સુરેન્દ્રનગર12 મિનિટ પહેલા
- કૉપી લિંક
સુરેન્દ્રનગરના વઢવાણમાં એક GRP અને તેની સાથે રહેલા અન્ય યુવકે યુવતીની છેડતી કરી ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસકર્મી અને તેના મિત્રએ વઢવાણમાં કરેલા તમાશાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. યુવતી દ્વારા બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વઢવાણની આદર્શ સોસાયટી પાસે ગતરાત્રિએ એક યુવતી તેના માતા અને બહેન સાથે ઉભી હતી ત્યારે એક કારમાં ત્યાં આવેલા કૃણાલસિંહ દિલીપસિંહ બોરાણા જે GRPમાં ફરજ બજાવે છે અને બીજા ખુમાનસિંહ માવસંગભાઈ ચૌહાણ આવ્યા હતા. બંને ગાળો બોલતા હોય ફરિયાદી યુવતીએ ગાળો ન બોલવા માટે કહ્યું હતું. જેથી પોલીસકર્મી અને તેની સાથે રહેલો યુવક ઉશ્કેરાઈ ગયા હતા અને ઝઘડો કરવા લાગ્યા હતા. કૃણાલસિંહે યુવતીની છેડતી કરી ધમકી આપી હતી કે ‘હું ગુજરાત પોલીસમાં છું તારાથી થાય તે કરી લેજે’.
બંને આરોપીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
કૃણાલસિંહ અને ખુમાનસિંહનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં બને યુવકો રોફ જમાવતા જોવા મળી રહ્યા છે. વઢવાણમાં બનેલી આ ઘટનાના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને બંનેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ ઘટનાના પગલે લોકોના ટોળા એકઠા થઈ જતા પોલીસે ટોળાને વિખેરી મામલાનો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.
આ મામલે ફરિયાદી યુવતી દ્વારા પોલીસકર્મી અને તેની સાથે રહેલા વ્યકિત સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.