નર્મદા (રાજપીપળા)3 કલાક પહેલા
- કૉપી લિંક
સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત એકતા નર્સરી અહીં આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હોવા ઉપરાંત સ્થાનિક મહિલાઓને તેમના કૌશલ્યના નિદર્શનનું પ્લેટફોર્મ અને અર્થોપાર્જનનું કેન્દ્ર બની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વસંત ઋતુમાં કેવડિયાના જંગલમાં ખાખરાના વૃક્ષો અને તેના મનોહર ફુલ એવા કેસુડા વિશે પ્રવાસીઓ વાકેફ થાય એ માટે કેસુડા ટૂર શરૂ કરવામાં આવી છે. આ કેસુડા ટૂરમાં જોડાતા પ્રવાસીઓને કેવડિયાના જંગલમાં પરિભ્રમણ સાથે કેસુડાથી લથબથ ખાખરાના વૃક્ષો વચ્ચે પ્રકૃત્તિની નજીક જવાનો અવસર મળે છે. આ ટૂરના આકર્ષણ સાથે પ્રવાસીઓમાં કેસુડામાંથી બનતા વિવિધ સૌંદર્ય વર્ધક ઉત્પાદનો લોકપ્રિય બન્યા છે.
એકતા નર્સરીમાં કેસુડામાંથી વિવિધ ઉત્પાદનો બનાવવા માટેનું એક એકમ બનાવવામાં આવ્યું છે. જેનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ કરી રહી છે. એકતા નર્સરીની મુલાકાતે આવતા દેશવિદેશના પ્રવાસીઓ માટે વિવિધ આયુર્વેદિક ઉત્પાદનોની ખરીદ કરે છે. તેમાં સૌથી વધુ લોકપ્રિય છે કેસુડામાંથી બનતા ફેશવોશ, સાબુ, પાવડર !. ગોરા ગામના સુમિત્રાબેન તડવી આ સાબુ શોપનું સંચાલન કરે છે. તેઓ માત્ર 10 ધોરણ સુધી અભ્યાસ કરી શક્યા છે. પણ, શોપ મેનેજમેન્ટની સૂઝ ગજબની છે. તેઓ કહે છે, એકતા નર્સરીની સાબુ શોપમાં કેસુડામાંથી બનતા ફેશવોશ, સાબુ અને પાવડરનું વેચાણ કરવામાં આવે છે. અહીં આવતા ગ્રાહકો કેસુડાના ઉત્પાદનોની ખાસ માંગણી કરે છે.
એકતા નર્સરી સખી મંડળની બહેનો પગભર બને એ માટે રાજ્ય સરકાર દ્વારા ફેશવોશ, સાબુ બનાવવાના વિવિધ યંત્રો આપવામાં આવ્યા છે. સાબુ બનાવવાની કામગીરી પણ નર્સરીની અંદર જ કરવામાં આવે છે. બજારમાં મળતા સાબુમાં હોય એવા કેમિકલનો બિલ્કુલ ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે કે, એકતા નર્સરીના સૌંદર્ય પ્રસાધનો સંપૂર્ણ સુરક્ષિત છે. ઓનલાઇન કે બજારમાં મળતા નેચરલ પ્રોડક્ટની સરખામણીએ એકતા નર્સરીના ઉત્પાદનો 30થી 40 ટકા ઓછી કિંમતે મળે છે. વળી, વધુ ભાવે ઓનલાઇન મળે કે ના મળે, અહીં તો બારેય માસ ઉપલબ્ધ જ હોય છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે દૂરદરાજની આદિવાસી મહિલાઓના જીવનમાં કેવા ગુણાત્મક પરિવર્તન આવ્યા તેનું ઉત્તમ ઉદાહરણ સુમિત્રાબેન છે. તેઓ કહે છે કે, મારી આવડત અને કૌશલ્યની એકતા નર્સરીમાં કદર થઇ છે. એક ગૃહિણી તરીકે મારા સમયનો સદ્દઉપયોગ કરી અહીં કામ કરૂ છું અને તેના કારણે ઘર અને ઘર આંગણે રોજગારી મળતા પ્રતિ માસ રૂ. 9 હજાર જેટલી આવક થાય છે. મારો એક દીકરો પણ એસઓયુમાં નોકરી કરે છે. એક દીકરી હાલમાં ગણપત વિદ્યાલયમાં ઇલેક્ટ્રિક ઇજનેરી વિદ્યાશાખામાં અભ્યાસ કરી રહી છે. આ આવકથી હું મારી દીકરીને સારી રીતે અભ્યાસ કરાવી રહી છું.
એકતા નર્સરીના આ સાબુ શોપમાં કેસુડાના ઉત્પાદનો ઉપરાંત ચારકોલ, ગોટમિલ્ક, ચંદન, મધ, એેલોવેરા, લીમડો, મિન્ટ, ઓરેન્જ અને લિંબુમાંથી બનાવાયેલા સૌંદર્યપ્રસાધનો વિવિધ ફેગ્રન્સમાં મળે છે. તેના ઉત્પાદનથી માંડી વેચાણ સહિતની તમામ બાબતોનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. વન વિભાગના પ્રયત્નોને કારણે સ્થાનિક આદિવાસી મહિલાઓ પગભર બની છે.