અંબાજીએક કલાક પહેલા
- કૉપી લિંક
અંબાજીમાં રાજસ્થાની અગ્રવાલ મહિલાઓ દ્વારા ગણગોરનો તહેવાર મનાવવામાં આવ્યો હતો. ગુજરાતમાં જેવી રીતે ગૌરી વ્રત મનાવવામાં આવે છે તેવી જ રીતે રાજસ્થાનમાં ગણગોરનો તહેવાર મનાવવામાં આવે છે. આ તહેવાર નવપરણિત મહિલાઓ અને કુંવારી કન્યાઓ બંને મનાવે છે. નવપરણિત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે અને કુંવારી કન્યાઓ સારો વર મળે તે માટે આ તહેવાર મનાવે છે.
હોળીના બીજા દિવસથી ગણગોર માતાની સ્થાપના કરી મહોત્સવની શરૂઆત થાય છે. આ મહોત્સવ 16 દિવસ સુધી સતત ચાલતો હોય છે. આ દિવસો દરમિયાન મહિલાઓ અને કન્યાઓ દરરોજ ગણગોર માતાની પૂજા અર્ચના કરતી હોય છે. 16મા દિવસે ગણગોર માતાનું પૂજન અર્જન કરીને વિસર્જન કરવામાં આવે છે. રાજસ્થાનમાં અને ખાસ કરીને અગ્રવાલ સમાજમાં આ તહેવારનું ખૂબ જ મહત્ત્વ છે.
મહિલાઓ તથા કન્યાઓ આ તહેવારને ખૂબ જ ઉત્સાહથી મનાવતી હોય છે. 16 દિવસ મહિલાઓ ગણગોર માતાનું વ્રત કરે છે અને પૂજા કરે છે. છેલ્લા દિવસે ગણગોર માતાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. અંબાજીમાં પણ અગ્રવાલ સમાજની મહિલાઓએ ગણગોર માતાની 16 દિવસ પૂજા અર્ચના કરી છેલ્લા દિવસે અંબાજીમાં ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. ઉત્સાહ ભેર ગણગોર મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.