વડોદરા5 કલાક પહેલા
વડોદરામાં સુપર બેકરી પાસે શુક્રવાર મોડી રાત્રે કાર ચાલક યુવતીએ ટુ-વ્હીલર પર જઇ રહેલા બે યુવકને અડફેટે લીધા હતા. ત્યાર બાદ કાર પણ પલટી ખાઈ ગઈ હતી. કારે ટુ-વ્હીલરને ટક્કર માર્યાની ઘટના CCTVમાં કેદ થઈ છે. આ બનાવને પગલે પોલીસે મૂળ રાજકોટની રહેવાસી કાર ચાલક ઋત્વી શિંગાળા સામે ગુનો દાખલ કરી કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે.
પૂરપાટ ઝડપે યુવતી કાર લઈને નીકળી
રાજકોટની વતની અને વડોદરામાં અભ્યાસ કરતી ઋત્વી દિપકભાઇ શિંગાળા મોડી રાત્રે 1:20 કલાકે કાર લઇને ન્યુ વીઆઇપી રોડ પરથી પૂરપાટ પસાર થઇ રહી હતી. તે સમયે વારસીયા વિસ્તારમાં આવેલી પંચશીલ સોસાયટીમાં રહેતો ગૌતમ કમલભાઇ નાથાણી (ઉં.વ.20) અને તેનો મિત્ર યશ ચંદવાણી સ્કૂટર લઇને પસાર થઇ રહ્યા હતા.

અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.
સ્કૂટર ચાલક ફૂટબોલની જેમ ઉછળ્યો
પૂરપાટ કાર લઇને પસાર થઇ રહેલી યુવતી ઋત્વી સીંગાડાએ સ્કૂટર પર સવાર ગૌતમ નાથાણીને જોરદાર ટક્કર મારતા ગૌતમ ફૂટબોલની જેમ રોડ ઉપર ફંગોડાઇ ગયો હતો. અને ઋત્વીની કાર ધડાકા સાથે રોડ ઉપર પલટી ખાઇ ગઇ હતી. મોડી રાત્રે ધડાકા સાથે થયેલા આ બનાવને પગલે પસાર થતા લોકો અને સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા અને સ્કૂટર ચાલક યુવાન ગૌતમ સહિત બેને ગંભીર ઇજા પહોંચી હોવાથી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

કારે સ્કૂટર ચાલકને ટક્કર મારી હતી.
વિસ્તારના લોકો એકઠા થઈ ગયા
રાત્રે 1:20 કલાકે બનેલા અકસ્માતના આ બનાવની જાણ વારસીયા પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને કાર ચાલક ઋત્વી સીંગાડા સામે ગુનો દાખલ કરી તેની અટકાયત કરી લીધી હતી. મોડી રાત્રે બનેલા આ બનાવે વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી.

અકસ્માત બાદ કાર પલટી ખાઈ ગઈ હતી.
કાર અને સ્કૂટરનો કચ્ચરઘાણ
મોડી રાત્રે સર્જાયેલા આ અકસ્માતમાં કાર એટલી સ્પીડમાં હતી કે, કાર રોડ પર પલટી ખાઇને શિર્ષાસન થઇ ગઇ હતી અને કારનો બોનેટના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તો સ્કૂટરને કારની વાગેલી ટક્કરથી સ્કૂટર હાડપિંજરમાં ફેરવાઈ ગયું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, અકસ્માતનો એટલો મોટો અવાજ આવ્યો હતો કે, અમે ગભરાઈ ગયા હતા. કાર અને સ્કૂટરની હાલત જોતા એવું લાગતું હતું કે, કાર ચાલક અને સ્કૂટર ચાલકનું બચવું અશક્ય જણાતું હતું. સદભાગ્યે આ ઘટના હિટ એન્ડ રન થતાં બચી ગઈ હતી.

અકસ્માતગ્રસ્ત સ્કૂટર.
સ્કૂટર ચાલક સારવાર હેઠળ
ઉલ્લેખનિય છે કે, મોડી રાત્રે યુવાનો-યુવતીઓ રોડ ખુલ્લા જોઇને પોતાના વાહનો બેફામ હંકારતા હોય છે. મોડી રાત્રે કાર લઇને નીકળેલી ઋત્વી સીંગાડા પણ વાયુવેગે કાર લઈને નીકળી હતી અને ન્યુ વીઆઇપી રોડ પર સુપર બેકરી પાસે સ્કૂટર ચાલક ગૌતમ નાથાણીને અડફેટમાં લીધો હતો. ગૌતમને હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

પલટી ખાઈ ગયેલી કાર.