સુરત42 મિનિટ પહેલા
- કૉપી લિંક
સુરત શહેર અને જિલ્લામાં શ્વાનો દ્વારા હુમલાઓ યથાવત, રમતા બાળકો ઉપર હુમલા વધ્યા
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ટાંકી ફળિયું અને પટેલ ફળિયુ ખાતે એમ બે અલગ અલગ જગ્યાએ રખડતા શ્વાને ત્રણ બાળકોને બચકાં ભર્યા હોવાની ઘટના સામે આવી છે. ઈજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
શ્વાનોના બાળકો પર હુમલા
સરત શહેર અને જિલ્લામાં કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે. જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા ટાંકી ફળિયા અને પટેલ ફળિયા ખાતે બાળકો રમી રહ્યા હતા. તે દરમ્યાન 3 જેટલા બાળકો પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો. બે બાળકીઓ અને એક બાળક પર હુમલો કરતા અહી ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ બાળકોને ઈજા પહોચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે બીજા બે બાળકોને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે,બાળક કાર પાસે રમી રહ્યો હતો. તે દરમ્યાન એક શ્વાન આવીને બાળક પર તૂટી પડે છે. બાળકને શ્વાન કરડવા લાગતા બાળક બુમાબુમ કરે છે. ત્યાં રહેલી દુકાનમાંથી એક મહિલા દોડી આવે છે. મહિલા શ્વાનને પત્થર મારીને ભગાડે છે. બીજી તરફ ત્યાં ગામજનો પણ એકઠા થઇ ગયા હતા અને શ્વાનને પત્થર મારી ત્યાંથી ભગાડ્યો હતો.
મારી સામે બાળકને બચકા ભર્યા
ઘટનાને નજરે જોનાર અનીતા દેવીએ જણાવ્યું હતું કે, ગત રાત્રીના 9 વાગ્યાની આસપાસ હું દુકાન પર કામ કરી રહી હતી. તે દરમ્યાન શ્વાને બાળક પર તૂટી પડ્યો હતો. બાળકને જમીન પર પાડી દીધો હતો. મને ખબર પડતા જ હું બહાર આવી હતી, અને શ્વાનને ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમ્યાન ત્યાં ગામજનો પણ એકઠા થઇ ગયા હતા. બાદમાં શ્વાનને ભગાડ્યો હતો. બાળકને ઈજાઓ થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
બે બાળકો હજી પણ સારવાર હેઠળ
ઉપ સરપંચ અતુલ પટેલે જણાવ્યું હતું કે, બે બાળકી અને એક બાળકને શ્વાને બચકાં ભર્યા છે. તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બાળકો રમી રહ્યા હતા. તે દરમ્યાન શ્વાને આવીને બચકા ભર્યા છે. છોકરાની તબિયત સારી છે. તે ઘરે છે, જયારે બે છોકરીઓને સિવિલ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવી છે.