વડોદરા5 મિનિટ પહેલા
- કૉપી લિંક
માતા-પિતાની વિરૂધ્ધમાં જઇ પસંદગીની યુવતી સાથે લગ્ન કર્યા બાદ ઘર જમાઇ રહેતા આઇ.ટી. થયેલા પુત્રએ માતા-પિતા સાથે સબંધ કાપી નાંખ્યા હતા. પુત્ર ઘરે આવે તે માટે માતા-પિતાએ અથાગ પ્રયાસો કર્યા હતા. પરંતુ, પુત્ર ઘરે પરત ફરવા તૈયાર ન હતો. માતા-પિતાએ અભયમની મદદ માંગતા અભયમ ટીમે માતા-પિતાથી નારાજ પુત્ર અને તેની પત્નીનું કાઉન્સિલીંગ કરી પુત્રને માતા-પિતાને મોકલ્યો હતો. બે વર્ષ બાદ પુત્ર પત્ની સાથે ઘરે આવતા માતા-પિતા હર્ષના આંસુ રોકી શક્યા ન હતા.
આઇ.ટી. કરવા પુના મોકલ્યો
આ કિસ્સાની હકીકત એવી છે કે, વડોદરાના અલકાપુરી વિસ્તારમાં રહેતા આર્થિક રીતે સુખી સંપન્ન પરિવારમાં અમીત (નામ બદલ્યું છે) લાડકોડથી ઉછર્યો હતો. માતા-પિતાએ પાણીના બદલે દૂધ આપ્યું હતું. અમીતની ઇચ્છા મુજબ ઉચ્ચ શિક્ષણ અપાવ્યું હતું. આઇ.ટી. કરવા માટે પુના મોકલ્યો હતો. આઇ.ટી. ના અભ્યાસ દરમિયાન અમીતના જીવનમાં એક યુવતી આવી હતી. અને તેને પોતાની પત્ની બનાવવા માંગતો હતો.
પ્રેમિકા સાથે લગ્ન કરવા માંગતો હતો
અમીતે પોતાની પસંદગીની યુવતી સાથે લગ્ન કરવા માટે માતા-પિતા પાસે મંજૂરી માંગી હતી. પરંતુ, કોઇક કારણસર માતા-પિતાએ અમીતને તેની પસંદગીની યુવતી સાથે લગ્ન કરવા માટે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. અને જણાવ્યું હતું કે, તારે અમારી પસંદગીની યુવતી સાથે લગ્ન કરવા પડશે. અમીત માતા-પિતાની પસંદગીની યુવતી સાથે લગ્ન કરવા માંગતો ન હતો. તે પોતાની પ્રેમિકા સાથેજ લગ્ન કરવા માંગતો હતો.
ઘર જમાઇ રહેતો હતો
સમય જતાં અમીતે માતા-પિતાની મરજી વિરૂધ્ધ તેની પ્રેમિકા સાથે કોર્ટમાં મેરેજ કરી લીધા. અને માતા-પિતા સાથે તમામ સબંધો કાપી નાખ્યા હતા. અમીત મોટા ભાગે નડીયાદ સાસરીમાં રહેતો હતો. પરંતુ, વડોદરા માતા-પિતાને મળવા માટે આવતો ન હતો. સતત બે વર્ષ સુધી અમીતે માતા-પિતાનો સંપર્ક પણ કર્યો ન હતો. અને સાસરીમાં ઘર જમાઇ તરીકે રહેતો હતો.
ફોન પણ કરતો ન હતો
માતા-પિતાએ અમીતને ઘરે લાવવા માટે અથાગ પ્રયાસો કર્યા હતા. પરંતુ, અમીત માતા-પિતાના ઘરે જવા તૈયાર ન હતો. માતા-પિતાએ પુત્રની માફી પણ માંગી. અને પત્ની સાથે આવી જવા માટે જણાવ્યું હતું. પરંતુ, અમીત આવવા તૈયાર ન હતો. અમીત વડોદરા તેના મિત્રોના ઘરે આવે ત્યારે પણ તે તેના માતા-પિતાના ઘરે જતો ન હતો. અને માતા-પિતાને ફોન પણ કરતો ન હતો.
