વડોદરા22 મિનિટ પહેલા
માંડવી ગેટ પાસે ઘંટનાદ કરી વિરોધ.
શક્તિપીઠ પાવાગઢ ખાતે મંદિર પરિસરમાં શ્રીફળ ન વધેરવા દેવાના વિરોધમાં આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (AHP) દ્વારા વડોદરા શહેરના માંડવી ગેટ ખાતે ઘંટનાદ કરવામાં આવ્યો હતો.
ચલો પાવાગઢ આંદોલનની ચિમકી
પાવાગઢ પર આવલે શક્તિપીઠ મહાકાળીના મંદિર પરિસરમાં ટ્રસ્ટ દ્વારા ભક્તોને શ્રીફળ નહીં વધેરવા તેમજ છોલેલું શ્રીફળ લઇ જવા પણ નહીં દેવાતા ભક્તો દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે વડોદરાના માંડવી ગેટ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ઘંટનાદ કરી નિર્ણય પરત ખેંચવાની માંગણી કરવામાં આવી. સાથે જ આગામી દિવસોમાં ચલો પાવાગઢ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
અંબાજી બાદ પાવાગઢમાં વિવાદ
વિરોધ પ્રદર્શન કરી રહેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના વડોદરાના ઉપ પ્રમુખ ઉમેશ જોશીએ જણાવ્યું હતું કે, પહેલા અંબાજીમાં મોહનાથાળને બદલે ચીકીના પ્રસાદનો વિવાદ થયો અને ત્યાર બાદ હવે પાવાગઢમાં શ્રીફળ નહીં વધેરવા દેવાના નિર્ણયથી હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચી છે. આ નિર્ણય પરત ખેંચાવો જોઇએ.
સ્વચ્છતાનું કારણ આગળ ધર્યું
અત્રે ઉલ્લેખનયી છે કે મહાકાળી મંદિરના ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટે ત્યાં ભક્તોને શ્રીફળ વધેરવા દેવામાં આવતું નથી. તો બીજી તરફ લાખો ભક્તો અહીં નાળિયેર વધેરવાની બાધા રાખતા હોય છે અને નાળિયેર વધેર્યા બાદ જ તેમની માનતા પૂર્ણ થતી હોય છે. ત્યારે હવે આ અંગે કોઇ વૈકલ્પિક ઉકેલ લાવવામાં આવે તેવી પણ માંગણી ઉઠી છે.