કચ્છ (ભુજ )39 મિનિટ પહેલા
- કૉપી લિંક
- ગ્રામજનો દ્વારા પોલીસનું સન્માન કરવામાં આવ્યું હતું
ભચાઉ તાલુકાના કબરાઉ પાસેની આદર્શ નિવાસી શાળામાંથી ગત તા. 6ના રોજ ગુમ થયેલા 14 વર્ષીય કિશોર ગઈકાલ તાં 23ના 20 દિવસ બાદ છેક દિલ્હીથી મળી આવ્યો હતો. પૂર્વ કચ્છ પોલીસની સખત કામગીરીના પગલે આ મામલે અંતે સફળતા મળતા પોલીસ તંત્રનું અનુસૂચિત સમાજના લોકો દ્વારા ખાસ સન્માન પણ કરવામાં આવ્યું હતું.
કબરાઉની શાળામાંથી લાપતા થયેલા કિશોર મામલે અનુસૂચિત જ્ઞાતિના લોકો દ્વારા પરિજનો સાથે ભચાઉ પોલીસ મથકે ધરણારૂપી રજૂઆતો પણ કરાઈ હતી. જોકે પોલીસે તેની કામગીરી ચાલુ રાખી હતી અને પીડિત પરિવાર તથા સમાજને બાળક શોધી લાવવાની ધરપત આપી હતી.દરમિયાન કિશોરના ગુમ થવાનો મામલો સંવેદનશીલ લાગતા પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયાના સીધા માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સાગર સાબડાએ પોલીસની 11 ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. આ વચ્ચે કિશોરના પિતાને અજાણ્યા નંબર પરથી એક મિસકોલ આવતા તેની જાણ પોલીસને કરી હતી. જેના પગલે ઇન્ચાર્જ પીઆઇ એસ.એન. ગડડુએ તે નંબર પર વાત કરતા તે સ્થળ દિલ્હીના કોનોટ પ્લેસ ખાતે આવેલા ગુરુદ્વારામાં સેવા આપતા વ્યક્તિનો હોવાનું જાણવા મળ્યું હતું. આ વ્યક્તિને વાત કરતા ગુમસુદા બાળક ત્યાં રાત્રે જમવા આવતો હોવાનું અને રેન બસેરામાં સુઈ રહેતો હોવાનું માલુમ પડ્યું હતું. આજ સમયે પોલીસે તુરંત દિલ્હી પહોંચી જઈ કિશોરનો કબજો મેળવી સલામત રીતે ભચાઉ લઈ આવી પરિવારને સોંપ્યો હતો. આ વેળાએ ભાવુક દ્રષ્યો સર્જાયા હતા. પોલીસ કામગીરી પ્રત્યે પરિવાર અને અનુસૂચિત સમાજના લોકોએ આભારની લાગણી વ્યક્ત કરી સન્માન કર્યું હતું. કિશોર ભણવામાં મન ના લાગતા નાસી ગયો હતો.