એક કલાક પહેલા
- કૉપી લિંક
સારોલી ખાતે રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ થતા વાહન ચાલકોને રાહત
રેલવે ઓવરબ્રિજનું આખરે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી તૈયાર થઈ ગયા બાદ પણ લોકાર્પણ ન થવાને કારણે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ લોકોને તેનો લાભ મળતો ન હતો. જેની શહેરમાં ચર્ચાઓ પણ ચાલી રહી હતી. નેતાઓ પાસે ઉદ્ધાટન કરવાનો પણ સમય ન હોવાનો લોકો ચર્ચા કરી રહ્યા હતા.
હજારો લોકોને થશે લાભ
રેલવે ઓવરબ્રિજની માંગ છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી રહી હતી. આખરે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલો રેલવે બ્રિજ બની તો ગયો પરંતુ લોકોના ઉપયોગ આવતો ન હતો. કારણ કે છેલ્લા ઘણા સમયથી તેનું લોકાર્પણ કરવાનો સમય નેતાઓ આપતા ન હતા. રેલવે બ્રિજ નજર સામે બનીને તૈયાર તો થઈ ગયો પરંતુ લોકો માટે તે હજુ ઉપયોગી પુરવાર થઈ રહ્યો ન હતો. વાહન ચાલકોને પણ ભારે હાલાકી થઈ રહી હતી. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી હાજરી આપીને ખૂબ જ મહત્વનો એવા રેલવે ઓવરબ્રિજને લોકો માટે ખુલ્લો મૂકી દેતા ખૂબ મોટી રાહત વાહન ચાલકોને થશે.
બ્રિજ સિટી સુરતમાં 119 બ્રિજ પૂરા થયા
વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, ક્રિભકો કંપનીની સ્થાપના બાદ રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષ 1981માં ક્રિભકો રેલવે લાઈન પર બનાવવામાં આવ્યો હતો. વર્ષ 2006માં સુરત મહાનગરપાલિકાની હદનું વિસ્તરણ થતાં આ રેલવે ઓવરબ્રિજ સુરત મહાનગરપાલિકાની હદમાં સામેલ થયો હોવાથી પાલિકાએ બ્રિજનું નિર્માણ કરી સ્થાનિક જનતા અને હજારો વાહનચાલકોને આવાગમનમાં મોટી રાહત થઈ છે.
સુરતની યશકલગીમાં વધુ એક નવું પીંછુ ઉમેરાયું
સારોલીનો આ નવનિર્મિત બ્રિજ સુરતનો 119મો બ્રિજ છે. બ્રિજ સિટીની આગવી ઓળખ ધરાવતા સુરતની યશકલગીમાં વધુ એક નવું પીંછુ ઉમેરાયું છે. સુરતમાં આવેલા તમામ બ્રિજોનું હેલ્થ કાર્ડ બનાવી પુલોની ક્ષમતા, ગુણવત્તા અને મજબૂતાઈની અવારનવાર ચકાસણી કરવામાં આવે છે એમ જણાવી શહેરમાં જનસુવિધા વધારતા પ્રકલ્પોના વધુમાં વધુ નિર્માણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.