અમદાવાદ10 કલાક પહેલા
- કૉપી લિંક
દિવ્ય ભાસ્કર તેના વાચકમિત્રો માટે દર ગુરુવારે ‘ખબરદાર જમાદાર!’ પ્રસ્તુત કરી રહ્યું છે. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ છે.
ક્રિકેટની સીઝન શરૂ થતાં જ આ PI બુકીઓ શોધવાનું શરૂ કરે છે
અમદાવાદ શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર જ્યારે પણ ક્રિકેટ મેચની સીઝન શરૂ થાય ત્યારે બુકીઓ શોધવાનું શરૂ કરે છે. કોઈ કેસ કરવા માટે નહીં પણ એમને સિસ્ટમ સમજાવીને રોકડી કરવા માટે, અગાઉ પણ અલગ અલગ શહેરમાં ક્રિકેટ બુકી પાસેથી રોકડી કરીને કેસ નહોતા કર્યા, પરંતુ તાજેતરમાં તેમનું નામ ખૂબ ઉછળ્યું છે. હવે આ ક્રિકેટમાં ખેલ પડવાના ખેલમાં પી.આઈ. એટલા બધા પાવરધા બની ગયા છે. એટલે તે તેમના સિનિયરને પણ ખેલ પાડવા શીખવાડી રહ્યા છે. કેટલાક અધિકારીઓએ તેમને ધ્યાનથી સાંભળ્યા પણ છે, ત્યારે જેનું કામ લો એન્ડ ઓર્ડરનું છે. તે આમ કરશે તો શું થશે તેવી ચર્ચા આ પીઆઇ માટે થઈ રહી છે.
બધું ગોઠવાઈ ગયું છે, કંઈ કામ હોય તો કહેજો!
અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનરના સીધા સુપરવિઝનમાં આવતા PCB સ્કવોડમાં પોલીસ કમિશનરની નજીક ગણાતા પીઆઇ અને પીએસઆઇને ચાર્જ આપવમાં આવે છે. હવે અમદાવાદ પોલીસ કમિશનર બદલવાના છે. ત્યારે અમદાવાદના એક પીઆઈને શેખચિલ્લીના સપના આવે છે કે, હવે નેક્સ્ટ પીઆઇ એટલે કે નેક્સ્ટ પીસીબી પીઆઇ હું જ બનીશ. આ સાથે જ તેઓ પોતાને મળવા આવતા તમામ લોકોને કહે છે કે, કંઈ કામ હોય તો કહેજો હવે આપણું બધું ગોઠવાઈ ગયું છે. નવા પોલીસ કમિશનર આવશે એટલે આપણું નામ પાકુ છે.
IPSના હાથમાંથી ક્રીમ પોસ્ટિંગ નીકળી ગયું
સમગ્ર રાજ્યની જેલમાં ગૃહ રાજ્ય મંત્રીએ સર્ચ કરવાના આદેશ આપ્યા હતા. થોડા સમયથી જેલની અંદર કોઈ ગોરખ ધંધા થતા હોવાની શંકાના સમાચાર સામે આવતા થયા હતા. પરંતુ બધું નજર અંદાજ કરીને સરકારે જેમ તેમ બજેટ સત્ર પૂરું કરી નાખ્યું હતું. પરંતુ બજેટના અંતિમ ચરણ દરમિયાન ગૃહ રાજ્ય મંત્રીએ આદેશ આપ્યા અને જેલમાં નારકોટિક્સથી લઈને પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી. આ બધાના એક પછી એક ગોઠવણ સામે આવ્યા, ત્યારે એક આઇપીએસ અધિકારી પોતાને ક્રીમ પોસ્ટિંગ મળશે તેની રાહ જોતા હતા. પરંતુ જેલના સર્ચકાંડ બાદ તેમન સપના રોળાઈ ગયા છે અને હવે તેમને ફોન ઉપાડવાના પણ બંધ કરી દીધા છે.
આ ACP ઓફિસમાં પણ અંગ્રેજી ફિલ્મો જાવાનું ચૂકતા નથી
નવા શહેરમાં એક એસીપી કક્ષાના અધિકારીને ફિલ્મોનો એટલો બધો શોખ છે કે, તેઓ પોતાના કામના સમયે પણ પોતાની મનગમતી ફિલ્મો જોવાનો ચૂકતા નથી. હાલ તેમના પર ખૂબ જ જવાબદારીનો ચાર્જ છે. પરંતુ તેઓ પોતાને દયાનાયક સમજે છે. આ ACP મહત્ત્વની કામગીરી દરમિયાન પણ ફિલ્મ જોવાનું ચુકતા નથી. થોડા સમય પહેલાં એક મહિલા અધિકારી તેમના ઓફિસમાં આવ્યા ત્યારે કંઈ રીતે તપાસ કરવી એ વાતો કરતા કરતા અંગ્રેજી ફિલ્મ જોતા હતા. આ ACPને ફિલ્મોનો શોખ હોવો એ ખોટી વાત નથી પણ તેમના માટે ઓફીસ નવરાસનો સમય હોય તેવું તેમનો સ્ટાફ ચર્ચા કરે છે.
