સુરત44 મિનિટ પહેલા
- કૉપી લિંક
સ્વ.છોટુભાઈ કે. પીઠાવાલાની પ્રતિમાનું અનાવરણ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વરદ હસ્તે કરાયું.
સુરતના ડુમસ રોડ ખાતે આવેલી સી.કે.પીઠાવાલા એન્જિનિયરિંગ કોલેજની સ્થાપ્નાને 25 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના પરિસરમાં સંસ્થાના પ્રણેતા અને પ્રેરણાસ્ત્રોત સ્વ.છોટુભાઈ કે. પીઠાવાલાની પ્રતિમાનું અનાવરણ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. પીઠાવાલા કોલેજમાં અભ્યાસ કરી વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પૂર્વ રાષ્ટ્રપતિના હસ્તે અભિવાદન-સત્કાર કરવામાં આવ્યું હતું. વર્ષ 1998માં સ્વ. છોટુભાઈએ ડુમસ રોડ, મગદલ્લા પાસે પીઠાવાલા કોલેજ કેમ્પસની સ્થાપના કરી હતી, ત્યારે સી.કે.પીઠાવાલા એન્જિનિયરિંગ કોલેજની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમો સહિત સિલ્વર જ્યુબિલીની ભવ્ય ઉજવણી પણ કરવામાં આવી હતી.
વિદ્યાદાનથી વ્યક્તિના સમગ્ર જીવનને ઉજળું બનાવી શકાય
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું કે, અન્નદાનથી કોઈ વ્યક્તિની એક બે ટંક કે કેટલાક દિવસો સુધી ભૂખ મટાડી શકાય પણ વિદ્યાદાનથી વ્યક્તિના સમગ્ર જીવનને ઉજળું બનાવી શકાય છે. કોઈ સમાજશ્રેષ્ઠીની પ્રતિમા સ્થાપિત કરી દેવી એ સામાન્ય ઘટના લાગે. પરંતુ એ મહાનુભાવની મૂર્તિ-પ્રતિમાના કારણે શ્રદ્ધાનો ભાવ ઉત્પન્ન થાય છે, તેમના જીવનઆદર્શોને સતત નજર સમક્ષ રાખી જીવન ઘડતર કરવાની અવિરત પ્રેરણા મળતી રહે છે એવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી હતી.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ને નવેસરથી ઘડવામાં આવી
‘સર્વ પ્રકારના શિક્ષણનો મુખ્ય અને અંતિમ ઉદ્દેશ મનુષ્ય નિર્માણ છે’ આ સારને નવી શિક્ષણ નીતિમાં જોડવામાં આવ્યો છે એમ જણાવતા તેમણે ઉમેર્યું કે, પ્રત્યેક વ્યક્તિમાં રહેલી રચનાત્મકતાને બહાર લાવવાની તક મળે એ હેતુને ધ્યાને રાખીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ને નવેસરથી ઘડવામાં આવી છે. 10 હજારથી વધુ શિક્ષાવિદ્દો સાથે ગહન ચર્ચા-મંત્રણા થયા પછી શિક્ષણનીતિને આખરી સ્વરૂપ આપવામાં આવ્યું છે. જે દેશના ઉજ્જવળ ભવિષ્ય ઘડતર માટે ગેમચેન્જર અને વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ આચરણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
રામનાથ કોવિંદ સાથે પત્ની પણ હાજર રહ્યા.
