- Gujarati News
- Local
- Gujarat
- Sabarkantha
- 27th Patotsav Of Bholeshwar Temple Held In Himmatnagar, Work Camp Organized At Circuit House, Motion Of No Confidence Against Women Sarpanch Of Pedhamala
સાબરકાંઠા (હિંમતનગર)એક કલાક પહેલા
- કૉપી લિંક
હિંમતનગરના સ્વયંભૂ ભોલેશ્વર દાદાના મંદિરે શહેર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ (52) વિભાગ દ્વારા એકલીંગજી દાદાના 27માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે 8 વાગ્યે મહાપૂજાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
જે મહાપૂજા સાંજે 4 વાગ્યે પૂર્ણ થઈ હતી. સમાજના અગ્રણીઓ અને દંપતી યજમાનોએ એકલિંગજી દાદાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. ભોલેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન માટે આવ્યા હતા અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.
આ પ્રસંગે પ્રમુખ સંજયકુમાર જોષી, મંત્રી હિરેન મહેતા, ખજાનચી વિજય જોષી, ઉપપ્રમુખ ડૉ.મનીષ રમણલાલ પંડયા, સહમંત્રી જીતેન્દ્ર પાઠક સહિત એકલીંગજી મહિલા મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ દાદાને રંગોથી શણગાર કર્યો. આજે એકલિંગજી દાદાનો પાટોત્સવનું આયોજન કરાયું હતું. તે નિમિતે ભોલેશ્વર દાદાને રંગો વળે રંગોળી પુરીને સોમવારનો શણગાર કરવામાં આવ્યો હતો. પીળા કલર વડે દાદાને ઓમની પ્રતિકૃતિ સાથે શણગાર કરવામાં આવ્યો હતો.
પેઢમાલા ગૃપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત
પેઢમાલા ગૃપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ દ્વારા ગ્રામ પંચાયતના વહીવટમાં વારંવાર દખલગીરી કરવામાં આવતી હોવાથી મહિલા સરપંચ વિરૂધ્ધ નારાજ થયેલા સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જોકે નારાજ સભ્યોએ તાલુકા વિકાસ અધિકારીને રજૂ કરેલી દરખાસ્ત બાદ કેવા પ્રકારની કાર્યવાહી કરાશે તે અંગેની અનેક ચર્ચાઓ શરૂ થઇ છે.
આ અંગે નારાજ થયેલા પેઢમાલા ગૃપ ગ્રામ પંચાયતના સદસ્યોએ કરેલી રજૂઆતમાં જણાવ્યુ હતુ કે, પેઢમાલા ગૃપ ગ્રામ પંચાયતમાં પેઢમાલા, માળી, રણપુર અને પીપલીયા ગામોનો સમાવેશ થાય છે. મહિલા સરપંચ તરીકે દક્ષાબેન નિર્મલસિંહ ઝાલા ચૂંટાઇને આવ્યા હતા. પરંત તેમના પતિ નિર્મલસિંહ દ્વારા વારંવાર ગ્રામ પંચાયતના વહીવટમાં દખલગીરી કરવામાં આવતી હોવાથી ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લીધા વગર પંચાયતની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી મનફાવે તે રીતે ખોટા ખર્ચ કરવામાં આવતા હતા. જે અંગે ગ્રામ પંચાયતના સદસ્યોને વિશ્વાસમાં પણ લેવામાં આવ્યા નથી. જેથી નારાજ સભ્યોએ પંચાયતના મહિલા સરપંચ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી અને ટીડીઓને મોકલી આપવામાં આવી હતી.
આ અંગે ટીડીઓ પીયૂષ સીસોદીયાએ જણાવ્યું હતું કે, આજે અવિશ્વાસની દરખાસ્તનો રિપોર્ટ મળ્યો છે જે અંગે જિલ્લા પંચાયતમાં જાણ કરી દીધી છે. હવે પેઢમાલા પંચાયતના સરપંચ દ્વારા 15 દિવસમાં પંચાયતમાં સભા બોલાવીને વિશ્વાસ માટેની કાર્યવાહી કરશે અને જો 15 દિવસમાં નહીં કરે ત્યારબાદના 15 દિવસમાં તાલુકા પંચાયત દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
હિંમતનગરના નવા સર્કીટ હાઉસ ખાતે એક દિવસીય કાર્ય શિબીર યોજાઇ
હિંમતનગરના સર્કીટ હાઉસ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ધીરજ પટેલની અધ્યક્ષતામાં નેશનલ પ્રોગ્રામ ફોર ક્લાઇમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ અને તમાકુ નિયંત્રણ જાગ્રુતિ અંતર્ગત પંચાયતી રાજ સદસ્યઓની એક દિવસીય કાર્ય શિબીર યોજાઇ હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધીરજ પટેલે જણાવ્યુ હતુ કે, જિલ્લાના છેવાડાના નાગરીક સુધી આરોગ્યના વિવિધ કાર્યક્રમોની જનજાગૃતિ માટે આ પ્રકારની કાર્યશાળાઓ વધુ ઉપયોગી બની રહે છે. ક્લાઇમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ અને તમાકુ નિયંત્રણ જાગ્રુતિ જેવા સામાન્ય લાગતા મુદ્દાઓ જન-સામાન્યના સ્વાસ્થયને રોજ બરોજ સ્પર્શતા હોય છે.
