લાઠીની લુવારિયા ચોકડી પાસે ચેકડેમનું નિર્માણ કરાશે, રાજ્યપાલ અને પૂર્વ રાષ્ટ્રપતિની હાજરી | A check dam will be constructed near Luwaria Chowkdi in Lathi, presence of Governor and Ex-President | Times Of Ahmedabad

અમરેલીએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દની ગરિમામય ઉપસ્થિતિમા અમરેલી જિલ્લામાં લાઠીના લુવારીયા ચોકડી ખાતે ગાગડીયો નદી પરના ચેકડેમનું ખાતમુહૂર્ત અને ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો હતો. દીપ પ્રાગટ્ય કરી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યુ કે લાઠી તાલુકામા થઇ રહેલા જળ સિંચનના કામો થકી નદી પુનઃજીવિત થશે વરસાદી પાણીના સંગ્રહ થકી ખેતીવાડી અને હરિયાળીમાં વૃધ્ધિ થશે તથા નાગરિકોની ખુશીમાં પણ ઉમેરો થશે.

જળાશય સંબંધિત કામગીરી શરુ રહે અને વરસાદી પાણીનો સંગ્રહ થાય તો ભૂમિગત જળમાં વધારો થશે રાજયપાલએ પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને સૂર્ય (અગ્નિ)ના માહત્મ્ય વિશે જણાવી રાસાયણિક ખાતર વિના પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો. ભારતમાં, પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં ગુજરાતને મોડેલ બનાવી શકાય. વધુમાં પ્રાકૃતિક ખેતી થકી ગૌસંવર્ધન, વાયુ, જળ, પૃથ્વી અને લોકોના આરોગ્ય માટે કાર્ય થઇ શકે તેમ છે. રાજય સરકારના સહયોગથી, હરિકૃષ્ણ ગ્રુપ અને ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહેલા જળસંગ્રહ કામગીરી માટે તેમણે અભિનંદન પાઠવ્યા હતા આચાર્ય દેવવ્રતે વધુમાં કહ્યુ કે, સમાજસેવા માટે કાર્યરત હોય તેમને ભારત સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવે છે ત્યારે પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ અને પદ્દ પુરસ્કાર વિજેતાઓનું, ગુજરાતની ધરતી પર આગમન એ ભારતની વૈદિક વિચારધારાને અનુસરતી બાબત છે. જનની અને જન્મભૂમિ એ સ્વર્ગથી પણ મહાન છે તે સૂત્રને અનુસરી ગુજરાતીઓએ વિદેશમાં વસવાટ કર્યા બાદ પણ પોતાના વતનમા ભાઇ-પરિવાર સહિતનાઓને સહયોગ પૂરો પાડી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

લાઠી તાલુકામાં જળસિંચન ક્ષેત્રે થયેલા કાર્યો વિશે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે વિશ્વાસ વ્યકત કરતા જણાવ્યુ કે, રાજ્ય સરકાર અને હરિકૃષ્ણ ગ્રુપ તથા ધોળકિયા ફાઉન્ડેશન વચ્ચે લોકભાગીદારીથી થઈ રહેલા જળસિંચન થકી આ વિસ્તાર હરિયાળો બનશે, આ વિસ્તારના લોકોની સુખાકારીમાં વધારો થશે અને આ વિસ્તારનો વિકાસ થશે જળસિંચનનું આ કાર્ય ફક્ત ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે મોડલ બનશે ગાગડિયો નદી પર થઈ રહેલાં જળસિંચન અને વિસ્તારની ભૌગોલિક સ્થિતિ તેમજ અમરેલી જિલ્લામાં ઉપલબ્ધ વિમાન મથકની સુવિધા છે ત્યારે તે સુવિધામાં ઉમેરો કરી, પ્રવાસનની વિપુલ તકો હોવાનું પૂર્વ રાષ્ટ્રપતિએ જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે, આ વિસ્તારમાં સિંહોનો વસવાટ છે ત્યારે જળસિંચનના કાર્યો પૂર્ણ થયા બાદ આ નદી કાંઠાનો, પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થવાની સંભાવનાઓ છે.

