મહિસાગર (લુણાવાડા)4 મિનિટ પહેલા
રાજ્યમાં અનેક જગ્યાએ ગટરોના ઢાંકણ અને સ્લેબ બેસી જવાની ઘટનાઓ અવાર નવાર બનતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના મહીસાગર જિલ્લાના લુણાવાડામાં બની છે. કે જ્યાં લાખો રૂપિયાના ખર્ચે લુણાવાડા નગરપાલિકા દ્વારા લુણાવાડાના ગોધરા હાઇવે ઉપર માર્કેટિંગયાર્ડના દરવાજાથી પાનમ સ્મશાન સુધીના માર્ગ પર અંદાજીત પાંચસો મીટર લંબાઈની સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવામાં આવી છે. ત્યારે આ ગટરનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા સાવ હલકી ગુણવત્તાનું બનાવવા આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. જેના કારણે આ મજબૂતાઈ વગરની ગટરમાં ટ્રક ભોગ બની છે.

ટ્રક ડ્રેનેજ પરના સ્લેબ પરથી પસાર થતા સ્લેબ એકાએક તૂટી પડ્યો હતો અને ટ્રકના ટાયર અંદર ઉતરી ગયા હતા અને ટ્રક નમી પડી હતી. ત્યારે અહીંયા બનાવેલા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ગુણવત્તા વાળી અને મજબૂત બનાવવાની જરૂરિયાત હતી. કેમ કે આ ડ્રેનેજ લુણાવાડા શહેરના મુખ્ય નેશનલ હાઇવે રોડની બાજુમાંથી પસાર થાય છે. ત્યારે આ હાઇવે માર્ગ પરથી રોજના હજારોની સંખ્યામાં નાના મોટા અને ભારવાહક વાહનો પસાર થાય છે.

ત્યારે આ હલકી ગુણવત્તા વાળી ડ્રેનેજ ગટર પરથી ટ્રક પસાર થતા તેનો સ્લેબ તૂટ્યો હતો અને ટ્રકના ટાયર ગટરમાં ઉતરી પડ્યા હતા અને આખી ટ્રક એક સાઈડ નમી ગઇ હતી. ત્યારે સમગ્ર બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ આવી હલકી ગુણવત્તા વાળી ડ્રેનેજ પરથી પસાર થતા અન્ય કોઈ વાહન કે કોઈને મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા લુણાવાડા નગરપાલિકાના સત્તાધીશો અધિકારી અને નવા નિમાયેલા વહીવટદાર દ્વારા ભ્રષ્ટાચાર આચરી હલકી ગુણવત્તાની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઉઠવા પામી છે. આવી હલકી ગુણવત્તા વાળી કામગીરીના કારણે મોટી હોનારત સર્જાઈ શકે છે. સરકાર દ્વારા તો વિકાસ કાર્યો માટે અનેક ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે, પરંતુ હલકી ગુણવત્તા વાળી કામગીરી કરીને સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોય તેવું સ્પષ્ટ પણે દેખાઈ આવે છે.
