રાજકોટ23 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર.
રાજકોટ જિલ્લાના લોધિકામાં પાણીના ટાંકા પાસે રહેતા દિલીપ સોમભાઈ ખીમસુરીયા (ઉં.વ.30)ને ઘણા સમયથી ટીબીની બિમારી હતી. આથી આ બિમારીથી કંટાળી તેણે ગઈકાલે સાંજે ઝેરી દવા પી લીધી હતી. આથી તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતક દિલીપને સંતાનમાં એક દીકરી અને એક દીકરો હોવાનું જાણવા મળ્યું છે. પુત્ર-પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવતા પરિવારમાં માતમ છવાય ગયો છે.
નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો
રાજકોટ જિલ્લાના પડધરીના નાનાવડા ગામ પાસે નદીનાં કાંઠે ચાલતી દેશી દારૂની ભઠ્ઠીમાં પોલીસે દરોડો પાડી 400 લીટર આથો સાથે રાજકોટના મોહિત ગુજરાતીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પડધરી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નાનાવડા ગામ પાસે આવેલ નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલે છે તેવી બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. ત્યાં હાજર શખસ મોહિત મુકેશ ગુજરાતીને ઝડપી પાડી પોલીસે 400 લીટર આથો અને દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો મળી રૂ.50 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી મોહિત ગુજરાતીને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સિવિલમાં માનસિક રોગથી પીડાતા યુવાને ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો
મેંદરડાના 27 વર્ષીય યુવાનને માનસિક રોગના વિભાગમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. આજે સવારે દસેક વાગ્યા બાદ માનસિક વિભાગના એક રૂમમાં પુરાઇ ગયો હતો અને અંદરથી દરવાજો બંધ કરી લીધો હતો. નર્સિંગ સ્ટાફે તિરાડમાંથી જોતાં તે છતના હુકમાં ચાદર બાંધી ગળેફાંસો ખાઇ લેવાની તૈયારી કરતો જોવા મળતાં સિક્યોરિટીને જાણ કરતાં ઇન્ચાર્જ ટીમ તત્કાલ પહોંચી હતી અને મહામહેનતે આ યુવાનને આપઘાત કરતા પહેલા બચાવી લીધો હતો.
માતાના વિયોગમાં યુવાને ફિનાઈલ પીધું
રૈયા ચોકડી નજીક 20 વર્ષીય યુવાને ગઈકાલે સાંજે ઘરે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવાન પ્રાઇવેટ નોકરી કરે છે. તેના પિતા ડ્રાઈવિંગનું કામ કરે છે. માતાનું કોરોનામાં મૃત્યુ થયું હોઇ માતાની યાદ આવતી હોવાથી આ પગલું ભર્યાનું પરિવારજને જણાવ્યું હતું. હાલ યુનિવર્સિટી પોલીસે બનાવ અંગે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માતાના ઠપકાથી યુવાને ઝેરી દવા પીધી
રાજકોટના બેડીપરામાં 30 વર્ષીય યુવાને ગઇકાલે મોડીરાતે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરિવારજનોના કહેવા મુજબ યુવાન ત્રણ ભાઈ અને એક બહેનમાં નાનો છે અને ચાંદીકામ કરવાની સાથે સવારે અખબાર વિતરણનું પણ કમ કરે છે. તેને દારૂ પીવાની આદત પડી ગઇ હોઇ ગઇકાલે માતાએ ઠપકો આપ્યો હતો. આ વાતનું માઠું લાગી જતાં તેણે રાતે ઝેરી દવા પી લીધી હતી. બી ડિવિઝન પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.