નર્મદા (રાજપીપળા)2 મિનિટ પહેલા
- કૉપી લિંક
આઝાદીના અમૃત મહોત્સવને લઈને સરકાર દ્વારા ડેમોને પ્રવાસન સ્થળ તરીકે વિક્સાવવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ વોટર કમિશનના અધિકારીઓએ સરદાર સરોવર નર્મદા ડેમ વિસ્તારની મુલાકાત લીધી હતી. નર્મદા ડેમને પણ પ્રવાસન સ્થળ તરીકે વિક્સાવા માટે જ્યાં પ્રવાસીઓ માટે પ્રતિબંધ છે, ત્યાં પ્રવાસીઓને એન્ટ્રી આપીને ટુરિઝમ વિક્સાવી શકાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. પ્રવાસીઓ પણ ઇજનેરી કૌશલ્ય નિહાળી શકે સાથે આજુબાજુના કુદરતી વાતવરણને પણ જોઈ શકે તે માટે પ્રથમ તબક્કામાં 20 જેટલા ડેમોના વિકાસ કરવાની યોજના છે.
સામાન્ય રીતે ડેમ પાણી સંગ્રહ અને વીજળી ઉત્પાદન માટે બનાવવામાં આવતા હોય છે. જેથી પ્રવાસીઓને ડેમ સુરક્ષાને ધ્યાને લઈ પ્રવાસીઓને ફોટો પણ પાડવા દેવામાં આવતા નથી. 2006માં નર્મદા ડેમને તત્કાલીન મુખ્યમંત્રી નરેદ્ર મોદીએ પ્રથમવાર દેશના પહેલા આવા ડેમને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કર્યો હતો. નર્મદા ડેમ જોવા માટે 5 રૂપિયા ટિકિટ રાખી હતી. છતાં નર્મદા નિગમને લાખો કરોડો રૂપિયાની આવક થતી હતી. જેમ જેમ આવક થઈ તેમ તેમ વિકાસ કરવામાં આવ્યો હતો. હવે પ્રધાનમંત્રી નરેદ્ર મોદી દેશના તમામ ડેમોને નર્મદા ડેમ જેવા બનાવા ઈચ્છે છે. જેથી આ યોજના હેઠળ હાલમાં સેન્ટ્રલ વોટર કમિશન કામગીરી કરી રહી છે.
નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ખુબ પ્રવાસીઓ આવે છે એટલા માટે પ્રવાસનને વેગ આપવા દેશના અન્ય ડેમોને પણ વિક્સાવવા પ્રવાસન સ્થળ બનાવવા નક્કી કરાયું છે. ગુજરાતનો બીજો ધરોઈ ડેમ છે જેમાં નર્મદા ડેમ જેવા ગાર્ડન આકર્ષણો ઊભા કરાશે. નર્મદા પરના ૐકારેશ્વર ડેમને પણ પર્યટક સ્થળ બનાવવાના છે. નર્મદા ડેમ પર પણ હજુ વિકાસ કરવામાં આવશે. લાઇટિંગ સાઉન્ડ લગાવી પ્રવાસીઓને મનોરંજન પૂરું પડાશે.