જિલ્લામાં 29 થી 31 તારીખ દરમિયાન કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોને સાવચેત કરાયા | Farmers were cautioned due to unseasonal rain forecast in the district from 29th to 31st | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર33 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હવામાન વિભાગ દ્વારા આગાહી અનુસાર તા. 29થી 31 માર્ચ 2023 દરમ્યાન સુરેન્દ્રનગર જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં ગાજવીજ અને ચક્રવાતી પવન સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ થવાની શક્યતા છે. ત્યારે તંત્ર દ્વારા ખેડૂતોને પાક નુકસાનથી બચવા માટે સાવચેત કરવામાં આવ્યા છે.

આ સમયે ખેડૂતોએ ઉભા પાકમાં વરસાદની આગાહી સમય સુધી પિયત પાણી આપવાનું મુલત્વી રાખવું, તૈયાર ખેતપેદાશ અને પશુઓને સલામત જગ્યાએ રાખવા અને ખેતરમાં પડેલા પાકને પ્લાસ્ટિક તાલપત્રીથી ઢાંકી દેવો, ઉભા પાકમાં કોઇપણ પ્રકારની દવાઓ તેમજ ખાતરોનો છંટકાવ કરવો નહી, ખેત પેદાશ વેચાણ માટે માર્કેટિંગ યાર્ડમાં લઇ જવી નહી સહિતની સુચનાઓ આપવામાં આવી છે.

વધુમાં મરઘા ઘરમા વરસાદનું પાણી પડે નહીં તેની તકેદારી રાખવી, જે વિસ્તારમાં અગાઉ કમોસમી વરસાદ થયેલો હોય ત્યાં શિયાળુ-ઉનાળુ પાકોમાં, શાકભાજી પાકોમાં અને આંબાવાડીયામાં ફૂગજન્ય રોગનો ઉપદ્રવ થાય નહીં તે માટે કાર્બેન્ડાઝીમ દવા 15 ગ્રામ 10 લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

બીજી બાજુ કચ્છના નાના રણમાં અગાઉ ખાબકેલા કમોસમી વરસાદના પગલે રણમાં જવા આવવાનો રસ્તો જ ઠપ્પ થઇ ગયો છે. રણમાં અગરિયાઓ દ્વારા પકવાયેલું રૂ. 100 કરોડથી પણ વધારેની રકમનું અંદાજે 15 લાખ મેટ્રિક ટન મીઠું રણમાં પડેલું છે. એવામાં જો ખારાઘોડા કે રણમાં ફરી કમોસમી માવઠું થાય તો રણમાં પડેલુ આ મીઠું ધોવાઇ જવાની આશંકાએ રણમાં પરંપરાગતરીતે પેઢી દર પેઢી મીઠું પકવતા હજારો અગરિયા પરિવારો અને સેંકડો વેપારીઓનો જીવ પડીકે બંધાયો છે.

અન્ય સમાચારો પણ છે…