ગાંધીનગર14 મિનિટ પહેલા
- કૉપી લિંક

માણસાની પરિણીતાને પ્રેમ લગ્નના થોડા વખત પછી પતિ અને સાસુ સસરાએ દહેજ માટે ત્રાસ આપતાં સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે કોર્ટનો હુકમ હોવા છતાં ભરણ પોષણ પેટે 4 હજાર પણ નહીં ચૂકવી શકનાર પતિ 25 લાખ દહેજ પણ માંગતો હતો. આખરે કંટાળીને પરિણીતાએ સેકટર – 7 પોલીસ મથકમાં પતિ – સાસુ સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
માણસાનાં યુવક સાથે પ્રેમમાં પડી પરિવારની ઉપરવટ જઈ પ્રેમ લગ્ન કરનાર સેકટર – 5 માં રહેતી યુવતીને લગ્નના આઠ વર્ષે પસ્તાવાનો વખત આવ્યો છે. હાલમાં સેકટર – 5/એ ખાતે રહેતી 30 વર્ષીય પરિણીતા નવા સચિવાલય વૈધાનીક અને સંસદીય બાબતોનો વિભાગમાં પ્રોજેક્ટ એક્ઝક્યુટીવ તરીકે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરે છે. જેણે માણસાના એક યુવક સાથે પોતાની મરજીથી વર્ષ 2016 માં પ્રેમ લગ્ન કર્યા હતા.
લગ્ન પછી તે પતિ અને સાસુ સસરા સાથે રહેવા ગઈ હતી. એ વખતે નોકરી ચાલુ હોવાથી અપડાઉન કરતી હતી. જેનાં કારણે તકલીફ પડતાં પતિ સાથે સેકટર – 26 કિસાનનગર રહેવા આવી ગઈ હતી. જ્યારે એકાદ વર્ષ પછી પ્રેગ્નન્સી રહેતા ડોક્ટરની સલાહ મુજબ ઘરે આરામ કરવા માટે નોકરી છોડી દીધી હતી. જેથી પતિ અને સાસુ સસરા નોકરી ચાલુ રાખવા માટે દબાણ કરી મેણાં-ટોણા મારી માનસિક ત્રાસ આપતા હતા.
એટલે તે પિયર રહેવા જતી રહી હતી. બાદમાં વર્ષ 2017 માં તેણે પુત્રને જન્મ આપ્યો હતો. તે પછી પતિ અને સાસુ સસરા એ નોકરી કરવા દબાણ કરી ત્રાસ આપ્યો હતો. પરંતુ એક વર્ષના દીકરાનું વિચારીને તેણીએ શારીરિક માનસિક ત્રાસ સહન કરે રાખ્યો હતો. અને નોકરી પણ શરૂ કરી દીધી હતી. કોરોના સમયે વર્ક ફ્રોમ હોમ હોવાથી તે ઘરેથી કામ કરતી હતી. પણ કામધંધા વિનાનો પતિ મોડી રાત સુધી બૂમો પાડીને ગેમ રમે રાખતા દીકરો પણ જાગી જતો હતો. જે બાબતે કઈ કહે તો પતિ ગાળાગાળી કરતો હતો.
બીજી તરફ પતિને મકાનનું ભાડું ભરવું પડતું હોવાથી મકાન ખરીદવા પિયરમાંથી 25 લાખ દહેજ લઈ આવવા માટે ત્રાસ આપતા હતા. જે માંગણી નહીં સંતોષાતા એક વર્ષના દીકરા સાથે પરિણીતાને ઘરેથી કાઢી મુકી હતી. જેથી આખો મામલો ગાંધીનગર કોર્ટમાં પહોંચ્યો હતો. અને કોર્ટે ભરણપોષણ પેટે 4 હજાર મંજૂર કર્યા છતાં પતિ આપતો ન હતો. એટલે ફેમીલી કોર્ટમાં રીકવરી માટેનો દાવો પણ ચાલી રહ્યો છે. તેમ છતાં પતિ બાઇક લઇને ઘરે ગયેલો અને કહેવા લાગેલ કે, ફેમીલી કોર્ટમાંથી કેસ પાછો ખેંચી લેજે અને રૂ.25 લાખ દહેજના આપી દેજે નહિતર તો તને અને તારા દિકરાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આખરે કંટાળીને પરિણીતાએ સેકટર – 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.