માતા-પિતાના અથાગ પ્રયાસો
આર્થિક રીતે સુખી સંપન્ન માતા-પિતાના જીવનમાં તમામ પ્રકારનું સુખ હતું. પરંતુ, પુત્ર હોવા છતાં, પુત્રનું સુખ ન હતું. માતા-પિતાએ પુત્ર અમીતના લગ્ન પોતાની પસંગીની યુવતી સાથે ધામધૂમથી કરવાના સપના જોયા હતા. પરંતુ, તે સપનું પૂરું થયું ન હતું. અમીતે તેની પસંદગીની યુવતી સાથે લગ્ન કરી લીધા બાદ માતા-પિતાએ પણ પુત્રની ખૂશીમાં પોતાની ખૂશી હોવાનું સમજીને મનને મનાવી લીધું હતું. અને પુત્રને પત્ની સાથે બોલાવી લેવા માટે પ્રયાસો કર્યા હતા. પરંતુ, પુત્ર અમીત માતા-પિતા સાથે રહેવા માટે તૈયાર ન હતો.
અભયમને સફળતા મળી
અનેક પ્રયાસો કરવા છતાં, અમીત ઘરે આવતો ન હોવાથી માતા-પિતાએ અભિયમ ટીમને મદદ કરવા માટે જણાવ્યું હતું. એક દિવસ અમીત વડોદરા તેના મિત્રને ઘરે આવ્યો હતો. જે અંગેની જાણ અમીતના માતા-પિતાને થતાં તુરતજ તેઓએ અભયમ ટીમને જાણ કરી હતી. અભિયમ ટીમે માતા-પિતાની લાગણી સભર રજૂઆત સાંભળીને પુત્ર અમીતને તેના માતા-પિતાના ઘરે મોકલવાના પ્રયાસો શરૂ કર્યા. અભયમ ટીમ દ્વારા અમીત અને તેની પત્નીને મળી તેઓનું કાઉન્સિલીંગ શરૂ કર્યું હતું. અનેક વખતના કાઉન્સિલીંગ કર્યા બાદ આખરે અભયમ ટીમને સફળતા મળી હતી.
માતા-પિતાએ વધામણાં કર્યા
અભયમ ટીમે સમજાવ્યા બાદ અમીત તેની પત્ની અંજલી (નામ બદલ્યું છે) સાથે માતા-પિતાના ઘરે ગયો હતો. અમીત તેની પત્ની અંજલી સાથે ઘરે પહોંચતાજ માતા-પિતા ખૂશખુશાલ થઇ ગયા હતા. બે વર્ષ બાદ પુત્રની પત્ની સાથે ઘરના આંગણે જોતા માતા-પિતા પોતાના હર્ષના આંસુ રોકી શક્યા ન હતા. માતા પોતાના પુત્રને નાના બાળકની જેમ ગળે લગાવી લીધો હતો. માતા-પિતાએ પુત્ર અમીત અને પુત્ર વધૂ અંજલીના વધામણાં પણ કર્યા હતા. બે વર્ષ બાદ પુત્ર ઘરે આવતા માતા-પિતાએ અભયમ ટીમનો આભાર માન્યો હતો.
શિક્ષણ સાથે સંસ્કાર જરૂરી
ઉલ્લેખનિય છે કે, આર્થિક રીતે સુખી સંપન્ન પરિવારમાં ઉછરતા બાળકોને ક્યારેક માતા-પિતા ઉચ્ચે શિક્ષણ અપાવવાની આંધળી દોટમાં સંસ્સારનું શિક્ષણ આપતા ચૂકી જતા હોય છે. તો ક્યારેક સંતાનો પણ પોતાના માતા-પિતા દ્વારા લાડકોડથી કરવામાં આવેલા ઉછેરને ભૂલી જતા હોય છે. પાંચ વર્ષથી પ્રેમિકા સાથે થયેલા પ્રેમની સામે 25 વર્ષથી પ્રેમ કરતા આવેલા માતા-પિતાને ભૂલી જતા હોય છે. અભયમ પાસે આવેલા ઉક્ત કિસ્સામાં આવીજ પરિસ્થીતીનું નિર્ણાણ થયું હતું.