આ તકે પૂર્વ રાષ્ટ્રપતિ જળ સંચય અને પ્રકૃતિનું સંવર્ધન કરવાનો સંદેશ આપ્યો હતો જળસિંચનના કાર્યો માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. અમરેલી જિલ્લામાં લોક ભાગીદારીથી થઈ રહેલા જળસિંચનમાં લાઠી તાલુકામાં ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર સાથે લોક ભાગીદારીથી, હરિકૃષ્ણ ગ્રુપ અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ચેકડેમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોને આવરી લઇ રાજ્ય સરકાર, હરિકૃષ્ણ ગ્રુપ તથા ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ગાગડિયો નદી પર નવા ચેકડેમના નિર્માણ અને રિપેરીંગ સહિતના કામો માટે 50-50 ટકાની લોકભાગીદારીથી કરવા આયોજન કરવામાં આવ્યું છે, તેમાં રાજય સરકાર દ્વારા જળસંચયના આ કામો માટે અંદાજે રુ.10 કરોડથી વધુ રકમની સહાય ફાળવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગાગડિયો નદી પર જળસિંચનના કામો માટે મરામત, નવા ચેકડેમના બાંધકામ તેમજ નદીને ઉંડી ઉતારવાનો અને કાંઠા-પાળા ઉંચા બાંધવાનો અંદાજે રુ. 2,000 લાખનો ખર્ચ થવાની સંભાવના છે.

જળસિંચનના આ કામો માટે રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન વચ્ચે ગાગડિયો નદી પર ચેકડેમના નિર્માણ અને રિપેરીંગ સહિતના કામો માટે થયેલી એમ.ઓ.યુ. અંતર્ગત આ કામગીરી કરવામાં આવી રહી છે. ચેકડેમના નિર્માણથી લાઠી તાલુકા સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જળસ્તર ઉંચા આવશે ગાગડિયો નદીની દેવળીયા હરસુરપુરથી લઈને ક્રાંકચ સુધીની લંબાઈ આશરે 45 કિલોમીટર છે. જેમાંથી સુજલામ સુફલામ જળ અભિયાન 2018-2022 દરમિયાન કુલ 17 કિ.મી. ગાગડીયો નદીને હરસુરપુરથી દેવળિયાથી અકાળા સુધી સાફ કરી, ઉંડી કરી અને પહોળી કરવામાં આવી છે. બાકી રહેતા 28 કિ.મી.ના વિસ્તારમાં આ સમજૂતી મુજબ જરુરિયાત મુજબના નવા ચેકડેમ, જૂના ચેકડેમનું રીપેરીંગ અને ગાગડિયો નદીને ઉંડી કરી અને તેનું સાફ સફાઈનું કામ કરવા માટેના આયોજન અંતર્ગત કામગીરી શરુ છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દનું સ્મૃતિભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ સહિતના મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. રાજ્યપાલ અને પૂર્વ રાષ્ટ્રપતિએ દૂધાળા ખાતે દેશી ગોળના ઉત્પાદનની પ્રક્રિયા નિહાળી હતી. સવજી ધોળકીયાએ પ્રાસંગિક પ્રવચનમાં લુવારીયા અને કૃષ્ણગઢ વચ્ચેની વેરાન જગ્યા પર જળસંરક્ષણના કાર્ય કરવાની કામગીરી માટે ભારત અને રાજય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કામગીરી થકી વરસાદી પાણીનો સંગ્રહ થશે અને આ ધરતી પરના જળ સંરક્ષણ થકી ખેતી સમૃધ્ધ થશે કાર્યક્રમમાં ધારાસભ્ય જનક તળાવિયા, જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા,જિલ્લા પોલીસ વડા હિમકર સિંઘ, લાઠી-બાબરા પ્રાંત અધિકારી ટાંક, લાઠી તાલુકા મામલતદાર પટેલ, જિલ્લા-તાલુકા પંચાયતની સમિતિના ચેરમેન, સદસ્યઓ, હોદ્દેદારઓ, વિવિધ ગામોના સરપંચઓ, પદાધિકારીઓ, અધિકારીઓ, ગ્રામજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા ગૌધન-નંદીના સંવર્ધન અને તેના ઉછેર કરવાના ઉદ્દેશ્ય સાથે ગોપી નંદી ગૌશાળાનો પ્રારંભ પણ આ તકે કરવામાં આવ્યો હતો વર્ષ-2022માં ભારત સરકારના પહ્મ, પહ્મભૂષણ અને પહ્મ વિભૂષણ પુરસ્કૃત મહાનુભાવો અને તેમના પરિવારજનો પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્ર માટેની તેમની સેવાઓ અને તેમના વિચારોને વ્યકત કરી દેશની ઉન્નતિ માટે મહત્તમ ઉપયોગ થઇ શકે તે માટે આ પ્રકારે પહ્મ, પહ્મભૂષણ અને પહ્મ વિભૂષણ પુરસ્કૃત મહાનુભાવોનું સંમેલન ઉપયોગી થઇ શકે છે.સમગ્ર કાર્યક્રમનું સંચાલન નરેશભાઇ અને ડૉ. દીપકભાઇ રાજગુરુએ કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم