મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની જંબુસરથી પકડાઈ, પાન-આધાર લિંક મુદ્દે મોટી રાહત, ગિરનાર પર પોલીસ કેમ તૈનાત કરાશે? | News of relief for PAN-Aadhaar link, why police will be deployed on Girnar mountain? See seven big news | Times Of Ahmedabad

17 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાન સાથે આધારને લિંક કરાવવાની મુદ્દત લંબાવાઈ

કેન્દ્ર સરકારે આધાર-પાન લિંકિંગને લઈને લોકોને એક મોટી રાહત આપી દીધી છે. સરકારે આધાર-પાન લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 મે 2023થી વધારીને 30 જુન 2023 કરી નાખી છે. 31 માર્ચ 2023ને આડે ત્રણ દિવસ બાકી રહ્યાં હોવાથી લોકો આ બન્ને દસ્તાવેજો જોડવા માટે દોડાદોડી કરતાં હતા જેને કારણે લોકોને મોટી તકલીફ પડી રહી હતી. આ રીતે લોકોને હવે આ બન્ને દસ્તાવેજોના જોડાણ માટે 3 મહિનાનો વધુ સમય મળશે. અત્યાર સુધી છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હોવાથી લોકો લિંક માટે દોડાદોડી કરતાં હતા. આ માટે સરકારે 1 હજાર રુપિયાની ફી નક્કી કરી હતી. સરકાર દ્વારા અગાઉ એવું પણ કહેવાયું હતું કે 31 માર્ચ 2023 પછી આધાર-પાન લિંક માટે 10,000 રુપિયાનો દંડ લાગશે જોકે હવે લોકો આ બન્ને મહત્વના દસ્તાવેજો જોડાવા માટે વધુ 3 મહિનાનો સમય મળી ગયો છે.

સતત બીજા દિવસે કોંગ્રેસનો વિરોધ

ગઈકાલે રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્યોએ કાળાં કપડાં પહેરીને વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, અદાણી-મોદી ભાઈ-ભાઈના નારા લગાવ્યા હતા. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા સતત બીજા દિવસે પણ વિધાનસભા પ્રવેશદ્વાર પાસે વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોનો આક્ષેપ છે કે મહાઠગ કિરણ પટેલ મુદ્દે વિધાનસભા ગૃહમાં ચર્ચા થાય નહીં એ માટે કોંગ્રેસના તમામ સભ્યોને સત્ર પૂરું થાય નહીં ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજે પણ અલગ અલગ પોસ્ટર્સ સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.અમિત ચાવડાએ આક્ષેપ કર્યા હતા કે ડબલ એન્જિન સરકારમાં મહાઠગ કિરણ પટેલ વહીવટદાર હોય એવું આખી દુનિયાએ જે જોયું અને આ મુદ્દાને લીધે ગુજરાત તથા ગુજરાત સરકારની છબિ ખરડાઈ છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આજે ગૃહમાં કિરણ પટેલના મુદ્દે ચર્ચા કરવા માટે વિધાનસભામાં સભા તાકીદની નોટિસ આપી હતી.

