- Gujarati News
- Local
- Gujarat
- Bharuch
- In Bharuch, The Mexican Couple Tied The Knot In A Hindu Ceremony, The Bride Was Seen In Panetar, The Bride And Groom In Indo Western.
ભરૂચ2 મિનિટ પહેલા
લોકો દેશમાં ધુળેટીના પર્વની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે ભરૂચમાં એક અનોખા લગ્ન યોજાયા હતા. રોટરી ક્લબ ભરૂચ નર્મદા નગરી, ડિસ્ટ્રીક્ટ 3060ના રોટરી ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત આવેલા એક મેક્સિકન યુગલ ભરૂચમાં જ લગ્નગ્રંથીએ જોડાયું હતું. મહત્વની વાત એ હતી કે મેક્સિકન યુગલે ભારતીય સંસ્કૃતિ પ્રમાણ લગ્નગ્રંથીએ જોડાવાની ઈચ્છા વ્યકત કરી હીત અને અગ્નિની સાક્ષીએ હિન્દુવિધિથી લગ્ન કર્યા હતા.

મેક્સિકન કપલના ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન
મેક્સિકોમાં રહેતા અને હાલ ભરૂચના પ્રવાસે આવેલા પેડ્રો અને એરિકાએ ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થઈ હિન્દુ સંસ્કૃતિ મુજબ લગ્નગ્રંથીએ જોડાવાની ઈચ્છા વ્યકત કરી હતી. જે ઈચ્છા રોટરી ક્લબ ભરૂચ નર્મદા નગરી, ડિસ્ટ્રીક્ટ 3060ના સભ્યોએ પૂર્ણ કરી હતી. ‘આઈ લવ હિન્દુ કલ્ચર’ કહી પેડ્રો અને એરિકાએ ભરૂચના સિદ્ધિ વિનાયક મંદિરમાં અગ્નિની સાક્ષીએ લગ્ન કર્યા હતા.

એરિકાને મંગળસૂત્ર પહેરાવતો પેડ્રો
વિદેશી યુગલ દેશી પોશાકમાં જોવા મળ્યું
ભરૂચના સિદ્ધિ વિનાયક મંદિર યોજાયેલા લગ્નમાં પેડ્રો અને એરિકાએ ગણેશ સ્થાપનની વિધિ, પીઠી, મેહંદી રસમ સહિતની વિધિ કરી હતી. અગ્નિની સાક્ષીએ ફેરા ફરતી સમયે એરિકાએ પાનેતર પહેર્યું હતું. તો પેડ્રો ઈન્ડો વેસ્ટર્નમાં સજ્જ જોવા મળ્યો હતો. વિદેશી યુગલે માંગ પૂરવાની અને મંગલસૂત્ર પહેરાવવાની મહત્વની વિધિઓ પણ કરી હતી.

લગ્નમાં કોણ કોણ સામેલ થયું?
ભરૂચમાં યોજાયેલા પેડ્રો અને એરિકાના લગ્નમાં તેમની સાથે મેક્સિકોથી આવેલા અન્ય 9 લોકો જોડાયા હતા. જેમાં એરિકાના માતા-પિતા પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત રોટરી ક્લબ ભરૂચ નર્મદા નગરી, ડિસ્ટ્રીક્ટ 3060ના સભ્યોએ જ કન્યા અને વરપક્ષના લોકોની તમામ જવાબદારીઓ નિભાવી હતી.

ભરૂચના પ્રવાસે આવ્યા અને લગ્નગ્રંથીએ જોડાયા
પેડ્રો અને એરિકા બંને મેક્સિકોના રહેવાસી છે અને બંને વ્યવસાયે કેમિકલ એન્જિનિયર છે. રોટરી કલબ ઓફ ભરૂચ નર્મદાનગરી , ડીસ્ટ્રીકટ 3060 રોટરી ઇન્ટરનેશનલના ફ્રેન્ડશીપ એકસચેન્જ પ્રોગ્રામ અંતર્ગત મેકિસકોના 11 રોટેરીયનો આપણા ગુજરાતની રોટરી કલબોની મુલાકાતે આવ્યા હતા.મેક્સિકનોએ 7 માર્ચે સ્ટેચ્યું ઓફ યુનિટીના પ્રવાસ બાદ રોટરી કલબ ઓફ ભરૂચ નર્મદાનગરીની મુલાકાત લઈ મહેમાનગતી માણી હતી. મેક્સિકનોએ મુલાકાત દરમ્યાન કલબના મેમ્બરોના ઘરે રોકાણ કર્યુ હતું. બંને દેશોનું કલ્ચર તથા અન્ય રીત રસમોનું આદાન પ્રદાન કર્યુ હતું. મેકિસકોની ટીમમાં એરીકા અને પેડ્રો કે જેઓ જુના મિત્ર હતા તેઓએ હિંન્દુ વિધિ પ્રમાણે લગ્નગ્રંથીથી જોડાવા વિઘિપુર્વકનું લગ્ન કરવા ઇચ્છા વ્યકત કરી હતી. નર્મદાનગરીના પ્રમુખ ધૃવ રાજાએ તેઓની ઇચ્છાને વાચા આપી મેક્સિકનના હિન્દૂ લગ્નનું આયોજન કર્યું હતું.

પેડ્રોએ કહ્યું- ‘પહેલા નર્વસ હતો હવે ખુશ છું’
પેડ્રોએ ‘દિવ્ય ભાસ્કર’ સાથે વાત કરતા કહ્યું હતું કે, ભારતના લોકો એકદમ પ્રેમાળ છે. અહીં લગ્ન કરતા પહેલા હું નર્વસ હતો. પરંતુ, હાલ હું ખૂબજ આનંદિત છું. તો એરિકાએ પોતાના લગ્ન અંગે ખુશી વ્યકત કરી હતી.

કંસારની વિધિ