- Gujarati News
- National
- Delhi CM Seeks To Show PM Modi’s Degree, Justice Biren Vaishnav’s Bench Rejects Plea
34 મિનિટ પહેલા
- કૉપી લિંક
વડાપ્રધાનની ડિગ્રીની કોપી માગવાના મામલે ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે પોતાનો ચૂકાદો આપ્યો છે. હાઇકોર્ટે ચીફ ઈન્ફોર્મેશન કમિશનર(CIC)ના એ આદેશને રદ કર્યો છે, જેમાં ગુજરાત યુનિવર્સિટીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી વિશે જાણકારી આપવાનો નિર્દેશ કર્યો હતો. સાથે જ કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને 25 હજારનો દંડ ફટકાર્યો છે.
જસ્ટિસ બિરેન વૈષ્ણવે કહ્યું કે, વડાપ્રધાન કાર્યાલય (PMO)એ ગ્રેજ્યુએશન ડિગ્રી સર્ટિફિકેટ આપવું જરૂરી નથી. કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર 25,000 રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રીએ પીએમના ડિગ્રી સર્ટિફિકેટની વિગતો માગી હતી.
PM નરેન્દ્ર મોદી અનુસાર, તેમણે 1978માં ગુજરાત યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું અને દિલ્હી યુનિવર્સિટીથી 1983માં PG કર્યું હતું. ગયા મહિને આ કેસની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ યુનિવર્સિટીનો પક્ષ રાખતા કહ્યું હતું કે કેસમાં છુપાવવા જેવું કંઈ નથી, પરંતુ યુનિવર્સિટી પર જાણકારી આપવાનું દબાણ ન કરી શકાય.
કાયદાકીય મામલે જાણકારી આપતી વેબસાઈટ બાર એન્ડ બેન્ચ અનુસાર, સુનાવણી દરમિયાન તુષાર મહેતાએ કહ્યું, ‘લોકતંત્રમાં એ વાતથી કોઈ ફરક નથી પડતો કે હોદ્દા પર બેસેલો વ્યક્તિ ડોક્ટર છે કે અભણ. આ સિવાય આ કેસમાં જનહિત સાથે જોડાયેલી કોઈ વાત નથી.’
સોલિસિટર જનરલે કહ્યું- અયોગ્ય માગણી માટે જાણકારી ન આપી શકાય
તેમણે કહ્યું કે, કોઈની અયોગ્ય માગ પૂરી કરવા માટે કોઈ પણ માહિતી ન આપી શકાય. તુષાર મહેતાએ કહ્યું કે, જે જાણકારી માગવામાં આવી છે, તેની વડાપ્રધાનની કામગીરી સાથે કોઈ લેવાદેવા નથી.

સોલિસિટર જનરલ તુષાર મહેતા
હાઈકોર્ટના નિર્ણય બાદ CM અરવિંદ કેજરીવાલે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વીટ કર્યું કે, શું દેશને એ જાણવાનો પણ અધિકાર નથી કે તેમના પીએમ કેટલું ભણેલા છે? તેમણે(PM) કોર્ટમાં ડિગ્રી બતાવવાનો ઉગ્ર વિરોધ કર્યો. શા માટે? અને શું તેમની ડિગ્રી જોવાની માગ કરનારને દંડ ફટકારવામાં આવશે? આ બધું શું થઈ રહ્યું છે? અભણ કે ઓછું ભણેલા પીએમ દેશ માટે ખૂબ જ ખતરનાક છે.
તમને જણાવી દઈએ કે ગુજરાત યુનિવર્સિટીએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી RTI કાયદા હેઠળ PMની ડિગ્રીની જાણકારી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આપવાના આદેશને રદ કરવાનો આગ્રહ કર્યો હતો.