વડોદરા26 મિનિટ પહેલા
- કૉપી લિંક
માંજલપુર પોલીસ સ્ટેશનની ફાઇલ તસવીર.
શહેરના માંજલપુરમાં ચિત્રકુટ સોસાયટીમાં રહેતા દક્ષાબેન પરમાર પતિ સાથે બનાવને કારણે છેલ્લા ત્રણ મહિનાથી પિયરમાં રહે છે. ગત 24 માર્ચના રોજ દક્ષાબેન ઘરેથી એક્ટિવા લઇને ધોરણ-4માં અભ્યાસ કરતી પુત્રીને મુકવા માટે ડોન બોસ્કો સ્કૂલ ગયા હતા. જ્યાં તેમના પતિ નિતેશ કુમાર શાંતિલાલ પરમાર (રહે. વિષ્ણુનગર દંતેશ્વર, વડોદરા) પોતાની આર્ટિંગા કાર લઇને આવ્યો હતો અને પત્ની દક્ષાબેનને મારી એક્ટિવા આપી દે કહી અપશબ્દો બોલ્યા હતા. તેમજ પરિણીતાના ગાલ પર અને માથામાં હાથથી માર મારતા ચક્કર આવી ગયા હતા. તેમજ પતિએ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પતિએ માર મારતા પત્નીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી ગતી. જેથી હુમલો કરનાર પતિ સામે પત્નીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કારેલીબાગમાં રાજુ આમલેટના ટેબલ ચોરાયા
શહેરના કારેલીબાગ મહાલક્ષ્મી કોમ્પલેક્ષમાં આવેલ રાજુ આમલેટ નામની દુકાન 27 માર્ચની રાત્રે વેપારી સાગરભાઇ રાણા બંધ કરીને ગયા હતા. દુકાનની બહાર તેઓ ગ્રાહકોને બેસાવા માટેના સ્ટીલના 8 નંગ ટેબલ સાંકળથી બાંધીને ગયા હતા. બીજા દિવસે સવારે આવીને જોતા આ ટેબલ કોઇ ચોરી ગયું હતું. જેથી આ મામલે 75 હજારનો મુદ્દામાલ ચોરાયાની ફરિયાદ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
પાણીગેટમાં કારખાનામાંથી 30 હજારના મુદ્દામાલની ચોરી
શહેરના આજવા રોડ રામપાર્ક સોસાયટીમાં રહેતા અબ્બાસઅલી મુશ્તાકઅલી ભાઇસાહેબ પ્રતાપનગર યમુનામીલ રોડ ખાતે આવેલ પટેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં વિઝન ઓપ્ટીકલ ઇન્ડસ્ટ્રીઝ નામથી ચશ્માની ફ્રેમ બનાવવાનું કારખાનું ધરાવે છે. ગત 28 માર્ચે રાત્રે તેઓ કારખાનાનું શટર બંધ કરી ઘરે ગયા હતા. બીજા દિવસે આવીને જોયું તો કારખાનામાંથી ચશ્માના વાયરના દસ પેકેટ ગુમ હતા. જે અંગે 30 હજાર 700નો મુદ્દામાલ ચોરાયાની ફરિયાદ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.