અમદાવાદ33 મિનિટ પહેલા
- કૉપી લિંક
ભારતના પ્રથમ અને એકમાત્ર બે-દિવસીય હિસ્ટ્રી લિટરેચર ફેસ્ટિવલ (એચએલએફ 2023)નો આજે અમદાવાદ યુનિવર્સિટી કેમ્પસમાં પ્રારંભ થયો હતો. “નરેટિંગ ધ ઇન્ડિયન સ્ટોરી” શિર્ષક ધરાવતા ફેસ્ટિવલમાં ભારતના રાજકારણ અને સમાજ, સંસ્થાનવાદ, ભોજન, સંગીત અને વિજ્ઞાન સહિતના વિષયો ઉપર ચર્ચા કરવા તથા કેટલીક રસપ્રદ બાબતો રજૂ કરવા માટે એક છત નીચે જાણીતા ઇતિહાસકારો, પુરાતત્વવિદો, શિક્ષણવિદો અને લેખકો એકત્રિત થયાં છે. પ્રથમ એચએલએફમાં 1200થી વધુ રજીસ્ટ્રેશન મળ્યાં છે.
અમદાવાદ યુનિવર્સિટી હોવાનો અમને ગર્વ છે
હિસ્ટ્રી લિટરેચર ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં સંબોધન કરતાં એચએલએફના સહ-સ્થાપક તથા આઇઆઇએમ અમદાવાદના ભુતપૂર્વ પ્રોફેસર અને ડીન રાકેશ બસંતે કહ્યું હતું કે, “મારા માટે આ એક પ્રયોગ છે, જેને હું સફળ થતાં જોવા માગું છું. આપણા વારસા વિશે ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ તૈયાર કરવાનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. અમે એક એવું પ્લેટફોર્મ તૈયાર કરવા માગીએ છીએ કે જ્યાં ઇતિહાસના વિવિધ પાસાઓ ઉપર ચર્ચા કરવામાં આવે તથા દરેક પાસાની અલગ દ્રષ્ટિકોણથી ઓળખ કરીને તેની ઉજવણી કરવામાં આવે. આ પ્રક્રિયા સાથે આપણે લાંબાગાળે મજબૂત પ્લેટફોર્મની રચના કરી શકીશું. અમારા પાર્ટનર તરીકે અમદાવાદ યુનિવર્સિટી હોવાનો અમને ગર્વ છે.”
પુરાતત્વવિદો અને શિક્ષણવિદો અમારી સાથે જોડાયા
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન આપતાં એચએલએફના સહ-સ્થાપક અમિત અરોરાએ કહ્યું હતું કે, “અમે દેશના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદથી એચએલએફની પ્રથમ આવૃત્તિનો પ્રારંભ કરતાં ખૂબજ ઉત્સાહિત છીએ. આ પ્રારંભિક આવૃત્તિમાં જાણીતા લેખકો, ઇતિહાસકારો, પુરાતત્વવિદો અને શિક્ષણવિદો અમારી સાથે જોડાઇ રહ્યાં છે, જેઓ ભવિષ્ય તરફ સારી રીતે જોવામાં મદદ મળી રહે. અમને સહયોગીઅને વક્તાઓ તરફથી મળેલા સકારાત્મક પ્રતિસાદથી અમે ખુશી અનુભવીએ છીએ.”
ઇતિહાસને કેવી રીતે જાણી અને સમજી શકીએ?
એચએલએફ 2023ના પ્રથમ દિવસે વિવિધ પ્રતિષ્ઠિત વક્તાઓએ મહત્વપૂર્ણ વિષયોને આવરી લેતાં રસપ્રદ બાબતો રજૂ કરી હતી. ઉદય એસ કુલકર્ણી અને અમર ફારૂકીએ મરાઠા અને બ્રિટિશ સામ્રાજ્યો સાથે સંકળાયેલા ઇતિહાસની મહત્વપૂર્ણ બાબતોને રજૂ કરવા માટે ચિન્મય તુમ્બે સાથે વાતચીતમાં ‘ટેલ ઓફ ટુ એમ્પાયર્સઃ ધ મરાઠા એન્ડ ધ બ્રિટિશ’ રજૂ કરી હતી. તેઓએ ચર્ચા કરી કે આ સામ્રાજ્યોનું સ્વરૂપ શું હતું? તેઓ અન્ય સામ્રાજ્યો અને એકબીજા સાથે કેવી રીતે ચર્ચા કરતા હતા? લોકો આ સામ્રાજ્યોને કેવી રીતે જોતા હતા? અને આજે આપણે તેમના ઇતિહાસને કેવી રીતે જાણી અને સમજી શકીએ?
