અંકલેશ્વર16 મિનિટ પહેલા
- કૉપી લિંક
અંકલેશ્વરમાં આવેલા અનેક માતાજીના મંદિરોમાં ચૈત્ર આઠમ નિમિત્તે હવન સહિત પૂજાના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સવારથી જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતાં. અંકલેશ્વરના અંદાડા, કાસીયા, છાપરાના સીમાડે આવેલા માતાજીના મંદિરે અને ગડખોલમાં આવેલા યાત્રાધામ સિદ્ધેશ્વરી માતાજી મંદિરે વિવિધ ધાર્મીક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.
મહાકાળી માતાજી તીર્થ ખાતે યજ્ઞનું આયોજન કરાયું
ચૈત્રી નવરાત્રી સાથે આઠમને અનુલક્ષી માતાજીની પૂજા અર્ચનાનું અનેરું મહત્ત્વ હોય છે. હિન્દૂ ધર્મમાં ચૈત્રી આઠમ અને નવરાત્રી સૌથી મોટી ગણાય છે. ત્યારે અંકલેશ્વરના પ્રસિદ્ધ તીર્થ એવા અંદાડા, કાસીયા, છાપરા મળી ત્રણ ગામના સીમાડે આવેલા ટેકરાવાળા મહાકાળી માતાજી તીર્થ ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી જ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. તેમજ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. બપોરે યજ્ઞમાં નારિયેળ હોમી યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો હતો.
આઠમ નિમિત્તે 52 ગામના લોકો ઉમટી પડ્યા
અંકલેશ્વર ગડખોલ યાત્રાધામ સિદ્ધેશ્વરી માતાજી મંદિર ખાતે ચૈત્રી આઠમની ભવ્ય ઉજવણી કરાઈ હતી. પ્રાચીન કાળમાં ઋષિ મુનિ કપિલ અને યક્ષના પુત્રો દ્વારા તપ કરી માતાજીને રીઝવ્યા હતા. 52 ગામના વિવિધ જ્ઞાતિના કુળદેવી મા સિદ્ધેશ્વરી માતાજી છે. એવા પ્રાચીન યાત્રાધામ સિદ્ધેશ્વરી મંદિર ખાતે ચૈત્રી આઠમનું વિશેષ મહત્ત્વ છે. અહીં 52 ગામના વિવિધ જ્ઞાતિજનો આઠમ નિમિત્તે દર્શનાર્થે ઉમટી પડતા હોય છે. તો ચૈત્રી આઠમ નિમિત્તે વિશેષ હવન તેમજ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞ તેમજ વિશેષ પૂજામાં ભક્તોએ ભાગ લઇ ધન્યતા અનુભવી હતી.