામાં વિદેશી દારૂ ઝડપી લીધો છે. ખેડા જિલ્લામાં દિવાળી બાદ SMCનો આ 5મો દરોડો છે. તો આ 5 પૈકી ચકલાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ આ ત્રીજો દરોડો છે. આમ SMCના દરોડાથી જિલ્લા પોલીસની પનોતી બેઠી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. તાજેતરમાં વસોના ટુડેલના દારૂ કંટીગ પ્રકરણમાં પોલીસની શંકાસ્પદ ભૂમિકાના પગલે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. ત્યારે આ દરોડાથી જિલ્લા પોલીસની વધુ એક છબી ખરડાઈ હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન બની છે.
ખેડા જિલ્લામાં દારૂ, જુગારના દુષણો અંકુશ બહાર હોય તેવો ચિતાર જોવા મળી રહ્યો છે. સાંઠગાંઠથી ચાલતા આવા વેપલાઓ બેરોકટોક ચાલતા હોવાના આક્ષેપો જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા. ગતરોજ આ મામલે આવેદનપત્ર પણ અપાયું છે. ત્યારે ગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે વધુ એક વખત જિલ્લાના ચકલાસી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી લીધો છે. પોલીસસુત્રો તરફથી મળતી માહિતી મુજબ ગતરોજ રાત્રે વિજલન્સ પોલીસે નડિયાદના માઘરોલી-મહોળેલ રોડ પરથી આઈસર ટ્રકમાં લઈ જવાતો વિદેશી દારૂની બોટલો નંગ 14,196 કિંમત રૂપિયા 20 લાખ 55 હજાર 660 તેમજ આઈસર ટ્રક અને લોખંડનુ મશીન મળી કુલ રૂપિયા 33 લાખ 55 હજાર 660નો મુદ્દામાલ જપ્ત કરી 4 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. આમ દિવાળી બાદના 144 દિવસ દરમિયાન જિલ્લાના 3 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સ્ટેટની વિજલન્સ પોલીસે 5 દરોડા પાડ્યા છે.
જિલ્લામા દિવાળી બાદ ક્યાં ક્યાં વિજલન્સ (SMC) પોલીસે દરોડો પાડ્યો તેના પર એક નજર
- 29મી ડીસેમ્બર 2022 નડિયાદ ગ્રામ્ય પોલીસના હદમાં આખડોલ ગામેથી 12.40 લાખના દારૂનો જથ્થો પકડી પાડ્યો
- 20મી ફેબ્રુઆરી 2023ના રોજ કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં કપડવંજ શહેરના મીના બજારમાથી 1.24 લાખના મુદ્દામાલ સાથે દારૂ પકડી પાડ્યો
- 25મી ફેબ્રુઆરી 2023ના રોજ ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાંથી જુગારધારાના કેસમાં 1.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
- 7મી માર્ચ 2023ના રોજ ચકલાસી પોલીસ સ્ટેશનના શક્તિનગર વિસ્તારમાં માતા-પુત્રને 82 હજાર 685ના મુદ્દામાલ સાથે પકડી લીધા