જેમાં ખાસ કરીને સગર્ભા અને ધાત્રી માતાઓ,શાળાના બાળકો,શ્રમજીવી પરીવારો માટે વધુ કાળજી લેવા ઉપસ્થિત સર્વેને કાળજી લેવા અનુરોધ કર્યો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.રાજ સુતરીયા, ર્ડા. પ્રવિણ ડામોર, આરોગ્ય સમિતી ચેરમેન શંકરભાઇ બેગડીયા સહિત વિવિધ સમિતીના ચેરમેનો અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
પેથાપુર ખાતે ફિમેલ હેલ્થ વર્કરની સેવાની નોંધ આરોગ્ય મંત્રીએ લીધી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સાચોદરના જેતલબેન જ્યંતિભાઇ પરમાર હાલ હિંમતનગરના ઇલોલ પી.એચ.સીના પેથાપુર સબ સેન્ટર ખાતે ફિમેલ હેલ્થ વર્કર તરીકે ખૂબ જ સારી સેવા આપી રહ્યા છે. હમણાં જ વિશ્વ મહિલા દિવસે આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમના કામની નોંધ લઈ થેંક્યુ વુમન પ્રમાણપત્ર ટ્વિટ કરી સન્માનિત કર્યા હતા.
જેતલબેન જણાવે છે કે, તેઓ 12 વર્ષથી ફિમેલ હેલ્થ વર્ક તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. તેઓને જ્યાં પણ કામ આપવામાં આવ્યું છે. તે જગ્યાએ ખૂબ જ સારી રીતે પોતાની ફરજ બજાવવાનો પૂરો પ્રયાસ કરે છે. તેમને હાલમાં એસ.બી.સી.સી. કાર્યક્રમ અંતર્ગત મહિલાઓ અને કિશોરીઓને જાગૃતિ માટેના કાર્યક્રમો સોંપવામાં આવ્યા છે. જેમાં પોતાની આગવી સમજ મુજબ મહિલાઓ, સગર્ભા માતાઓ, કિશોરીઓને કેવી બાબતો ધ્યાનમાં લેવી તે અંગે જાગૃત કરવા પ્રયાસ કરી રહ્યા છે. બાળ આરોગ્ય, માતા, સગર્ભા માતાના પોષણની સાળ સંભાર આરામ વગેરેની સંભાળ લેતી ઘરની મહિલાઓને જેવી કે સાસુ, નણંદ, બહેન, માતા સાથે તેઓ ગામના દરેક ફળિયામાં અને ઘરે-ઘરે જઈને સમજણ આપવાની કામગીરી કરી છે. ગામની શાળાએ જતી અને ના જતી તમામ કિશોરીઓને લોહીમાં એચ.બી.પરીક્ષણ કરાવી તેમને આયર્નની ગોળીની વિશેષતા બાબતે સમજણ આપીને ગોળી આપવામાં આવી જેના સારા પરિણામ સ્વરૂપે કિશોરીઓના એચ.બી.માં સુધારો થવા લાગ્યો.
આ સિવાય તેમણે પોતાના વિસ્તારમાં આવતી સગર્ભા માતાઓને વિશેષ કાળજી લઈ ઘરે જઈને પોતાના સ્વજનની જેમ કાળજી લીધી હતી. તેમની આ કામગીરીનું આરોગ્ય મંત્રીએ પોતે નિરીક્ષણ કર્યું છે અને જેના ફળ સ્વરૂપે એક નાના એવા કર્મચારીની કર્મનિષ્ઠાની વિશ્વ મહિલા દિવસ નિમિત્તે પ્રશંશા કરી બિરદાવી હતી. આ સાથે જેતલ બેન ઘણી બધી સગર્ભા માતાઓને પી.એચ.સી ખાતે નોર્મલ પ્રસુતિ કરાવી તેમનુ રેગ્યુલર ફોલોઅપ લેવા જેવી નાનામાં નાની બાબતે ચોકસાઈથી કામ કરે છે.
ધોરણ 10માં વિજ્ઞાન ટેકનોલોજીમાં 22,827અને ધો.12ના વિજ્ઞાન પ્રવાહના ગણિતમાં 559 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
સાબરકાંઠા જિલ્લામાં બોર્ડની પરીક્ષાના છઠ્ઠા દિવસે સોમવારે ધોરણ 10માં વિજ્ઞાન ટેકનોલોજી વિષયમાં 23,596 વિદ્યાર્થીઓ પૈકી 22,827 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 769 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જેમાં ગુજરાતી માધ્યમાં 21,916 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અંગ્રેજી માધ્યમમાં 895 અને સંસ્કૃત પ્રથમાં 16 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ધો.12 ના વિજ્ઞાન પ્રવાહના ગણિત વિષયમાં ૫૭૦ વિદ્યાર્થીઓ પૈકી ૫૫૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ૧૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.જેમાં ગુજરાતી માધ્યમમાં ૪૩૬ અને અંગ્રેજી માધ્યમમાં ૧૨૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધો.૧૨ના સામાન્ય પ્રવાહના સામાજિક વિજ્ઞાન વિષયમાં ૩૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં કુલ ૧૯૪૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ૧૫ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અનિવાર્ય વ્યાકરણમ વિષયમાં ૨૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.