IAS અધિકારીના ડ્રાઇવરે પોલીસકર્મીને રસ્તે વચ્ચે ખકડાવ્યો
અમદાવાદના પશ્ચિમના એક ટ્રાફિક સિગ્નલ પર સિગ્નલ શરૂ થતાં ગાંધીનગરના ઉચ્ચ કક્ષાના IAS અધિકારીની ગાડી ડ્રાઇવર અને અન્ય કર્મચારીને લઈને જઈ રહી હતી. ત્યારે આ ગાડીને પાછળથી એક ગાડી લઈને આવતી યુવતીએ ઠોકી દીધી. જે બાદ IAS અધિકારીના ડ્રાઇવરે બહાર નીકળીને નજીકમાં રહેલા પોલીસને રસ્તા પરથી બૂમ પાડી બોલાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પોલીસ આવે તે પહેલાં જ કાર ચાલક યુવતી ત્યાંથી જતી રહી હતી. પોલીસ આવતા IAS અધિકારીનો ડ્રાઇવર જાણે પોતે અધિકારી હોય તેમ પોલીસકર્મીને કહેવા લાગ્યો કે તમને ખબર છે આ કોની ગાડી છે, તમે તમારૂં નામ આપો. પોલીસકર્મી ડરતા, ડ્રાઇવર વધુ દબાવવા પ્રયત્ન કરવા લાગ્યો. પોલીસકર્મી ડ્રાઈવરને કગરવા લાગ્યો છતાં ડ્રાઇવર પોતે અધિકારી હોય તેમ પોલીસકર્મીને ચાર રસ્તા ઉપર ઉભા ઉભા ખાખડાવતો જ રહ્યો.
એક ઘટના બાદ પોલીસે દારૂના ભરણમાં 20 ટકાનો વધારો કરી દીધો
દારૂ જુગાર પર માત્ર નામનો પ્રતિબંધ છે. પરંતુ હકીકતમાં પોલીસની રહેમનજર હેઠળ અનેક જગ્યાએ વેપાર ધંધા ચાલે છે ત્યારે શહેરના એક પોલીસ સ્ટેશનના વિસ્તારનો દારૂ વેચતા શખ્સનો વીડિયો વાયરલ થયો હતો. ત્યાર બાદ પોલીસે કાર્યવાહી કરવાની જગ્યાએ બુટલેગરને પોલીસ સ્ટેશન બોલાવી વીડિઓ વાયરલ કરનારને પૈસા આપવા પડશે કહી બુટલેગર પાસે પૈસા પડાવ્યા તથા વિસ્તારમાં ચાલતા અનેક દારૂના સ્ટેન્ડ પર ભરણમાં 20 ટકાનો વધારો કરી દીધો હતો. વાઇરલ વીડિયો બાદ પોલીસની બદનામી તો થઈ પરંતુ પોલીસની કમાણી પણ વધી હતી, ઉપરાંત પોલીસે બુટલેગરોને દારૂ પીવા આવતા વ્યક્તિનો મોબાઈલ ચેક કરવા પણ સૂચના આપી દીધી છે.
અધિકારીના ઘરે જઈને વહીવટદાર પગે પડી ગયો
શહેરના પૂર્વ વિસ્તારના એક પોલીસ સ્ટેશનના વહીવટદારે પોતાની હદ વિસ્તારમાં સોના ચાંદીના ઓનલાઇન વેપાર કરતા વેપારીને ધમકાવી 6 લાખ રૂપિયા પડાવી લીધા હતા. વેપારીએ આ મામલે તેના મિત્રને વાત કરી ત્યારે મિત્રએ એક અન્ય પરિચિત જે ઉચ્ચ અધિકારીને ઓળખતા હતા. તેમને વાત કરી હતી. આ વાત ઉચ્ચ અધિકારી સુધી પહોંચવાની વહીવટદારને જાણ થતાં વહીવટદાર અધિકારીના ઘરે જઈને પગે પડી ગયો હતો. જોકે અધિકારીએ પૈસા પરત આપવાનું કહ્યું પરંતુ વહીવતદારે હજું સુધી પૈસા પરત આપ્યા નથી.
એક ઝાટકે 2 વહીવટદરે 60 લાખનો તોડ કરી નાખ્યો
શહેરના પોષ વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ અગાઉ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં પોલીસે આરોપીની ધરપકડ તો કરી દીધી, પરંતુ પોલીસ સ્ટેશનના 2 વહીવટદારોએ 6 લાખનો તોડ કરી દીધો. આટલું જ નહિ આ બંને વહીવટદારોએ અત્યારે ક્રિકેટ સટ્ટાના ચાલી રહેલ કેસમાં પણ 60 લાખનો તોડ કર્યો છે. તેમજ તેઓ હજુ ક્રિકેટ સટ્ટાના ખેલાડીઓનો તોડ કરવા શોધી રહ્યા છે. આ બંને વહીવટદાર કેટલાય વર્ષોથી આસપાસના પોલીસ સ્ટેશનમાં જ બદલી કરાવે છે. અત્યારે પોષ વિસ્તારના 2 અને એક અન્ય એમ 3 પોલીસ સ્ટેશનના વહીવટ પણ કરી રહ્યા છે.