ઉના8 મિનિટ પહેલા
- કૉપી લિંક
ઉના હાઇવે બાયપાસની કામગીરી છેલ્લા ધણા વર્ષોથી ચાલું છે. તેમ છતાં તંત્રના પેટનું પાણીય હલતું ન હોય અને આજ સુઘી હાઇવે રોડનું કામ પૂરું થયેલું નથી. જેના કારણે તમામ મોટા ટ્રક, ડમ્પર જેવા વાહનો શહેરમાંથી બેફામ ચલાવી પસાર થતા હોય છે. ત્યારે અવાર નવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. અગાઉ ટાવર ચોક પાસે ટ્રક ચાલકે યુવાનની અડફેટે લેતા મોત નિપજ્યુ હતું. ત્યાં આજે ઉના બસ સ્ટેશન નજીક બેફામ ચાલતા ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લેતા ડમ્પરના પાછલા ટાયર નીચે આવી જતાં એક યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ. જ્યારે એક યુવાનને ઇજા પહોંચતા સારવાર અર્થે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.
ઉના શહેરના રામનગર ખારા વિસ્તારમાં રહેતા ચંદ્રેશ બાબુભાઇ ઠાકર તેમજ કાસમ અલી જમરોઠ આ બન્ને યુવાનો બાઇક નં. જી.જે 11 એ.પી 7075 પર બસ સ્ટેશન તરફ જતા હતા. ત્યારે બેફામ ઝડપે ચલાવી આવતો ડમ્પર નં.જી.જે 11 ઝેડ 6767ના ચાલકે બાઈક પર સવાર ચંદ્રેશભાઇને પાછળના ભાગેથી અડફેટે લેતાં ટ્રકના પાછલા વિલના ટાયર તેમના પર ફળી વળ્યુ હતુ. આ અકસ્માત સર્જાયેલ હોવા છતા ટ્રક ચાલકે યુવાનને ઘટના સ્થળેથી 300 મીટર જેટલું દૂર માર્કેટીંગ યાર્ડના ગેઇટ સુધી ટાયર નીચે ઢસળ્યાં હોય આજુબાજુમાંથી પસાર થતા વાહન ચાલકોએ તેમજ આ વિસ્તારના લોકોએ બુમાબુમ કરવા છતાં ડમ્પર ચાલકે પુર ઝડપે ચલાવતા લોકોએ ડમ્પર પાછળ દોટ મુકી તેને રોકાવ્યો હતો. જોકે આ ગંભીર અકસ્માતમાં ચંદ્રેશભાઇને સારવાર મળે તે પહેલાં જ લોહીલુહાણ હાલતમાં તેમનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. જ્યારે તેમની સાથે રહેલા યુવાનને હાથના ભાગે ઇજા પહોંચતા સરકારી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયેલ છે.
બેફામ બનેલ ટ્રક ચાલક નશાની હાલતમાં હોવાનું જાણવા મળેલ હોય લોકો તેમને પકડી પાડી મેથીપાક આપ્યો હતો. આ અકસ્માતની ઘટના બનતા લોકોના ટોળેટોળા એકઠા થતા ટ્રાફીકના દ્રશ્યો સર્જાયા હતા. યુવાનના મૃતદેહને સરકારી હોસ્પીટલે પી એમ અર્થે ખસેડવામાં આવેલ છે. આ અકસ્માતની જાણ મનોજભાઇ બાંભણીયા, દીપાબેન બાંભણીયા સહીતના પરીવારજનો મિત્રો યુવાનો આગેવાનો મોટી સંખ્યામાં લોકો હોસ્પીટલે દોડી ગયા હતા. આ અક્સ્માતમાં યુવાનના મોતથી ભારે શોક પ્રસરી ગયો હતો. આ અંગે પોલીસે ડમ્પર ચાલક વિરૂધ કાયદેસરની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરેલ છે.