રાજકોટ3 કલાક પહેલા
- કૉપી લિંક
ફાઈલ તસવીર
દેશમાં સુરક્ષિત માતૃત્વને પ્રોત્સાહન આપવા અને નવજાત શિશુ મૃત્યુદર ઘટાડવા માટે ગુજરાત સરકાર દ્વારા ‘ખિલખિલાટ એમ્બ્યુલન્સ વાન’ કાર્યરત છે. ત્યારે જિલ્લામાં અત્યારસુધીમાં 4.76 લાખ પ્રસૂતાઓને ‘ખિલખિલાટ’ એમ્બ્યુલન્સ દ્વારા સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવામાં આવી છે.
26 ખિલખિલાટ વાન કાર્યરત
રાજકોટ જિલ્લાના પ્રોજેક્ટ મેનેજર અભિષેક ઠાકરે ખિલખિલાટ સેવાની માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં રાજકોટ જિલ્લામાં સરકારી દવાખાનામાં દાખલ થતાં પ્રસુતા બહેનોને પ્રસુતિ બાદ બાળક સાથે ઘરે પહોંચવામાં પડતી મુશ્કેલી દૂર કરવા હાલ 26 ખિલખિલાટ વાન કાર્યરત છે. પ્રસુતા માતા – નવજાત શિશુને સલામત રીતે ઘરે પહોંચાડનાર “ખિલખિલાટ” વાન ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ ઉપયોગી સાબિત થઈ છે.
11.23 લાખ પ્રસૂતાઓએ લાભ લીધો
રાજકોટ જિલ્લાના સુપરવાઈઝર દર્શિત પટેલએ ખિલખિલાટ દ્વારા આપવામાં આવેલી સેવાઓ વિશે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 11,23,117 પ્રસુતા માતા તથા નવજાત શિશુને વાતાનુકૂલિત “ખિલખિલાટ” સેવાનો લાભ મળ્યો છે. ફેબ્રુઆરી માસમાં કુલ 2910 સગર્ભા માતાઓ સહિત અત્યાર સુધીમાં 94,033 સગર્ભા માતાઓને ઘરેથી હોસ્પિટલ સુધી પહોંચાડ્યા છે. જ્યારે ફેબ્રુઆરીમાં 7531 સહિત 4,76,773 માતાઓને હોસ્પિટલથી સહી સલામત નવજાત શિશુ સાથે ઘરે પહોંચાડ્યા છે, જેમાં મોટાભાગે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓએ ખિલખિલાટ સેવાનો લાભ લીધો હતો.
2012થી નિઃશુલ્ક સેવા શરુ
ગુજરાતમાં સપ્ટેમ્બર-2012થી શરૂ થયેલી આ સેવા માત્ર એક ફોન દ્વારા સગર્ભા બહેનોને ચેકઅપ માટે કે સારવાર માટે ડિલિવરી પહેલા અને પછી પણ બાળક એક વર્ષનું થાય ત્યાં સુધી સિવિલ હોસ્પિટલ લઈ જવા અને પરત મુકી જવાની વાહન વ્યવસ્થા રૂપે વાતાનુકૂલિત નિઃશુલ્ક સેવા “ખિલખિલાટ” ઘરે બેઠા આપે છે.