ગાંધીજીના સિધ્ધાંતોને વરેલા પીઠાવાલાનું સમગ્ર જીવન સહજ
પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદે સ્વ.છોટુભાઈને દૂરદર્શી-વિઝનરી અને જમીન સાથે જોડાયેલા સમાજશ્રેષ્ઠી ગણાવ્યા હતા, તેમને ભાવાંજલિ આપતા કહ્યું કે, વ્યક્તિને ધનદોલત, માન-સન્માન, પદ-પ્રતિષ્ઠા મળે છે, ત્યારે તેનામાં અહંકારનો પણ આપોઆપ પ્રવેશ થાય છે, પણ સી.કે.પીઠાવાલાને જીવનભર અહંકાર સ્પર્શ પણ કરી શક્યો ન હતો. મહાત્મા ગાંધીજીના સિધ્ધાંતોને વરેલા પીઠાવાલાનું સમગ્ર જીવન સહજ, સરળ અને સાદગીપૂર્ણ રહ્યું હતું. ગ્રામ્ય વિસ્તારના બાળકોને ઉત્તમ શિક્ષણની સાથે ભાવિ સુદ્રઢ બને તે માટે 1965માં શરૂ કરેલી નવયુગ કોલેજ તથા 1998માં દરિયાકાંઠાના વિસ્તારમાં શિક્ષણની જ્યોત પ્રજવલિત કરી હતી. જે આજે વટવૃક્ષ બની છે એમ જણાવી માજી રાષ્ટ્રપતિએ આ સંસ્થા આચરણશ્રેષ્ઠ નાગરિકો તૈયાર કરે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
વડાપ્રધાન મોરારજી દેસાઈના અંગત સચિવ તરીકેની પોતાની ફરજ દરમિયાન સ્વ.સી.કે. પીઠાવાલા સાથેના સંસ્મરણો વાગોળ્યા.
સી.કે. પીઠાવાલા સાથેના સંસ્મરણો વાગોળ્યા
રામનાથ કોવિંદે તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈના અંગત સચિવ તરીકેની પોતાની ફરજ દરમિયાન સ્વ.સી.કે. પીઠાવાલા સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. આ સંદર્ભે તેમણે કહ્યું કે, પીઠાવાલા જમીન સાથે જોડાયેલા રહી ગ્રામઉત્થાન માટે સતત કાર્યરત રહ્યા હતા. તેમણે વર્તમાનને જ નહીં, ભાવિને પણ નજર સમક્ષ રાખી અનેક શિક્ષણ સંસ્થાઓનું નિર્માણ કર્યું તેઓ જન્મભૂમિ અને કર્મભૂમિ માટે એવું કંઈક નક્કર કરવા માંગતા હતા, જેનું ફળ દાયકા સુધી આવનારી પેઢીને મળ્યા કરે. એટલે જ તેમણે સુરત શહેરમાં નહીં, પણ મગદલ્લા આસપાસના ગ્રામીણ વિસ્તારમાં કોલેજ સ્થાપી. તેમણે શિક્ષણ સહિત પરંતુ સ્પોર્ટ્સ, કલા, સંગીત જેવા ક્ષેત્રોમાં પણ વિદ્યાર્થીઓ નિપુણ બને એના પર ભાર મૂક્યો હતો.
પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદે સ્વ.છોટુભાઈને દૂરદર્શી-વિઝનરી અને જમીન સાથે જોડાયેલા સમાજશ્રેષ્ઠી ગણાવ્યા.
વિદ્યાર્થીઓ માટે ‘યુનિવર્સિટીઝ રિસ્પોન્સિબિલીલિટી’ હોવી જોઈએ
તેમણે ઉમેર્યું હતું કે, જેવી રીતે કોર્પોરેટ કંપનીઓ પોતાના આવકનો હિસ્સો સી.એસ.આર.ના ભાગરૂપે સમાજ અને લોકકલ્યાણ અર્થે ઉપયોગ કરે છે, તેવી રીતે વિશ્વ વિદ્યાલય અને શિક્ષા કેન્દ્રોમાં શિક્ષણ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ માટે ‘યુનિવર્સિટીઝ રિસ્પોન્સિબિલીલિટી’ હોવી જોઈએ. દુર છેવાડાના ગ્રામ્ય વિસ્તારના લોકો વચ્ચે રહીને તેમની મુશ્કેલીઓને સમજે, સરકારની કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપે તે જરૂરી છે. જે સામાજિક ઉત્તરદાયિત્વની સાથે વિદ્યાર્થીઓના જીવનમાં પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.