ગિરનાર પર્વત પર ગંદકી મુદ્દે સરકારનો જવાબ

જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ગંદકી મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન દાખલ થઈ છે, જેના પર સુનાવણી દરમિયાન એક નોટિસ પર ગુજરાત સરકારે જવાબ આપતા કહ્યું હતું કે, ગિરનાર પર્વત પર સ્વચ્છતા જાળવવા વધુ મેનપાવરનો ઉપયોગ કરાશે અને ગંદકી કરનારને દંડ પણ ફટકારવામાં આવશે.સરકારે કોર્ટમાં જવાબ આપતા કહ્યું હતું કે, ગિરનારના દર 100 પગથિયા પર 1 પોલીસકર્મી તૈનાત રહેશે. ગંદકી કરનારને દંડ ફટકારવામાં આવશે. સાથે જ પર્વત પર LED,ડસ્ટબિન અને સાઈન બોર્ડ પણ મુકવામાં આવશે. ગંદકી કરનાર શખ્સો સામે ક્રિમિનલ પ્રોસિક્યુશન થશે.આ મામલે આ પહેલા યોજાયેલી સુનાવણી દરમિયાન કોર્ટે આદેશ આપ્યો હતો કે ગિરનાર પર્વત પર તત્કાલ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે. જેમાં પ્લાસ્ટિક સહિતની ગંદકીની તાત્કાલ સફાઈ કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે સરકારને ઠપકો આપતા કહ્યું હતું કે, તમારે શબરીમાલા અને વૈષ્ણોદેવી મંદિરની સ્વચ્છતા જોઈને બોધપાઠ લેવો જોઈએ. આ સાથે હાઇકોર્ટે એ પણ જણાવ્યું હતું કે, સ્વચ્છતા મુદ્દે બાંધછોડ ચલાવી લેવાય નહીં.

બાળકી પર દુષ્કર્મ હત્યા કેસમાં ફાંસીની સજા

સુરતમાં એક પછી એક માસુમ બાળકી સાથે દુષ્કર્મ થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. આ તમામ ઘટનાના ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવતા હોય છે. ત્યારે બારડોલીના જોળવા ગામે થયેલી બાળકી સાથે દુષ્કર્મની ઘટનામાં બારડોલી સેશન્સ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. મુખ્ય આરોપી દયાચંદ ઉમરાવ પટેલને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. અન્ય આરોપી કાલુરામ પટેલને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.કોર્ટે સમગ્ર કેસમાં અલગ અલગ 42 જેટલા સાક્ષીઓના નિવેદન લીધા હતા. તમામ સાક્ષીઓ પોતાના નિવેદન પર અડગ રહ્યા હતા. સરકારી વકીલ તરફથી પણ ધારદાર દલીલો કરવામાં આવી હતી. આ દલીલો અને સાક્ષીઓના નિવેદનને ધ્યાને લઇને બારડોલી સેશન્સ કોર્ટ દ્વારા આ સજા સંભળાવવામાં આવી છે.સમગ્ર ઘટનાની વાત કરીએ તો 20 ફેબ્રુઆરી 2022માં આ બનાવ બન્યો હતો. જોળવા ગામમાં આરોપીઓએ 11 વર્ષની બાળકી પર બળાત્કાર બાદ હત્યા કરી હતી અને તેને રૂમમાં પુરી ફરાર થઇ ગયા હતા. પરિવારે બાળકીને શોધી કાઢી અને તેને સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ વાસનાનો શિકાર બનેલી માસૂમ બાળકીએ સારવાર મળે તે પહેલા જ તેના શ્વાસ છોડી દીધા હતા.

પૂર્વ મંત્રીના ભાઈનો બંગલો પચાવી પાડવાના કેસમાં ધરપકડ

PMO અધિકારી તરીકેની ઓળખ આપીને કાશ્મીરમાં Z+ સુરક્ષા કવચ સાથે બુલેટપ્રૂફ કારમાં ફરનારા કિરણ પટેલની પત્ની માલિની પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. તે પોતાના સંબંધીને ત્યાં જંબુસર હતી ત્યારે ઝડપાઈ હતી. સિંધુભવન રોડ પરના જગદીશપુરમ્ બંગલો પચાવી પાડવાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. કિરણ પટેલનાં અનેક કારનામાં બહાર આવ્યાં હતાં. ઠગ કિરણ પટેલ વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં એક ફરિયાદ નોંધાઇ હતી, જેમાં પૂર્વ મંત્રીના ભાઈ નવા PMOના અધિકારીની ઓળખ આપી બંગલો રિનોવેશન કરાવવાનું કહીને બંગલો પચાવવા કોર્ટમાં ખોટો દાવો કરીને નોટિસ મોકલી હતી. એ મામલે પૂર્વમંત્રીના ભાઈએ ક્રાઈમ બ્રાન્ચમાં કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતાં જ માલિની ફરાર થઇ ગઇ હતી, જેની ક્રાઈમ બ્રાન્ચે જંબુસરથી ધરપકડ કરી છે.