ભાષાઓએ સમુદાયની રચના માટે માર્ગ મોકળો કર્યો
પેગી મોહન અને પ્રાચી દેશપાંડેએ ‘પીપલ્સ હિસ્ટ્રી ઓફ લેંગ્વેજ’ ઉપર એક સત્રનું યોજ્યું હતું તથા વાર્તાઓ, ટુચકાઓ અને વિશ્લેષણ દ્વારા ભાષાઓના અનેકવિધ ઇતિહાસને રજૂ કર્યાં હતાં. આ પેનલે ભારતમાં ઐતિહાસિક પરિવર્તનની લાંબી પ્રક્રિયાઓમાં કેવી રીતે સંસ્કૃતિઓ અને ભાષાઓએ સમુદાયની રચના માટે માર્ગ મોકળો કર્યો તેના વિશે મૂલ્યવાન માહિતી આપી હતી.
તથ્યો અને વાર્તાઓ સમજવાનો પ્રયાસ કરાયો
વસંત શિંદે, દિશા આહલુવાલિયા અને તાના ત્રિવેદીએ અમિત અરોરા સાથેની વાતચીતમાં ‘ટૂલ્સ ઑફ હિસ્ટ્રીઃ હાઉ ડુ વી નો વોટ વી નો’ વિષયને આવરી લીધો હતો. આ સેશનમાં ઇતિહાસના બે સૌથી ભરોસાપાત્ર સાધનો – પુરાતત્વ અને આર્કાઇવ્સમાંથી માહિતી, તથ્યો અને વાર્તાઓ સમજવાનો પ્રયાસ કરાયો હતો. વસંત શિંદે અને દિશા આહલુવાલિયાએ રાખીગઢી ઉત્ખનનની માહિતી જાહેર કરી જ્યારે તાના ત્રિવેદીએ માનવ સંસ્કૃતિની સફરના દસ્તાવેજીકરણમાં આર્કાઇવ્સની ભૂમિકાની જાણકારી આપી હતી.
બે વિષયો ઉપર ભાગ્યે જ એકસાથે ચર્ચા થઇ હોય
જ્હોન મેથ્યુ અને દિનેશ સી શર્માએ અપરાજિત રામનાથ સાથેની વાતચીતમાં ‘સાયન્સ, ટેકનોલોજી એન્ડ ધ મેકિંગ ઓફ મોર્ડન ઈન્ડિયા’ પર ચર્ચા કરી હતી. આ બે વિષયો ઉપર ભાગ્યે જ એકસાથે ચર્ચા થઇ હોય. અમરેન્દ્ર ધનેશ્વર અને શ્રીજન દેશપાંડેએ તેજસ્વિની નિરંજના સાથેની વાતચીતમાં ‘મ્યુઝિકલ હિસ્ટ્રીઝઃ કીપિંગ ટાઈમ, કીપિંગ ધ બીટ’ પર તેમના વિચારો વ્યક્ત કર્યાં હતાં. એક વિશિષ્ટ ફોર્મેટમાં તેમણે મ્યુઝિક હિસ્ટ્રી ઉફર ચર્ચા સાથે વોકલ પર્ફોર્મન્સને મિશ્રિત કર્યાં હતાં.
ભારતીય રાણીઓની વાર્તાઓ પણ સામેલ
એચએલએફનો પ્રથમ દિવસ વિક્રમ શ્રીધર દ્વારા ‘કહાનીઃ ભારતના લોક દેવતાઓ’ નામના વાર્તા કહેવાના સત્ર સાથે સમાપ્ત થયો. આ 45 મિનિટના વાર્તા કહેવાના પ્રદર્શનમાં ગીતો અને સાહિત્ય દ્વારા મૌખિક અને સ્થાનિક ઇતિહાસનો સમાવેશ થાય છે. પ્રદર્શનમાં કેટલીક ભારતીય રાણીઓની વાર્તાઓ પણ સામેલ હતી. ફેસ્ટિવલના બીજા દિવસે બિઝનેસ, ફૂડ, સિનેમાના ઈતિહાસ ઉપર સેશન તથા ગુજરાતના રજવાડાઓના ઈતિહાસ વિશે ચર્ચા કરાશે.