રાજકોટ42 મિનિટ પહેલા
- કૉપી લિંક

પોલીસે આરોપી પિતા બટુકની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી.
જસદણ તાલુકાના કનેસરા ગામે આવેલા વાડી વિસ્તારમાંથી ગત શુક્રવારે વહેલી સવારે યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવમાં યુવાનનો મૃતદેહ મળ્યા બાદથી તેનો પિતા બટુકભાઈ ગુમ હોય અને તેનો મોબાઈલ પણ બંધ આવતો હોય પોલીસની શંકા વધુ ઘેરી બની હતી. આખરે ભાડલા પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને જસદણના કનેસરા અને ભેટસુડા ગામની વચ્ચે આવેલ વીડીમાંથી પિતાને પકડી પાડી ક્યાં કારણોસર હત્યા કરી હતી તે અંગે પૂછપરછ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પિતા-પુત્ર વચ્ચે ખેતીની ઉપજ અંગે ઝઘડો થયો હતો. ઘર કંકાસને લઈ પિતાએ નશાની હાલતમાં પુત્રની વાડીમાં હત્યા કરી હતી.
હત્યા કરાયેલી હાલતમાં પુત્રનો મૃતદેહ મળ્યો હતો
કનેસરા નજીક વાડીમાં મહેશ બટુકભાઈ કુકડિયા (ઉં.વ.24) નામના યુવાનની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતાં પોલીસ ભેદ ઉકેલવા આરોપીની શોધખોળ હાથ ધરી હતી. મૃતક યુવાનના પરિવારજનોની પૂછપરછ કરતા મૃતક મહેશ અને તેના પિતા બટુક ચનાભાઈ કુકડિયા વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને ગત ગુરૂવારે રાત્રિના નશાની હાલતમાં પિતાએ જ પુત્રની હત્યા કરી નાખી હોવાની શંકા પોલીસ સેવી રહી હતી.
વીડીમાંથી હત્યારા પિતાને પકડી પાડ્યો
આ બનાવ અંગે મૃતક યુવાનની માતા રેખાબેનની ફરિયાદ પરથી ભાડલા પોલીસે અજાણ્યા હત્યારા સામે ગુનો નોંધી પીએસઆઈ આર.એસ.સાકળીયા વધુ તપાસ ચલાવી રહ્યા હતા. જોકે, આખરે ભાડલા પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને વીડીમાંથી હત્યારા પિતાને પકડીને પૂછપરછ આરંભી હતી.

મૃતક પુત્ર મહેશની ફાઈલ તસવીર.
મહેશનો મૃતદેહ રાજકોટ ખસેડાયો હતો
શુક્રવારે સવારે ભાડલા પોલીસને જાણ થઈ હતી કે કનેસરા ગામ નજીક વાડીમાં મહેશ બટુકભાઈ કુકડિયા નામના યુવાનની લોહિયાળ હાલતમાં લાશ મળી આવી છે. જેથી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહને પીએમ અર્થે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.
મહેશ હીરા ઘસવાનું કામ કરતો
જસદણ તાલુકાના કનેસરા ગામમાં રહેતો પરિવારનું ગુજરાન ચલાવવા મહેશ હીરા ઘસવાનું કામ કરતો હતો. ગત ગુરૂવારે રાત્રિના 10 વાગ્યે મહેશ પોતાની વાડીએ પાણી વાળવા માટે ગયો હતો. પરંતુ સવાર પડવા છતાં મહેશ ઘરે પરત નહીં ફરતા તેના પરિવારજનો વાડીએ તપાસ માટે ગયા હતા. ત્યારે વાડીએ પાણીની મોટર ચાલુ હતી અને મહેશ જે ખાટલામાં નિયમિત સૂતો હતો તે ખાટલામાં જ કપડું ઢાંકેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં કલ્પાંત મચી ગયો હતો. બાદમાં આ બનાવ અંગે ભાડલા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

પોલીસે વીડીમાં છૂપાયેલા આરોપી પિતા બટુકની ધરપકડ કરી હતી.
મહેશ અપરિણીત હતો
મહેશ પોતે અપરિણીત હતો. ગામમાં પણ કોઈની સાથે વાંધો ન હોવાનું ખુલ્યું હતું. પરંતુ મહેશ અને તેના પિતા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોઇ ગુરૂવારે રાત્રિના નશામાં ધૂત તેના પિતાએ પુત્ર મહેશ સાથે ઝઘડો કરી તેના માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. હાલ ભાડલા પોલીસે આરોપી પિતા બટુકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.