AMC દ્વારા શહેરમાં રખડતા કુતરાઓના નિયંત્રણ પાછળ ત્રણ વર્ષમાં 8.05 કરોડનો ખર્ચ કર્યો | 8.05 crore spent by AMC over three years on controlling stray dogs in the city | Times Of Ahmedabad

અમદાવાદ5 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે. દરરોજ પાંચથી સાત લોકોને કૂતરા કરડવાના કિસ્સાઓ સામે આવે છે. રખડતા કૂતરાઓનો ત્રાસ નિવારવા અને કૂતરાઓની વધતી જતી વસતીને નિયંત્રણમાં લાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુતરાઓને ખસીકરણ કરવા અલગ અલગ સંસ્થાઓને કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે પરંતુ તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાર સંસ્થાઓને રૂ. 8.05 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. 91991 કેટલાક કુતરાઓનું રસીકરણ અને ખસીકરણ કરવામાં આવ્યું છે. બે વર્ષમાં રૂ. 8 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે છતાં પણ શહેરમાં રખડતા કૂતરાઓની સંખ્યા ઘટવાની જગ્યાએ વધી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતા કુતરાઓની વધતી જતી વસતીને નિયંત્રણમાં લાવવા માટે રસીકરણ અને ખસીકરણ કરવામાં આવે છે. રસીકરણ અને ખસીકરણ માટે ઉત્તર પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોન માં પીપલ ફોર એનિમલ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ગોલ ફાઉન્ડેશન, ઉત્તર અને પૂર્વ ઝોનમાં યશ ડોમેસ્ટિક રીચર્સ સેન્ટર અને દક્ષિણ અને મધ્યમાં સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટને ખસીકરણ માટેની કામગીરી સોંપવામાં આવી છે. નાણાંકીય વર્ષ 2020-21, 2021-22 અને 2022-23માં જાન્યુઆરી માસ સુધીમાં 91991 કુતરાઓનું ખસીકરણ કરાયું છે અને તેમાં 8.05 કરોડ જેટલો માતબર ખર્ચ કરવામાં આવ્યો છે.

ચાલુ નાણાકીય વર્ષમાં 10 મહિનામાં સૌથી વધારે 3.36 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. 40129 જેટલા કુતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું છે. કોઈપણ પશુ રાખતા હોય તો પશુ માલિકે તેનું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા ત્રણ વર્ષમાં 6720 પશુઓ નોંધાયા છે. પશુ માલિકોની સંખ્યા 2048 છે પશુઓના રજીસ્ટ્રેશન નોંધણીની ફીની આવક કુલ રૂ.13.46 લાખ થઈ છે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈપણ પશુ પકડવામાં આવે છે તો તેને છોડાવવા માટે ચાર્જ ચૂકવવો પડે છે જેમાં સૌથી વધારે ચાર્જ હાથીનો રૂ. 10000 જ્યારે ગાય, ભેસ, ઊંટ, બળદ વગેરે પકડાય તો 3000 રૂપિયા દંડ ફટકારવામાં આવે છે અને તેના એક દિવસના ખાધા ખોરાકીના રૂ 500 તેમજ વહીવટી ચાર્જ રૂ 500 ચૂકવવો પડે છે.

અન્ય સમાચારો પણ છે…