ભાવનગર2 કલાક પહેલા
રાજ્યની સાથોસાથ સમગ્ર ગોહિલવાડમાં જાણે ચોમાસું રીટર્ન થયું હોય તેમ કેટલાક દિવસોથી ભર ઉનાળે અષાઢી માહોલ છવાયો છે. કુદરતના આ કરતબને લોકો વિસ્મતાથી નિહાળવા સિવાય કશું જ કરી શકતા નથી ત્યારે આજે સોમવારે પણ સાંજ ઢળતાની સાથે ફરી એકવાર શહેરમાં માવઠાએ દસ્તક દેતાં થોડી જ વારમાં પાણી વહેતા થયા હતા.
કમૌસમી માવઠું દૂર થવાનું નામ નથી લઈ રહ્યું
ભાવનગરમાં ઉનાળામાં “ચોમાસું” શરૂ થયું હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ શહેર-જિલ્લામાં વરસાદી ઝાપટાં વરસી રહ્યાં છે. જિલ્લાના અનેક ગામડાઓમાં નદીઓમાં પૂર આવ્યાં છે. લોકો કુદરતનો આ અટપટો ખેલ સમજી શકતા નથી, પરંતુ હવામાન વિભાગ દરરોજ માવઠાની તારીખો લંબાવ્યા કરે છે અને આ આગાહીઓને કુદરત સાચી સાબિત કરવા માંગતું હોય તેમ કમૌસમી માવઠું દૂર થવાનું નામ નથી લઈ રહ્યું !કુદરતની કરામત પણ ગજબ છે જિલ્લામાં અનેક સ્થળોએ તેમજ જિલ્લાના ગામડાઓમાં કરા સાથે વરસાદ પડી રહ્યો છે.
ઢળતી સાંજે જોરદાર કડાકા-ભડાકા સાથે વરસાદ
સામાન્યતઃ ઉનાળામાં તાપ તડકા સાથે ગરમીનો માહોલ ચરમસીમાએ હોય છે, પરંતુ ઋતુ ચક્રનું શિર્ષાસન ગણીએ તો પણ ભલે કે કુદરત રૂઠી હોય એમ કહીએ તો પણ ચાલે રાજ્યમાં કેટલાક દિવસોથી કમોસમી વરસાદ યથાવત રહેતા ખેત ફસલો સાથે બાગાયત ખેતીને પારાવાર નુકસાન થયું છે. હજુ પણ આ મેઘકહેર યથાવત રહેતા ખેડૂતો સાથે લોકો પણ મૂંઝવણમાં મુકાયા છે. આજે સપ્તાહના આરંભે સવારે વાતાવરણ સ્વચ્છ જણાઈ રહ્યું હતું અને હવે ગરમી-તડકો પુનઃ વેગ પકડશે એવું લોકો અનુમાન લગાવી રહ્યાં હતાં, પરંતુ સાંજ ઢળતા જ લોકોનું અનુમાન ખોટું ઠર્યું હતું. બપોરબાદ ઘેરાઈ આવેલા વાદળો વચ્ચે ઢળતી સાંજે જોરદાર કડાકા-ભડાકા સાથે ફરી વાતાવરણ ભયાવહ બનાવ્યું હતું અને સમગ્ર શહેરમાં તથા આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ શરૂ થતાં ચો-મેર પાણી પાણી થઈ ગયું હતું.