ગાંધીનગર43 મિનિટ પહેલા
- કૉપી લિંક
સાંતેજ પોલીસે જાસપુર નર્મદા કેનાલ પાસેથી કારમાં 652 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂ. 3.70 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી ચાર ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દેશી દારૂના જથ્થાને અમદાવાદ સહી સલામત પહોંચાડવા માટે પાયલોટીંગ કરતી કારને પણ ઝડપી પાડવામાં આવી છે.
સાંતેજ પોલીસની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન પિયજ કેનાલ તરફથી એક ગ્રે કલરની હોન્ડા બી.આર.વી.ગાડીમાં દેશીદારૂ લઇ અમદાવાદ તરફ જનાર છે. જેની આગળ એક સફેદ કલરની ઇયોન ગાડી પાયલોટીંગ પણ કરી રહી છે. જે બાતમીના પગલે પોલીસે જાસપુર નર્મદા કેનાલ પાસે વોચ ગોઠવી દેશી દારૂ ભરેલી કાર સાથે બે ઈસમોને ઝડપી લીધા હતા.
જેમની પૂછતાંછમાં તેમણે પોતાના નામ સંજય ઉર્ફે ગડીયો ભરતભાઇ ઠાકોર (રહે,ઘર નંબર-28, સરસ્વતી નગર ન્યુ.રાણીપ અમદાવાદ) તેમજ કમલેશ પ્રહલાદભાઇ રાવળ (રહે.ન્યુ રાણીપ, મેલડીનગર) હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન પાયલોટીંગ કરતી કાર સાથે કુંદનજી ભાવુજી ઠાકોર(૨હે,બલાસર ગામ તા .કડી, મહેસાણા) ને પણ ઝડપી લેવાયો હતો.
બાદમાં પોલીસે બીઆરવી કારની તલાસી લેતાં અંદરથી દેશી દારૂના 18 કટ્ટા મળી આવ્યાં હતા. જે બાબતે પુછપરછ દરમ્યાન દેશી દારૂ ન્યુ રાણીપનાં ભરત અબાલાલ ઠાકોરને આપવાનો હોવાની હકીકત સામે આવી હતી. જેનાં પગલે પોલીસે ત્રણેય ઈસમોની ધરપકડ કરી દેશી દારૂનો જથ્થો, મોબાઈલ ફોન, બંને કાર સહિત કુલ રૂ. 3.70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.