અમદાવાદએક કલાક પહેલા
આગામી 31 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL મેચનો પ્રારંભ થશે. મેચ અમદાવાદમાંથી શરૂ થતી હોવાથી લોકોમાં ઉત્સાહ છે. ઓપનિંગ સેરેમની સહિત હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત ટાઈટન્સની ચેન્નાઈ સુપરકિંગ્સ સામે પહેલી મેચ છે. ત્યારે ક્રિકેટ રસિકો દેશભરમાંથી અમદાવાદમાં મેચ જોવા પણ આવશે. અત્યાર સુધી ટિકિટનું ઓનલાઇન વિતરણ થતું હતું, ત્યારે આજથી ઓફલાઇન ટિકિટનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, આજથી ઓફલાઇન ટિકિટ વેચાણ શરૂ થતાં આજે જ ટિકિટ પૂરી થઈ ગઈ હતી, જેથી મેચ પહેલા જ દર્શકો નારાજ થયા અને રોષે પણ ભરાયા હતા.
ક્રિકેટચાહકોનો બોક્સ ઓફિસે હોબાળો
31 માર્ચે શરૂ થનાર IPLની પ્રથમ મેચ માટે અત્યાર સુધી ઓનલાઇન ટિકિટ વેચવામાં આવી હતી, જેમાં 70,000 જેટલી ટિકિટ વેચાઈ ગઈ છે. જ્યારે બાકીની ટિકિટ માટે આજથી ઓફલાઇન વેચાણ શરૂ કરવાના આવ્યું છે.આજથી જ વેચાણ થયું અને આજે ટિકિટ પૂરી થઈ ગઈ અથવા સમય લાગશે, તેવા બહાના બોક્સ ઓફિસ પરથી આપવામાં આવતા ટિકિટ ખરીદવા ગયેલા લોકોએ બોક્સ ઓફિસ પર હોબાળો કર્યો હતો.
2 કલાકથી ટિકિટ ખરીદવા ઊભેલા લોકો રોષે ભરાયા
અમદાવાદના ચાર સેન્ટર પૈકી ગુલાબ ટાવર પાસેના સેન્ટર પર મોટી સંખ્યામાં લોકો ટિકિટ લેવા ગયા હતા. જ્યાં લાઈનમાં પણ લોકોને ઉભા રાખવામાં આવ્યા અને ત્યારબાદ ટિકિટ નથી કહેવાના આવ્યું હતું, જેથી 2 કલાક રાહ જોઇને ટિકિટ ખરીદવા ઊભેલા લોકો રોષે ભરાયા હતા. અભી ગજ્જર નામના યુવકે જણાવ્યું હતું કે ટિકિટ લેવા સવારે 8 વાગ્યાનો આવ્યો હતો.અહીંયા વૃદ્ધ,મહિલાઓ તમામ લોકો હતા. તડકામાં ઉભા રહ્યા અને ટિકિટ આવી પરંતુ અંદર લઈ ગયા બાદ કોઈ સરખો જવાબ આપતું નહોતું. બધા અલગ અલગ બહાના બતાવતા હતા. લોકો નોકરી ધંધા મૂકીને આવ્યા હતા, તેમને ટિકિટ વિના પરત જવું પડ્યું હતું.
ટિકિટ વેચાઈ જતા ક્રિકેટચાહકોના સવાલો
ઇશાની શાહ નામની યુવતીએ જણાવ્યું હતું કે, સવારે 11 વાગે હું ટિકિટ લેવા આવી હતી. સ્ટેડિયમ ગયા તો ચાર સેન્ટરના નામ આપવામાં આવ્યા હતા. અહીંયા આજથી ટિકિટ વેચવાની શરૂ કરી અને આજે જ સોલ્ડ આઉટ થઈ ગઈ હોવાનું કહેવાના આવ્યું હતું. વેચ્યા વિના જ સોલ્ડ આઉટ કઈ રીતે થઈ શકે. રિતિક પટેલ નામના યુવકે જણાવ્યું હતું કે અમે 100 જેટલા લોકો ટિકિટ માટે આવ્યા હતા. લાઈનમાં પણ ઉભા રહ્યા હતા, પરંતુ અચાનક જ આવીને દુકાન બંધ કરી દીધી હતી.