ગાંધીધામએક કલાક પહેલા
- કૉપી લિંક

ચેક બાઉન્સ થવાના કેસમાં આદીપુરના એક શખ્સને ગાંધીધામની કોર્ટ દ્વારા 1 વર્ષની કેદની સજા કરી છે. આ ઉપરાંત ચેકની રકમ ફરિયાદીને વળતર તરીકે ચૂકવી આપવા અંગેનો હુકમ ફરમાવતો ચૂકાદો આપવામાં આવ્યો છે. જો એક માસમાં ચેકની રકમ વળતર તરીકે ફરિયાદીને નહીં ચૂકવવામાં આવે તો વધુ 6 માસની સજા આરોપીને ભોગવવી પડશે.

ફરિયાદી હિતેશ ગુરનાણી 2018માં આરોપી વિશાલ રીજવાણીને 95,000 રૂપિયાની આર્થિક સહાય કરી હતી. મિત્રતાના ધોરણે 6 માસ માટે ઉછીના પેટે રૂપિયા આપવામાં આવ્યા હતા. ત્યારબાદ 6 માસ પુરા થતા ફરિયાદીએ આરોપી પાસે આપેલ રૂપિયા પરત માગ્યા હતા. જે પેટે આરોપીએ ફરિયાદીને આન્ધ્રા બેન્કની ગાંધીધામ શાખાનો ચેક આપેલ હતો. આરોપીનો ચેક ફરિયાદીએ બેન્ક માં રજૂ કરતા ચેક રિર્ટન થયો હતો. જે પેટે ફરિયાદીએ આરોપી વિશાલ રીજવાણીને પોતાના વકીલ યોગેશ કે. રામાણી મારફ્તે લીગલ નોટિસ મોકલાવેલ હતી. ત્યારબાદ પણ આરોપીએ ફરિયાદીને રૂપિયા ન ચૂકવતા ગાંધીધામ કોર્ટમાં આરોપી સામે નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ફરિયાદ દાખલ કરાવી હતી.
નામદાર કોર્ટે ફરિયાદી દ્વારા રજૂ કરેલ આધાર દસ્તાવેજી પુરાવા તથા ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલ લેખિત તેમજ મૌખિક દલીલોને ધ્યાનમાં લઈ આરોપી વિશાલ રીજવાણીને એક વર્ષની કેદની સજા ફટકારી હતી. ફરીયાદીને ચેકમાં જણાવેલ રકમ રૂ.95,000 વળતર તરીકે એક માસમાં ચૂકવી આપવા અંગેનો ચૂકાદો પણ આપ્યો છે. તેમજ આરોપી જો ચેકમાં જણાવેલ રકમ ફરિયાદીને એક માસમાં ન ચૂકવી આપે તો વધુ છ માસની સજાનો પણ હુકમ ફરમાવવા આવેલ છે.