કિશોરીઓના પોષણથી લઈ સમાજમાં પોતાની ઓળખ ઊભી કરવા આહવાન કરાયું, વોકેથોન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી | The program was started with a walkathon, where girls were called upon to create their own identity in the society from nutrition | Times Of Ahmedabad

અંબાજીએક કલાક પહેલા

  • કૉપી લિંક

બનાસકાંઠામાં વિભાગીય નાયબ નિયામકની કચેરી અને આઈસીડીએસ શાખા દ્વારા આયોજિત “પુર્ણા અવેરનેસ પ્રોગ્રામ” હેઠળ મિલેટ અને કિશોરીઓના સ્વાસ્થ્યને સ્પર્શતો જાગૃતિ કાર્યક્રમ દાંતા ઘટક અંબાજી મુકામે યોજાયો હતો. જેમાં દીકરીઓના જન્મથી તેમના પાલન પોષણ અને જાતીગત ભેદભાવો વિના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કિશોરીઓમાં પોતાના હક વિશેની જાણકારી કેળવાય અને તે સ્વાભિમાનથી સમાજમાં જીવન જીવી શકે તે માટે “PURNA” અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં જિલ્લા પ્રોગ્રામ અધિકારી ઉષાબેન ગજ્જર (ICDS શાખા), રંજનબેન વ્યાસ (મેડિકલ ઓફિસર), પૂર્ણા યોજના ઝોન કન્સલ્ટન્ટ રાજેન્દ્ર પ્રજાપતિ, ડિસ્ટ્રિક્ટ કન્સલ્ટન્ટ ડૉ.નિકુલસિંહ ઠાકોર, આધાર કન્સલ્ટન્ટ હર્ષ જોષી, મુખ્યસેવીકાઓ, આંગણવાડી કાર્યકર તેમજ બહોળી સંખ્યામાં આંગણવાડીની લાભાર્થી કિશોરીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત કિશોરીઓ દ્વારા વોકેથોનથી કરવામાં આવી હતી. આ પ્રવૃત્તિ અંતર્ગત કિશોરીઓએ રસ્તા પર રેલી કાઢી યોજના અને પોષણ-આરોગ્યને વિષયક સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ પ્રવૃત્તિ થકી યોજનાના પ્રચાર પ્રસારના હેતુઓ સિદ્ધ કરવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કિશોરીઓને પૂર્ણા યોજના વિશે જાણકારી આપવામાં આવી હતી. તેઓને આરોગ્ય તથા પોષણ બાબતે પણ શિક્ષણ અને પરામર્શ જેવી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી હતી.

આ કાર્યક્રમ અંતર્ગત આ વર્ષની આંતરરાષ્ટ્રીય થીમ મિલેટના રોજિંદા ખોરાકમાં ઉપયોગ બાબતે કિશોરીઓને પ્રેરિત કરવામાં આવી હતી. કિશોરીઓ દ્વારા મિલેટ અને આંગણવાડીમાંથી આપવામાં આવતું THR પૂર્ણા શક્તિ એમ બંને ભેગું ઉમેરીને વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવી નિદર્શન કરવામાં આવ્યું હતું. તેઓને આ જ રીતે રોજિંદા જીવનમાં પણ પૂર્ણા શક્તિ પેકેટમાંથી અવનવી વાનગીઓ બનાવી ઉપયોગ કરવા પ્રેરણા પણ આપવામાં આવી. કિશોરીઓએ આંગણવાડી કેન્દ્રમાં વેસ્ટ આઈટમમાંથી બનાવેલ બેસ્ટ આઈટમનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પૂછવામાં આવેલ પૂર્ણા આરોગ્ય પોષણ વિષયક પ્રશ્નોના કિશોરીઓએ ઉત્સાહભેર જવાબ આપ્યા હતા તેમજ આ વિષય પર યોજેલ કવીઝમાં પણ ભાગ લીધેલ.

સ્વચ્છતા અને આરોગ્યના પ્રચાર પ્રસાર અર્થે ICDS યોજનાના અધિકારીઓ દ્વારા તમામ કિશોરીઓને પુર્ણા લોગોવાળી ટી-શર્ટ અને કેપ તથા હાઈજીન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંતમાં મિલેટના ઉપયોગ તથા પોષણ પખવાડિયા વિષયક ઉપસ્થિત દરેકને શપથ લેવડાવી આ વર્ષની આંતરરાષ્ટ્રીય ઝુંબેશમાં પણ ફાળો લેવા અપીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post