આઈશર ટેમ્પો ઘડાકાભેર ડમ્પરમાં ઘૂસી ગયો

સુરત જિલ્લામાંથી પસાર થતા મુંબઈ નેશનલ હાઈ વે પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પંચર પડી જતા રોડની સાઈડમાં પાર્ક કરવામાં આવેલા ડમ્પરમાં આઈશર ટેમ્પો ઘૂસી ગયો હતો. જેથી બેનાં મોત નીપજ્યા હતા.માંગરોળના સવા પાટિયા નજીક મોડી રાત્રે મુંબઈ નેશનલ હાઈવે પર ડમ્પર અને આઈશર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રામઈકબાલ ચૌહાણ ડમ્પર (GJ-16-AV-4200)માં છોટાઉદેપુરથી રેતી ભીરતને કડોદરા ખાલી કરવા જઈ રહ્યા હતા. દરમિયાન પંચર પડી જવાથી ડમ્પર હાઈવેની સાઈડમાં પાર્ક કરવામાં આવ્યું હતું. રેતીના પ્લાન્ટ પરથી ધવલ દુઘાત અને મિતેશ ડામોર આવ્યા હતા. ડમ્પરની પાછલ રિફલેક્ટર, ટાયર અને પથ્થરની આડાશ મૂકી ડમ્પર રિપેરિંગ કરતા હતા. દરમિયાન પૂરપાટ ઝડપે હાઈવે પરથી પસાર થતો આઈશર ટેમ્પો(GJ-23-AT-2171) ઘડાકાભેર ઘૂસી ગયો હતો..હાઈવે પર અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. આઈશર ટેમ્પોના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે આ અકસ્માતમાં આઈશર ટેમ્પોના ડ્રાઈવર મહેન્દ્રકુમાર ગૌતમ અને ધવલ દુધાતના મોત થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી.

મહિલા કારચાલકે મોપેડને ઉડાવ્યું

વડોદરા શહેરના ગોત્રી રોડ વિસ્તારમાં દિવ્યાંગ યુવાન તેના થ્રી વ્હીલર મોપેડ પર માતાને સારવાર માટે ગોત્રી હોસ્પિટલે લઇ જઇ રહ્યો હતો. તે સમયે રસ્તામાં પાછળથી કાર લઇને આવેલી મહિલા ચાલકે થ્રી વ્હીલર મોપેડને અડફેટે લેતાં માતા અને પુત્ર મોપેડ પરથી ફંગોળાયાં હતાં. અકસ્માતમાં ઘાયલ માતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જ્યારે પુત્ર સારવાર હેઠળ છે. બીજી તરફ કાર મૂકીને મહિલા ફરાર થઇ ગઇ હતી.આ અંગે ગોત્રી પોલીસના જણાવ્યા મુજબ કનુભાઈ ગોવિંદભાઈ પરમાર (રહે. વુડાના મકાન,અટલાદરા)એ ફરિયાદ નોંધાવી છે કે, મારો ભાઈ રાજેશ (રહે. વુડાના મકાન,વાસણા-ભાયલી રોડ) દિવ્યાંગ છે અને તેમના થ્રી વ્હીલ મોપેડ પર માતા સવીતાબેન પરમાર (ઉં.વ.65)ને લઇને સારવાર માટે ગોત્રી દવાખાને જઇ રહ્યા હતા. ત્યારે નીલાંબર સર્કલ પાસે એક કારે રાજેશ પરમારના મોપેડને ટક્કર મારતાં તે માતા સાથે ફંગોળાયા હતા. તેમને એમ્બ્યુલન્સ દ્વારા ગોત્રી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. તે પછી વધુ સારવાર માટે સવિતાબેનને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જયાં સવિતાબેનનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

અન્ય સમાચારો પણ છે…