અમદાવાદ16 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદમાં આવેલી ફાર્મા કંપની દ્વારા અન્ય ફાર્મા કંપનીના નામ, પેકિંગ, લેબલ અને બેચનો ઉપયોગ કરીને દવા બનાવી વિદેશ મોકલવામાં આવી હતી. જે અંગે અન્ય કંપનીને જાણ થતાં તપાસ કરતા મારુતિ ફાર્મા કેમિકલ પ્રા. લી નામની કંપનીએ 25 લાખ રૂપિયાની દવા વિદેશ મોકલી હતી. જે મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
નાઈઝેરિયાથી તસવીરો મોકલાતા ભાંડો ફૂટ્યો
સેટેલાઈટમાં રહેતા આરજવ પટેલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તે અને તેમના સાથેના ભાગીદાર જય ફોર્મ્યુલેશન લિમિટેડ નામની ફાર્મા કંપની ચલાવે છે. તેમની કંપનીમાં બનાવેલી દવા ભારત તથા વિદેશમાં મોકલવામાં આવે છે. નાઈઝેરિયાથી તેમની કંપનીની દવા નેટ્રોજેસીના બોક્સ ટ્રીપ, ડિઝાઇન લેબલ, લાયસન્સનો ફોટા મોકલ્યા હતા. હકીકતમાં તેમના દ્વારા આ દવા બનાવવામાં આવી જ નહોતી, જેથી તેમણે તપાસ કરી તો મારુતિ ફાર્મા કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની દ્વારા તેમની કંપનીના નામે બનાવવામાં આવી હતી.
આશ્રમ રોડ કંપનીએ દવાની ડિઝાઈન સહિતનો ઉપયોગ કર્યો
આશ્રમ રોડ ખાતેની મારુતિ ફાર્મા કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ જય ફોર્મ્યુલેશન લિમિટેડ નામની કંપનીના દવાની ડિઝાઇન, નામ, પેકિંગ, લેબલ, બેચ અને લાયસન્સનો ઉપયોગ કરીને દવા બનાવી હતી. આ દવા મોકલી હતી. 25 લાખથી પણ વધુની દવા નાઈઝેરિયા મોકલી હતી, જેમાં ખોટું બિલ બનાવીને ખોટા સ્ટેમ્પ પણ કર્યા હતા. આ સમગ્ર મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.