શિક્ષણ મંત્રીના હસ્તે લાઇબ્રેરી ઇન અ ક્લાસરૂમનો રાજ્ય વ્યાપી પ્રારંભ, 330 સરકારી શાળાઓમાં પોર્ટેબલ લાઇબ્રેરીઓ સ્થપાશે | Statewide launch of Library in a Classroom by Education Minister, portable libraries to be set up in 330 government schools | Times Of Ahmedabad

ગાંધીનગર10 મિનિટ પહેલા

  • કૉપી લિંક

‘આવો જઈએ પુસ્તકોની દુનિયામા’ સ્લોગન હેઠળ આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન સરકારી શાળામાં પુસ્તકાલય દ્વારા વાંચનની પહેલ કરતાં “લાઇબ્રેરી ઇન અ ક્લાસરૂમ” કાર્યક્રમનો શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરે પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યની 330 શાળાના 50,000 જેટલા બાળકોને આ પહેલનો લાભ મળવા જઈ રહ્યો છે, જેનાથી ભાષાનું જ્ઞાન વધે એવા આશય સાથે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી જેવી ભાષાઓના પુસ્તકો ક્લાસરૂમમાં ઉપલબ્ધ કરાવાશે.

કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર)ના ભાગરૂપે ઇન્ડસ ટાવર્સ લિમિટેડ અને પ્રથમ બુકના સહયોગથી ગુજરાતમાં “લાઇબ્રેરી ઈન અ ક્લાસરૂમ” પહેલનું ઉદ્ઘાટન ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના બિલેશ્વરપુરા ગામ ખાતે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરના હસ્તે કરાયું હતું.આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાતની 330થી વધુ શાળામાં આજથી કલોલના સુવિકસિત ગામ બિલેશ્વરપુરાથી ‘વર્ગખંડમાં વાંચનાલય’ પહેલ થકી ‘ચાલો વાંચીએ’ કાર્યક્રમનો વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે.

ટેકનોલોજીના જમાનામાં બાળકોથી મોટેરા બધા બેફામ મોબાઈલનો ઉપયોગ કરે છે. તેની જગ્યાએ વાંચનમાં સમય ફાળવી જીવનને ઉચ્ચ મૂલ્યો તરફ લઈ જવાય તે અંગે કેટલાક સુચનો કર્યા હતા. ગુજરાતી ભાષા સુધારવાની વાત પર ભાર મુકતા તેમણે જણાવ્યું હતું કે, મા બાપને પોતાનું બાળક ગુજરાતી બોલે, શીખે અને સચોટ શીખે તેના માટે પૂરતા પ્રયત્નો કરવા જોઈએ. તેમણે જણાવ્યું હતું કે માતૃભાષા પર જેનું વર્ચસ્વ હોય તે જીવનમાં સિદ્ધિ મેળવી શકે. તમારું બાળક અંગ્રેજી બોલે ત્યારે જ માત્ર ખુશ થવાને બદલે તેને સચોટ રીતે ગુજરાતી બોલતા, લખતા શીખવાડવું એ શિક્ષકો તથા તેમના માતા પિતાની પ્રથમ ફરજ છે.

આ પ્રસંગે ઇન્ડસ ટાવર ગુજરાતના સર્કલ સીઈઓ મંજુષ મેથ્યુઝે જણાવ્યું હતું કે, સીએસઆર પહેલ થકી ઇન્ડસ સંસ્થા, કર્મચારીઓ અને સમુદાયના સભ્યો આ અભિયાનને મજબૂત બનાવવા વિશ્વાસ ધરાવે છે. શાળાઓમાં 100થી વધુ રંગબેરંગી વાર્તાના પુસ્તકો સાથેની પોર્ટેબલ લાઇબ્રેરી એવી ‘લાઇબ્રેરી ઈન અ ક્લાસરૂમ’ રજૂ કરવા માટે ગુજરાત રાજ્યના આભારી છે.

હજારો બાળકોમાં વાંચનની આદતોને સંભવિત રીતે કેળવી શકતી આ પહેલ માટે પ્રથમ બુક્સ સાથે ભાગીદારી કરવાની પણ તેમણે ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી ભગવાનદાસ પ્રજાપતિએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓની વાંચન વૃત્તિ કેળવાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રસંગે પુસ્તકો અંગે તેમના અભિપ્રાય પણ આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم