અમદાવાદ36 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમદાવાદ શહેરના હાટકેશ્વર બ્રિજ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈ આજે વિપક્ષ કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફીસ દાણાપીઠની બહાર મોટી સંખ્યામાં વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણની આગેવાનીમાં કોંગ્રેસના કોર્પોરેટરો કાર્યકર્તાઓએ ચક્કાજામ કર્યો હતો. તમામ લોકોએ કાળા કપડાં પહેરી અને વિરોધ કર્યો હતો. પ્રજાના પૈસાનો ભ્રષ્ટાચાર કરાતો હોવાને લઇ ટેક્સ બિલ બાળી અને વિરોધ કરાયો હતો. કમિશનરને આવેદનપત્ર આપી અને ભ્રષ્ટાચાર તેમજ ગેરરીતિ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જ્યોર્જ ડાયસ, ગોમતીપુરના કોર્પોરેટર ઈકબાલ શેખ વગેરે દ્વારા હાટકેશ્વર બ્રિજ પર તપાસ મામલે 72 કલાકના ઉપવાસ પર બેસે તે પહેલાં જ તેઓની અટકાયત કરાઈ હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો હોવાના આક્ષેપ સાથે આજે વિપક્ષ દ્વારા કાળા કપડાં પહેરી વિરોધ કરવામાં આવ્યો હતો. વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ છેલ્લા 17 વર્ષથી સત્તા પર છે. ડ્રેનેજ ડીસીલ્ટીગ, રોડ, બ્રિજ, હાઉસિંગ પ્રોજેકટ અને પીપીપી ધોરણે અપાતા કોન્ટ્રાકટરોને કરોડો રૂપિયાના કામોમાં ભ્રષ્ટાચાર થાય છે. મુખ્ય વહીવટી અધિકારી તરીકે મ્યુનિસિપલ કમિશનરની નિમણુંક કરવામાં આવે છે. પ્રજાના હિતમાં કમિશનરે નિષ્પક્ષ રહી તપાસ કરવાની હોય છે ત્યારે નકારાત્મક અભિગમ દર્શાવામાં આવે છે જે લોકશાહી માટે નુકસાનકારક છે.
આજે હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર અને કોર્પોરેશનમાં વિવિધ કામોમાં થતાં ભ્રષ્ટાચાર મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ દ્વારા કાળા કપડાં પહેરી વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રજા કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે. જે કોર્પોરેશનની તિજોરીમાં જમા થાય છે અને તેમાં જ ભ્રષ્ટાચાર થાય છે. જે ચલાવી લેવાય નહિ. કચરાના નિકાલ, કાંકરિયામાં એમ્યુઝમેન્ટ પાર્ક અને વોટરપાર્કમાં કોન્ટ્રાક્ટરનો ભૂતકાળ વિવાદાસ્પદ છતાં તેઓને કામ આપવા, રોડ અને ડ્રેનેજ પ્રોજેકટના કામો, હાટકેશ્વર બ્રિજ વગેરે કામોમાં થયેલા ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસ દ્વારા વિજિલન્સ તપાસ અને તમામ દોષિત લોકોને સજા આપવામાં આવે માગ કરી છે. અગાઉ મ્યુનિસિપલ કમિશનર અને મેયર સહિતના હોદ્દેદારોને આવેદનપત્ર આપ્યા છતાં રિપોર્ટ બાકી છે તેના નામે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે.
હાટકેશ્વર બ્રિજમાં મોટા પાયે મટીરીયલ્સની કરવામાં આવેલી ચોરી અને હલકી ગુણવત્તાના કારણે મોટી હોનારત સર્જવાની દહેશત હોય બ્રિજને સંપૂર્ણ તોડી પાડવા, કોન્ટ્રાક્ટર,કન્સલ્ટન્સી, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર અને અધિકારીઓ સામે ફોજદારી રાહે પગલાં ભરવા,કોન્ટ્રાક્ટર,કન્સલ્ટન્ટ અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર સંસ્થાઓને બ્લેક લિસ્ટ કરવા, સીટની રચના કરવાની માગણીના સમર્થનમાં માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ અને પૂર્વ મ્યુનિસિપલ કોર્પોરેટર જ્યોર્જ ડાયસ દ્વારા 72 કલાકનો ઉપવાસ આંદોલન શરૂ થાય તે પહેલા જ્યોર્જ ડાયસ સહિત મ્યુનિસિપલ કાઉન્સિલર જગદીશ રાઠોડ, ઝુલ્ફીખાન પઠાણ પૂર્વ કોર્પોરેટર બળદેવભાઈ દેસાઈ સપનાબેન તોમર અને સ્થાનિક અગ્રણી કિરણ પ્રજાપતિ,રાજેન્દ્ર સેંગલ, મંગલ સિંહ,રમેશ ભીલ,અનિલ વર્મા,સતીશ રાઠોડ,પ્રવીણ પરમાર, દુરઈ સ્વામી ગ્રામીણ,મહેન્દ્ર બીજવા કૌશિક પ્રજાપતિ અમર ખૈરે,અરવિંદપટેલ,આતિશ પંચોલી વગૈરે ૨૫ જન ની ઘરપકડ કરી લીધી હતી.
તમામને ખોખરા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. પૂર્વ કોર્પોરેટર જ્યોર્જ ડાયસે જણાવ્યું હતું કે રાજકીય દબાણથી પોલીસે ઉપવાસ ઉપર બેસવાની નહી દઈને સત્ય દબાવવાનું જે પ્રયાસ કર્યો છે તે નીંદનીય અને વખોડવા પાત્ર છે વાસ્તવમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓ જાણે કે હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચારનું પ્રતિક બની રહ્યું છે અને તેમાં મોટા પાયે ગેરીરીતી થઈ છે તે હવે છૂપું રહ્યું નથી સત્તાવાળા પોતાની જાળી ચામડી બચાવવા તેના પર ઢાંકપિછોડો કરવા માંગે છે પરંતુ અમે તેનો ઉજાગર કરીને જંપીશુ.