અમદાવાદ26 મિનિટ પહેલા
- કૉપી લિંક

નારાયણ સાંઈ વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ નોંધાવનાર યુવતીના પતિને જાનથી મારી નાખવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરનાર આરોપીની ગુજરાત ATSએ ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી આસારામ આશ્રમમાં રહેતો હતો અને હુમલો કર્યા બાદ મધ્યપ્રદેશ ભાગી ગયો હતો.
આરોપી ટેન્ટ લગાવવાનું કામ કરતો હતો
ગુજરાત ATSએ બાતમીના આધારે મધ્યપ્રદેશના અકોદીયા વિસ્તારમાંથી સુનિલ શાહુની ધરપકડ કરી હતી. પકડાયેલ આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તે મૂળ ભોપાલનો વતની છે. વર્ષ 2014માં આસારામના મોટેરા ખાતેના આશ્રમમાં રહેતો હતો. આરોપી ટેન્ટ લગાવવાનું કામ કરતો હતો. ફેબ્રુઆરી 2014માં નારાયણ સાઈ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવનાર યુવતીના પતિ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. તેમજે આ મામલે સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો હતો. આરોપી હુમલો કર્યા બાદ મધ્યપ્રદેશ નાસી ગયો હતો જેની ATSએ ધરપકડ કરી છે. આરોપીને સુરત પોલીસને સોંપવામાં આવશે.
બે પિસ્તોલ અને છ કારતુસ સાથે ત્રણની ધરપકડ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કુખ્યાત અરવિંદસિંગ બિકા ગેંગના પેરોલ જમ્પ સભ્ય સહિત 2 વ્યક્તિઓને 2 પિસ્તોલ અને 6 કારતુસ સાથે ઝડપી પાડ્યા છે. દિપક જાટ, રાજાખાન અને અલીહસન કુરેશીની ક્રાઈમ બ્રાન્ચે હથિયાર સાથે ધરપકડ કરી છે. આરોપીઓ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી હથિયાર લાવ્યા હતા. આરોપી દિપક જાટ આંગડિયા લૂંટ વિથ ફાયરિંગ, હત્યાના પ્રયાસના ગુનામાં જેલમાં બંધ હતો. 10 દિવસ પેરોલ પર છૂટ્યા બાદ પેરોલ જમ્પ કર્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી છે.