અમરેલી9 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમરેલી જિલ્લામાં રામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. અમરેલી, રાજુલા, જાફરાબાદ, લાઠી, સાવરકુંડલા, ધારી, સહિતના વિસ્તારમાં રામ ભગવાનના મંદિરોમાં ઉજવણી કરાઈ હતી. તેમજ કેટલીક જગ્યાએ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજુલા શહેરના રાજમાર્ગો ઉપર ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં માનવમહેરામણ ઉમટી પડ્યું હતું.
આ શોભાયાત્રા સ્વામિનારાયણ મંદિરથી લઈ શહેરના મુખ્ય ચોક હવેલી ચોક, ટાવર રોડ, બસ સ્ટેન્ડ ચોક, આંબેડકર સર્કલ સહિત વિસ્તારમાંથી જલારામ મંદિરે પૂર્ણ થઈ હતી. વિશ્વહિન્દુ પરિષદ અને બજરંગ દળ બંને સંસ્થા દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના તમામ રાજકીય અગ્રણીઓ પણ જોડાયા હતા. શહેરની ચેમ્બર ઓફ કોમર્સ સહિત વેપારી મંડળ પોતાના ધંધારોજગાર બંધ રાખી આ શોભાયાત્રામાં જોડાયા હતા. હજારોની સંખ્યામાં રામ ભક્તોએ જય જય શ્રીરામના નારા લગાવ્યાં હતા. જેથી શહેર રામમય બન્યું હતું.
રાજમાર્ગો ઉપર ઠંડપીણા સહિતની વ્યવસ્થા
રાજુલા શહેરમાં સામાજિક સેવાકીય ગ્રુપ સંસ્થા રાજકીય આગેવાનો દાતાઓ દ્વારા રાજમાર્ગો ઉપર મંડપના સ્ટોલ રાખી ધાર્મિક જનતાને ઠંડા પાણી, સરબત, આઈસ્ક્રીમ સહિતની વ્યવસ્થા વિનામૂલ્ય રાખવામાં આવી હતી. આ શોભાયાત્રા દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. શોભાયાત્રાના રૂટ ઉપર પોલીસની તમામ ગતિવિધિ રાખવામાં આવી હતી. જેથી શાંતીપૂર્ણ માહોલ વચ્ચે શોભાયાત્રા પસાર થઈ હતી. વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકરો દ્વારા ગામડે ગામડે ડી.જે.ના સાઉન્ડ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.