દ્વારકા ખંભાળિયા (દ્વારકા ખંભાળિયા)25 મિનિટ પહેલા
- કૉપી લિંક
દેવભૂમિ યાત્રાધામ બેટ દ્વારકાની આજે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવી કોઇ સૂચન સૂચના વગર મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેઓ ઓખામાં હેલિકોપ્ટર મારફતે ઉતરાણ કરી, બેટ દ્વારકા બોટ મારફતે બેટ દ્વારકા પહોંચ્યા હતા. બાદ યાત્રાધામ હર્ષદ માતાજી મંદિરની પણ મુલાકાતે જશે. હાલારની દરિયાઇ પટ્ટીને લોખંડી સુરક્ષા કવચ પહેરાવવા ધમધમાટ શરૂ થયો હોવાનું પણ માનવામાં આવે છે.

તાજેતરમાં બેટ દ્વારકા હર્ષદ, નાવદ્રા બંદર, ભોગાત બંદર વગેરે દરિયાઈ પટ્ટી પરના સંવેદનશીલ દબાણ દેવભૂમિ જિલ્લા વહીવટી તંત્રએ રાજ્ય સરકારની સૂચનાથી દૂર કર્યા બાદ ગણતરીના દિવસોમાં જ બંને મહાનુભાવોની બેટ દ્વારકાની આજની મુલાકાત અતિસૂચક ગણવામાં આવી રહી છે. ગુજરાતના મુખ્ય પ્રધાન તથા ગૃહપ્રધાન બેટ દ્વારકા આવી ડિમોલેશન કરાયેલા તમામ જગ્યા ઉપર જઈ રૂબરૂ જાણકારી મેળવી હતી. તથા બેટ દ્વારકા ખાતેના નકશા સાથે તમામ બેટ દ્વારકાની માહિતી મેળવી હતી. અને પત્રકાર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ભારત વિરોધી કોઈપણ ગતિવિધિ ચલાવી લેવામાં નહીં આવે ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારાને અભેદ સુરક્ષામાં વધારો કરવામાં આવશે તથા દબાણ અત્યાર સુધી દૂર કરવામાં આવ્યા છે તે કાર્ય હજુ પણ ચાલુ રહેશે.

અત્રે એ પણ નોંધનીય છે કે, બેટ દ્વારકાના વિકાસ માટે રાજ્ય સરકારે રૂપિયા 136 કરોડ બજેટમાં મંજૂર કર્યા છે. જયારે 1000 કરોડના ખર્ચે બેટ દ્વારકાનો સિગ્નેચર બ્રિજ સંપૂર્ણપણે તૈયાર થવાના આખરી તબક્કામાં છે. ત્યારે આગામી ટુંક સમયમાં આ બ્રિજનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થઈ શકે છે. આમ અનેક મુદ્દાઓને લઈને મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રી બેટ દ્વારકા આવ્યા છે.
